આદરણીય, પ્રધાનમંત્રી જુસૈપ્પે કોન્તેજી, કેબીનેટમાં મારા સહયોગી ડૉ. હર્ષવર્ધનજી, ટેક સમિટમાં ઉપસ્થિત ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલા ભારત અને ઇટાલીના સૌ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.
નમસ્કાર!
ચાઓ, કોમે સ્તાઈ!
ઇટાલીથી અહિં આવેલા તમામ અતિથીઓનું વિશેષ રૂપે હાર્દિક સ્વાગત છે.
બેનવેનુતો ઇન ઇન્ડિયા!
મિત્રો,
આ 24 (ચોવીસ)મી ટેક સમિટ છે. આ સમિટમાં ભાગીદાર દેશના રૂપમાં ઇટાલીની ભાગીદારી અને સાથે જ પ્રધાનમંત્રી કોન્તેજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ એ અમારા માટે ગૌરવની બાબત છે.
અહિં આવતા પહેલા, પોતાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રીકોન્તેજીની સાથે મારી વિસ્તૃત ચર્ચા થઇ છે. ભારતની સાથેના સંબંધો પ્રત્યે તેમનો ઉત્સાહ અને તેમની પ્રતિબદ્ધતાનો મેં પોતે અનુભવ કર્યો છે.
આ વર્ષ અમારા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ભારત અને ઇટાલીના વ્યુહાત્મક સંબંધોનું 70મુ વર્ષ છે. આ જ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણા સહયોગને 40 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ શુભ અવસર પર પ્રધાનમંત્રી કોન્તેજીની ભારત યાત્રાનું એક અલગ જ મહત્વ છે.
મિત્રો,
આ એ સમય છે કે જ્યારે ટેકનોલોજી વિના જીવનની કલ્પના કરવી અઘરી છે. આજે લગભગ દરેક વ્યક્તિનું જીવન ટેકનોલોજી સાથે કોઈને કોઈ રૂપે જોડાયેલું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા ઝડપથી પરિવર્તનો થયા છે. તેની ગતિ એટલી ઝડપી છે કે એક ટેકનોલોજીનો પ્રભાવ સમાજના છેલ્લા છેવાડા સુધી પહોંચી પણ નથી શકતો કે તેના કરતા વધુ સારી ટેકનોલોજી આવી જાય છે. આ પરિસ્થિતિમાં તમામ દેશોની સામે બદલાઈ રહેલ ટેકનોલોજીની સાથે ચાલવાનો પડકાર છે તો અનેક નવા અવસરો પણ છે.
ભારતે તો ટેકનોલોજીને સામાજિક ન્યાય, સશક્તિકરણ, સમાવેશન, સક્ષમ સરકારી તંત્ર અને પારદર્શકતાનું માધ્યમ બનાવ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી સરકારી સેવાઓની અસરકારક પહોંચ છેવાડા સુધી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજીનું એક વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સામાન્ય માણસને હજી વધારે સરળતાથી સુવિધાઓનો લાભ મળી શકે. ટેકનોલોજીને અમે જીવન જીવવાની સરળતાનું એક મહત્વપૂર્ણ માધ્યમ માનીએ છીએ.
મિત્રો,
આજે દુનિયાની સૌથી મોટી પ્રત્યક્ષ ફાયદાકારક યોજનામાની એક ભારતમાં ચાલી રહી છે. સરકારી મદદ સીધી લાભાર્થીઓના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવી રહી છે. જન્મના દાખલાથી લઈને વૃદ્ધવસ્થાના પેન્શન સુધીની અનેક સુવિધાઓ આજે ઓનલાઈન છે. ૩૦૦થી વધુ કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓને ઉમંગ એપના માધ્યમથી એક મંચ પર લાવવામાં આવી છે.
ડિજિટલ પેમેન્ટ આજકાલ આશરે અઢી સો કરોડ ટ્રાન્ઝેક્શન પ્રતિ માસની ઝડપે વધી રહ્યા છે. દેશભરમાં ૩ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર મારફતે ગામડે-ગામડે ઓનલાઈન સેવાઓ આપવામાં આવી રહી છે.
છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં એક જીબી ડેટાની કિંમત 90 ટકા કરતા વધુ સુધી ઓછી થઇ છે. ભારતમાં આ સસ્તો ડેટા, દેશના દરેક વ્યક્તિ સુધી ડિજિટલ ટેકનોલોજીને પહોંચાડવા માટેનું અસરકારક માધ્યમ બની રહ્યો છે.
મિત્રો,
ભારત હવે આઈટી સોફ્ટવેર પાવરની પોતાની ઓળખને આગામી સ્તર પર લઇ જવા માટે આગળ વધી રહ્યું છે. અમે ભારતમાં વૈજ્ઞાનિક માનસિકતામાંથી ટેકનોલોજીકલ માનસિકતાને વિકસિત કરવા પર ભાર મુકી રહ્યા છીએ.
દેશભરમાં અટલ ટીંકરીંગ લેબના માધ્યમથી શાળાઓમાં નવીનીકરણ માટે, ભવિષ્યની ટેકનોલોજી માટેની માનસિકતા વિકસિત કરવામાં આવી રહી છે. અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી દેશભરમાં એવા યુવાનોનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના મજબૂત પાયાઓ બનશે.
સરકારના આ તમામ પ્રયાસોનું પરિણામ છે કે વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઆઈપીઓ)ની ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રેન્કિંગમાં આપણે 21 ક્રમ ઉપર આવી ગયા છીએ. તે સિવાય આજે વિશ્વની બીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ ભારત જ છે.
ભારતમાં જે નવીન પ્રયોગો થઇ રહ્યા છે તેમાં ગુણવત્તા પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. ભારતનો અવકાશ કાર્યક્રમ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને તેની સફળતા તો ઇટાલીએ પણ અનુભવ કરી છે.
આજે ભારત ઇટાલી સહીત વિશ્વના અનેક દેશોના ઉપગ્રહો ખૂબ ઓછા ખર્ચે અંતરીક્ષમાં મોકલી રહ્યું છે. આ ઉપગ્રહો, ટેકનોલોજીનો લાભ ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ઉપયોગી સાબિત થઇ રહ્યાં છે.
સાથીઓ, આજે જ્યારે દુનિયા ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોની ચર્ચા કરી રહી છે ત્યારે, ભારત અને ઇટાલીની પ્રાચીન સભ્યતાઓ વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગને મજબૂત કરવાથી નવા અવસરોનું નિર્માણ થશે જ પરંતુ સાથે જ પડકારોનો સામનો પણ આપણે અસરકારક રીતે કરી શકીશું.
મિત્રો,
આજે ભારત દુનિયાની સૌથી વધુ ઝડપથી આગળ વધી રહેલ અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ભારતનું વિશાળ સ્થાનિક બજાર, યુવાન જન સંખ્યા, ટેકનોલોજી અને ઇનોવેશનની ઇકો સિસ્ટમ, સાથે મળીને દુનિયાના વિકાસનું એક શક્તિશાળી એન્જીન સિદ્ધ થવાનું છે.
ત્યાં જ બીજી બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીની તો ઇટાલી પાસે પણ સમૃદ્ધ ધરોહર છે. ઉત્પાદનની દુનિયામાં ઇટાલીનું નામ શ્રેષ્ઠ ગુણવત્તા માટે જાણીતું છે. એટલા માટે, ભારત અને ઇટાલી સાથે મળીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનમાં પોતાનું યોગદાન હજુ વધારે મજબૂત કરી શકે તેમ છે. આ યોગદાનના માધ્યમથી આપણે વૈશ્વિક પડકારોના સમાધાન માટે પારસ્પરિક ટેકનોલોજીકલ ઉપાયો તૈયાર કરી શકીએ છીએ.
એ જ કારણ છે કે બંને દેશોના લોકોના જીવનને વધુ સારું બનાવવા, પર્યાવરણને સ્વચ્છ બનાવવા, માનવ કલ્યાણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ મજબૂત કરવો એ પહેલાની સરખામણીએ સૌથી વધુ જરૂરી છે. મને એ બાબતની ખુશી છે કે બંને દેશોનો વૈજ્ઞાનિક સમુદાય અને ઉદ્યોગ વડાઓ મળીને સંશોધન અને ઇનોવેશનના કટિંગ એજ ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે. પુનઃપ્રાપ્ય ઊર્જા, પર્યાવરણીય વિજ્ઞાન, ન્યુરો સાયન્સ અને આઈટીથી લઈને સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં અમારો વ્યાપક સહયોગ છે.
મિત્રો,
સહયોગના આ માર્ગને મજબૂત કરવાની સાથે જ અમારું લક્ષ્ય એ બાબતની ખાતરી કરવાનું પણ છે કે સંશોધન અને વિકાસના પરિણામ પ્રયોગશાળાઓ સુધી જ સીમિત ન રહી જાય પરંતુ તેનો લાભ સમાજ, જનતા સુધી પણ પહોંચે. એટલા માટે જ હું હંમેશા કહેતો આવ્યો છું કે “વિજ્ઞાન સાર્વત્રિક છે, ટેકનોલોજીએ સ્થાનિક બનવું પડશે.”
ભારતમાં અમે અમારી ઐતિહાસિક વિરાસતના સંરક્ષણ માટે સાયન્સ એન્ડ હેરીટેજ રીસર્ચ ઈનિશિએટીવ, એટલે કે એસએચઆરઆઈ (SHRI – શ્રી)ની શરૂઆત કરી છે. તેનો ઉદ્દેશ્ય ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે ટેકનોલોજી સાથે જોડાયેલ સમાધાનો શોધવાનો છે. ટેકનોલોજી, પ્રવાસન અને ઈતિહાસ– ત્રણેયનો સંગમ આ પહેલમાં જોવા મળે છે.
મને વિશ્વાસ છે કે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને વિકાસની નવી ગતિ નિર્ધારિત થશે. આપણા દ્વિપક્ષીય સંબંધોના વિકાસમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. અને તે જ આ ટેક સમિટનો ઉદ્દેશ્ય રહ્યો છે.
મને વિશ્વાસ છે કે વીતેલા બે દિવસો દરમિયાન સમિટમાં થયેલ ચર્ચાઓમાંથી બંને દેશોની વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો અને બજાર પહોંચને વધારવામાં સહાયતા મળશે. આ સમિટ આપણા પારસ્પરિક ભવિષ્યની ચર્ચામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
મિત્રો,
આજે ભારત ઇટાલી દ્વિપક્ષીય ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહયોગ કાર્યક્રમના આગામી તબક્કાની શરૂઆતની જાહેરાત કરીને મને ઘણી ખુશી થઇ રહી છે. તેનાથી આપણા ઉદ્યોગ અને સંશોધન સંસ્થાનો વિના કોઈ અવરોધના નવા ઉત્પાદનો અનેતેમની નકલો વિકસિત કરી શકીશું. “જાણો, કેવી રીતે (Know How)”ને સમયની માંગ છે કે “દર્શાવો, કેવી રીતે (Show How)”માં પરિવર્તિત થઇ શકે.
બંને દેશોમાં આર્થિક સંબંધ વધુ મજબૂત કરવા માટે અમે આ બાબત પર પણ સહમત થયા છીએ કે આર્થિક સહયોગ પર સંયુક્ત આયોગ (જેસીઈસી)ના માર્ગદર્શનમાં એક સીઈઓ મંચનું પણ ગઠન થાય. તેની સાથે જ બંને દેશોની વચ્ચે દ્વિ-માર્ગીય રોકાણને વધારવા માટે વેપાર કરવામાં આવી રહેલી અડચણોને પણ દૂર કરવા માટે એક જડપી પ્રણાલી બનાવવા પર પણ સહમતી સધાયેલી છે.
મને એ વાતની પણ ખુશી છે કે ભારત અને ઇટાલી, લેડ એટલે કે લાઈફ સ્ટાઈલ એક્સેસરીઝ ડિઝાઇનના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમત થયા છે. તેમાં પણ ચામડા ક્ષેત્ર, વાહનવ્યવહાર અને ઓટોમોબાઇલ ડિઝાઇન એટલે કે ટેડ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
સાથે જ, મને એ વાત જણાવતા પણ પ્રસન્નતા થઇ રહી છે કેબંને દેશ સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જા, લાઈફ સાયન્સ એન્ડ જીઓ હેઝાર્ડસ જેવા પસંદગીના ક્ષેત્રોમાં કૌશલ્ય આધારિત ઇન્ડો ઈટાલીયન સેન્ટર્સ ઑફ એક્સીલેંસની સ્થાપના કરીશું. તેનાથી માત્ર ઉચ્ચ શ્રેણીના વિશ્વ વિધાલયો, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગો એકબીજા સાથે જોડાઈ જ નહી જાય પરંતુ આપણી સામે આવી રહેલા પડકારોનું ટેકનિકલ સમાધાન પણ નીકળી શકશે.
મિત્રો,
ટેક સમિટની સફળતા માટે હું તમામ આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ઇટાલી સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે તેમણે એક ભાગીદાર દેશના રૂપમાં જોડાવાનું અમારું આમંત્રણ સ્વીકાર કર્યું. ટેક સમિટના તમામ સહભાગીઓનો પણ ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનું યોગદાન અને ઉપસ્થિતિ આ સમિટની સફળતા માટે મહત્વપૂર્ણ રહી છે.
હું એક વાર ફરી પ્રધાનમંત્રી કોન્તેજીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, તેમણે ભારત ઇટાલીની નવી ભાગીદારીના નવનિર્માણને પોતાના વ્યક્તિગત માર્ગદર્શન, દ્રષ્ટિકોણ અને કટિબદ્ધતાનો અનમોલ ઉપહાર પણ આપ્યો છે.
ગ્રાત્સીએ મિલ્લે!
ખૂબ-ખૂબ આભાર!!!