પ્રિય મિત્રો,
વિશ્વકર્મા જયંતી નિમિત્તે હું મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આપણી બહેનો અને ભાઇઓના ઉમંગ અને દઢ નિર્ધારને સલામ કે જેઓ સુથાર, કડિયા, પ્લમ્બર, કારીગરો, ટેકનિશીયનો, ટર્નર અને બીજા અનેક આવા લોકો કે જેમની તનતોડ મહેનત અને કૌશલ્ય વિના આપણે આજે જે મુકામ હાંસલ કર્યો છે તે કદાચિત ન કરી શક્યા હોત.
તમે તમારી નોકરીનો પ્રથમ ઇન્ટરવ્યૂ આબેહૂબ યાદ કરશો પણ જ્યારે આ ઇન્ટરવ્યૂની સફળતાનો આનંદ મનાવો છો ત્યારે શું તમે પેલા ધોબી કે જેણે તમારા સફેદ શર્ટ અને પેન્ટને બેદાગ રાખીને ધોયા છે અને જેણે તેને ઇસ્ત્રી કરીને જે લોકોએ તમારા ઇન્ટરવ્યૂ લેનારના મનમાં આપની એક સારી છબી કંડારવામાં એક અનોખી ભૂમિકા ભજવી છે. આવી જ રીતે, જ્યારે આપણે સ્વાદિષ્ટ ભોજન લઇએ ત્યારે રસોઇયાની પ્રશંસા કરવાનું ચૂકતા નથી પણ આપણે એ પણ યાદ રાખવુ જોઇએ કે આ બધું ભારતના ગામડાઓમાં અથાગ મહેનત કરતા એક ખેડૂતની તનતોડ મહેનતને કારણે જ શક્ય બન્યુ. આથી જ આપણે આજે આપણા જીવનમાં તેમના પુષ્કળ યોગદાન બદલ તેમના પ્રત્યેનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.
આપણે ‘श्रमेव जयते’ મંત્રમા માનીએ છીએ. આપણા માટે, દરેક કામ પૂજા છે. જે તમે કરેલા કામને માણવા અને તેને તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓથી પાર પાડવા પ્રત્યે છે. અને જો કોઇએ આ મંત્રને સંપૂર્ણપણે આત્મસાત્ કર્યો હોય તો તે આપણા ઉદ્યમશીલ વિશ્વકર્માઓ છે.
ઇતિહાસના પાનાઓથી લઇને આજના વર્તમાન સમય સુધી, લાખો વિશ્વકર્માના સાધકો, જેમના કૌશલ્યને આધારે આપણા સમાજે વિકાસ સાધ્યો છે, તેઓ આપણા સમાજના મહત્વપૂર્ણ પાયા સમાન રહ્યા છે. ભૂતકાળમાં તેમના મહત્વપૂર્ણ પ્રયાસોને કારણે ગામડાઓ આત્મનિર્ભર બન્યા. અને આજે, આપણું અર્થતંત્ર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સાહસોને કારણે મજબૂત બન્યુ છે અને કૌશલ્ય તાલીમ અને અનુભવ ધરાવતા લાખો લોકો તેમાં સંકળાયેલા છે. આજના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની સફળતા પાછળ અસંખ્ય કામદારો, ઇલેક્ટ્રિશીયનો, ટેકનિશીયનો, ડ્રાઇવરો, પ્લમ્બર અને અન્ય અનેક કારીગરો કે જેઓ દિવસ-રાત સખત મહેનત કરીને દરેક નિર્માણ પામેલી ચીજો યોગ્ય રીતે કામગીરી કરે તે સુનિશ્ચિત કરે છે, તેમના અથાગ પ્રયાસો વિના તે શક્ય ન બન્યું હોત.
જો આપણે એક રાષ્ટ્ર તરીકે આગળ વધવું હશે તો આપણે કુશળતાની સુસંગતતા સમજવી પડશે અને આપણા નાગરિકો નવી કુશળતા અપનાવી વધુ મજબૂત બનવા માટે પ્રોત્સાહિત થાય તે દિશાએ મજબૂત પગલાં ભરવા પડશે. આ દિશામાં શરૂઆત કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એ છે કે આપણે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આઇ.ટી.આઇ અને ઇજનેરી કોલેજોમાં માળખાગત સુવિધાઓના સુધારોઓ થી લઇને અભ્યાસ સામગ્રીનું આધુનિકીકરણ અને આઈ.ટી.આઈ. ડિપ્લોમાને પણ યોગ્ય મહત્વ આપીને આપણા નવયુવાનોનું જીવન બદલવા આપણે ઘણું-ખરું કરી શકીએ એમ છીએ. તેની સાથે-સાથે, આપણે એ પણ નિશ્ચિત કરવું રહ્યું કે કૌશલ્ય આધારિત નોકરીઓને પણ પર્યાપ્ત માન-સન્માન આપવામાં આવે કે જેથી કરીને તેની કિંમત એક વ્હાઇટ-કોલર જોબ કરતાં જરા પણ ઓછી અંકાવી જોઈએ નહીં.
છેલ્લા થોડા વર્ષોમાં આપણે ગુજરાતમાં આ બાબતે ખૂબજ શક્તિ અને સ્તોત્રો અપનાવ્યા છે અને મને તે જણાવતાં આનંદ થાય છે કે આપણા આ કૌશલ્ય વિકાસની પહેલને વિવિધ પુરસ્કારો મળ્યાં છે, જેમાં વડાપ્રધાને આપેલા એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે.
આપણે સતત સાંભળતા આવ્યા છીએ કે આપણી કૂલ વસ્તીમાં 35 વર્ષથી નીચે ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 65% જેટલી છે. આપણે આ અંકોને માત્ર નિહાળ્યા કરીએ કે તેને આપણા યુવાધનને કૌશલ્ય કે જેને કારણે તેઓ આજના યુગમાં મજબૂત રીતે પગભર થઇ શકે, એવી શક્તિ પ્રદાન કરવાની એક તક તરીકે સ્વીકારીએ તે આપણા પર નિર્ભર રહેલું છે. તેથી જ 25મી સપ્ટેમ્બરના રોજ આપણે કૌશલ્ય વિકાસ પર એક રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે, જેમાં કૌશલ્ય વિકાસને લગતા તમામ સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય, કે જેમણે “हर हाथ में काम, हर खेत में पानी!” જેવી પરિકલ્પના દ્વારા આપણે સહુને પ્રોત્સાહિત કર્યાં છે, તેમની જન્મ-જયંતિના રોજ આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણે આપણા નાગરિકો માટે અર્થપૂર્ણ તકો સર્જીશું નહીં ત્યાં સુધી આપણે આરામ ન કરી શકીએ.
પ્રભુ વિશ્વકર્મા કલાત્મક રચનાઓ, કારીગરો અને વાસ્તુશિલ્પના દેવ છે. આપણે માત્ર નિર્માણ માટે જ તેમની ઉપાસના કરતાં નથી પણ સૌન્દર્યશાસ્ત્ર અને યંત્રશાસ્ત્ર માટે પણ તેમની ઉપાસના કરીએ છીએ. દ્વારિકા અને હસ્તિનાપુર સહિત સ્વર્ગ પણ પ્રભુ વિશ્વકર્માની અદભુત સ્થાપત્યકળાના નમૂનાઓ છે. તેથી, આજના દિવસે આપણે નવીન ફેરફાર અને કલાત્મક રચના પ્રત્યેના મહત્વ અંગે વિચારવું જોઇએ. શું આપણે વૈશ્વિક અજાયબીઓમાં ‘મેઇડ ઇન ઇન્ડિયા’નું નિર્માણ ન કરી શકીએ? જો આપણે નવીન ફેરફાર અને કલાત્મક રચનાઓને આપણા શિક્ષણ તેમજ ઉદ્યોગોમાં અપનાવીશું, તો મને ખાતરી છે કે તે શક્ય છે.
આપણા તેજસ્વી ભવિષ્યની સુરક્ષિતતા માટે અને લોક-કલ્યાણના કાર્યો માટે વિશ્વકર્મા પરિવાર શક્ય એવા તમામ પ્રયાસો કરશે તે અંગે હું વિશ્વાસ ધરાવુ છું.
આપનો,
નરેન્દ્ર મોદી
નોંધ:છેલ્લા બે દિવસોમાં, આપનામાંથી અનેક લોકોએ મારા જન્મદિનની શુભકામનાઓ પાઠવી, હું આ શુભેચ્છાઓ અને તેમની પ્રાર્થનામાં મને સામેલ કરવા બદલ તમામ લોકોનો આભારી છું. આ દિવસે સામાજિક સેવા જેવા ઉમદા કાર્યો કરવા બદલ મારા શુભચિંતકોનો પણ હું આભારી છું.