મિત્રો,
અમદાવાદથી આરંભેલ સદ્દભાવના મિશનનો કુલ મળીને ૩૬ ઉપવાસ સાથે અંબાજીશકિતપીઠ ખાતે સમારોપ થયો.
અંગત રીતે મારા માટે રાજ્યના બધા જ જિલ્લાઓમાં એક એક દિવસ ઉપવાસ કરવાનો અનુભવ અદ્દભૂત હતો.
ચૂંટણી વખતે મતપેટી દ્વારા જનસમર્થનના હિસાબકિતાબ કરી શકાતા હોય છે. પરંતુ લોકલાગણીની તીવ્રતાનો કયાસ કાઢવા માટે એ પુરતું નથી, એમ લાગે છે. સદ્દભાવના મિશનના મારા ઉપવાસ દરમિયાન, લોકલાગણીના ઘોડાપુરના અને સકારાત્મક ભાવ અભિવ્યકિતના દર્શન થયા. ઝળહળતા ચૂંટણી વિજયની ઉત્કૃષ્ટ પળે પણ, કયારેય લાગણીના આવાં ઊછળતાં મોજાં અનુભવાતાં નથી, જે મેં, સદ્દભાવના મિશનના મારા ઉપવાસ દરમિયાન અનુભવ્યાં.
જનતા જનાર્દન ઇશ્વરનું રૂપ છે તેવું આપણે સાંભળીએ છીએ અને બોલીએ પણ છીએ. પરંતુ સમાજશકિતરૂપે તેનાં દર્શન કરવાનું સૌભાગ્ય મને સદ્દભાવના મિશન નિમિત્તે મળ્યું.
કશાયની અપેક્ષા વગર, અબાલવૃધ્ધ સહુ, ગરીબઅમીર, ભણેલાઅભણ વગેરે સહુ જાણે ઘૂઘવતા સાગરની જેમ શકિતનો અને લાગણીનો ધોધ બની, દૈવી શકિતનો અનુભવ કરાવતા હતા.
મારા સદ્દભાવના મિશનના ૩૬ દિવસના ઉપવાસ પછી, દેશ અને દુનિયાને એ બાબતની નોંધ લેવી જ પડશે કે ગુજરાતના પૂર વેગે થતા વિકાસની પાછળ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારાના વાતાવરણનું ઘણું મહત્વ છે.
એક તરફ જાતિવાદ અને કોમવાદનું ઝેર અને વોટબેન્કના રાજકારણથી દેશવાસીઓ નિરાશ થઇ ગયા છે. ‘‘ભાગલા પાડો અને રાજ કરો’’ના ખેલ દેશને કલ્પના બહારનું નુકશાન કરી ચૂકયા છે.
ત્યારે બીજી બાજુ ગુજરાતે શાંતિ, એકતા અને ભાઇચારા દ્વારા સદ્દભાવનાનો માર્ગ અપનાવ્યો છે. વોટબેંન્કની રાજનીતિને દેશવટો આપી વિકાસની રાજનીતિ અપનાવી છે. ‘‘ભાગલા પાડો રાજ કરો’’ને બદલે ‘‘સૌનો સાથસૌનો વિકાસ’’એ મંત્રને ચરિતાર્થ કર્યો છે.
ગુજરાતનો વર્તમાન દશકો સદ્દભાવના અને વિકાસની સફળ પ્રયોગશાળા બન્યો છે. નિરાશાની ગર્તમાં ડૂબેલ દેશવાસીઓ માટે ગુજરાતના સફળ પ્રયોગે એક નવી આશા જન્માવી છે.
જાહેરજીવનમાં ઘણું કરીને, ઉત્તમમાં ઉત્તમ પ્રસંગોને પણ, રાજકીય ચશ્માથી જોવાને કારણે, તેમાં રહેલ શકિતને સમજવી સામાન્ય માણસ માટે અઘરું થઇ જાય છે..
સદ્દભાવના મિશનમાં અગણિત ઘટનાઓની ભરમાર મારા હ્વદયને સ્પર્શી ગઇ છે. પ્રજાના પ્રેમને વ્યકત કરવા માટે મારા શબ્દો અધૂરા પડે છે. પરંતુ સદ્દભાવના મિશનનો વ્યાપ અને તેની ગહનતા સમજવા માટે કેટલીક વિગતો આપને જરૂર ગમશે.
- ૧૭ થી ૧૯ સપ્ટેમ્બરર૦૧૧ દરમિયાન અમદાવાદમાં સદ્દભાવના ઉપવાસમાં ભારતના બધા જ રાજ્યોની હાજરી અને અનેક રાજકીય પક્ષોની શુભકામના એક રાજ્ય માટે નાનીસૂની વાત નથી.
- આ ૩૬ ઉપવાસ દરમિયાન રાજ્યના ૭૦ થી ૭પ ટકા જેટલા કુટુંબોના પ્રતિનિધિ કોઇને કોઇ પ્રકારે સદ્દભાવના મિશનમાં ભાગીદાર બન્યા.
- પ૦ લાખ કરતાં વધુ નાગરિકો અને ૧૮૦૦૦ જેટલા ગામોની હાજરી, સદ્દભાવના મિશનની વિશાળતા અને સમાજ સ્વીકૃતિનું પ્રતિબિંબ છે.
- ૧પ લાખ કરતાં વધુ લોકો સાથે હસ્તધૂનન અને રૂબરૂ મુલાકાત એ કદાચ જાહેરજીવનમાં વિક્રમ સર્જનારી મોટી વિરલ ઘટના તો છે જ પણ અંગત રીતે મારે માટે જીવનનો વિરલ હ્વદયસ્પર્શી સુખદ અનુભવ છે.
- ઉપવાસની તપસ્યાનો સંકલ્પ મારો એકલાનો હતો પણ જિલ્લેજિલ્લે હજારો ભાઇબહેનોએ સ્વેચ્છાએ ઉપવાસનું તપ કર્યું.. દોઢ લાખ બહેનો સહિત સાડા ચાર લાખ નાગરિકોએ સદ્દભાવના ઉપવાસમાં જોડાઇને સદ્દભાવના મિશન ને નૈતિક બળ આપ્યું.
- ધાર્મિક દેવસ્થાનોની પદયાત્રા આપણા સંસ્કાર છે પણ યાત્રાધામોથી સેંકડો પદયાત્રાઓ સદ્દભાવના મિશનમાં પહોંચી.. એક લાખ કરતા વધારે નાગરિક ભાઇ, બહેનો વિશેષ કરીને યુવાનો, પદયાત્રા કરીને ભાગીદાર બન્યા.
- સવારની ગુલાબી ઠંડીમાં સદ્દભાવના ફેરી પ્રભાતફેરી તરીકે હજારો ગામડામાં યોજાઇ. ૧૬ લાખ લોકોએ આ પ્રભાતફેરીમાં જોડાઇને સદ્દભાવનાની સુવાસ ફેલાવી.
- કુપોષણ સામે સમાજશકિતની સંવેદના એવી ઊજાગર થઇ કે ૪૦ હજાર જેટલા તિથી ભોજનો સ્વેચ્છાએ ગ્રામજનોએ આપ્યા૪ર લાખ જેટલા ગરીબ બાળકોને પૌષ્ટિક આહારનું પોષણ મળ્યું.
- દરિદ્રનારાયણની સેવાના ભાવથી ઉપવાસ દરમિયાન ગામોગામ લોકોએ ૬ લાખ કીલો જેટલું અનાજ દાનમાં આપ્યું, જે ગરીબ પરિવારોને વહેંચવામાં આવ્યું.
- ચાર કરોડ રૂપિયાના માતબર દાનભંડોળના ચેકો કન્યા કેળવણી માટે મળ્યા.
- સેંકડો સેંકડો નાગરિકોએ સમાજના ભલા માટે અનેક અવનવા સંકલ્પો કર્યા. યુવકયુવતિ અને નવદંપતિઓએ દહેજ નહીં લેવા, ભૃણહત્યા નહીં કરવા, આંગણવાડી દત્તક લેવા જેવા પ્રેરક સંકલ્પો કર્યા.
- સદ્દભાવના વિષયક ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ હજારોની સંખ્યામાં યોજાઇ. બધા મળીને પોણા દશ લાખ બાળકોમાં સદ્દભાવના વિષયક વિચારોની પ્રેરણા જાગી.
સદ્દભાવના મિશનને આંકડાકીય સિધ્ધિમાં મૂલવવાનો મારો આશય નથી.
ગામેગામ સદ્દભાવનાની સુવાસ અને સમાજશકિતનો સાક્ષાત્કાર સહુ કોઇને સ્પર્શી ગયો છે.
છ કરોડ ગુજરાતીઓની ભીતરની આ ઊર્જા જ સદ્દભાવનાની પ્રાણશકિત છે.
સદ્દભાવના મિશનથી દેશ અને દુનિયાને એનું દર્શન કરાવવાનો મારો પ્રયાસ સફળ રહ્યો એનો મને સંતોષ છે.
મારા આ સંકલ્પમાં લાખો લોકોના આશીર્વાદ, શુભેચ્છા ભળ્યા એટલે તો મને જનતા જનાર્દનની સેવા કરવાની નવી શકિત મળી છે.