સાબરમતિ રિવરફ્રન્ટનો વિશ્વના સૌથી નવીન 100 પ્રોજેક્ટ્સમાં સમાવેશ કરતું કેપીએમજી
વિશ્વની ટોચની સલાહકાર કંપની કેપીએમજીએ શહેરી નવીનીકરણ ક્ષેત્રે અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિશ્વના "100 સૌથી નવીનતમ પ્રોજેક્ટ્સ"ની યાદીમાં સમાવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ શહેરને રહેવા લાયક અને સાતત્યપૂર્ણ બનાવવામાં સહાયરૂપ રહ્યો છે.
સાબરમતિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે કેપીએમજીએ જારી કરેલી એક યાદીમાં જણાવ્યું હતું કે "ગુજરાતના અમદાવાદ શહેરમાં હાલ કાર્યરત સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શહેરી પુન:રચના અને પર્યાવરણમાં સુધારાની દિશામાં એક નવીનતમ પહેલ છે. સાબરમતિ નદીના કિનારે 10.5 કિ.મી લાંબા પટ્ટા પર જાહેર જનતા માટે સાંસ્કૃતિક અને નાગરીક સંસ્થાનોની રચના કરવામાં આવી રહી છે.
નદી પાસેની મનોરંજન સ્થળો અને બજારો બનાવવા માટે જગ્યા તૈયાર કરવામાં આવશે. અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતિ નદીની આસપાસ આનંદ-પ્રમોદ અને મનોરંજન માટે પણ ખાસ કેન્દ્રો ઉભા કરવામાં આવશે."
તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નવીનતમ માળખાગત વિકાસકાર્ય હાથ ધરવા બદલ હુડ્કો નેશનલ એવોર્ડ, 2012 પ્રાપ્ત કર્યો હતો. આ અગાઉ સાબરમતિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટે જાહેર જનતા માટેના પ્રોજેક્ટના બેસ્ટ કોન્સેપ્ટ અને ડિઝાઈન માટે પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ મેળવ્યો હતો. વર્ષ 2006માં સાબરમતિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસેથી સેફ્ટી એવોર્ડ મેળવ્યો હતો. અનંતકાળથી નદી સંસ્કૃતિના ઉદગમનું પ્રતીક બની રહી છે અને તે શહેરી વિસ્તારને પણ અલગ જ ઓળખ આપે છે. અમદાવાદ શહેર પર સાબરમતિ નદીની અસીમ કૃપા રહી છે. જે ગુજરાત અને તેના લોકોની જીવનદોરી સમાન છે. જો કે, છેલ્લા એક દસકા સુધીમાં સાબરમતિ નદી શુષ્ક બની હતી અને તેની ઓળખ ક્રિકેટ મેચના સપાટ મેદાન તરીકે થવા લાગી હતી.
વર્ષ 2001માં માનનિય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સત્તાનો દોર સંભાળ્યા બાદ તેમણે સાબરમતિ રિવરફ્રન્ટના પુન:વિકાસને અગ્રિમતા આપવાનો નિર્ધાર કર્યો હતો. અમદાવાદ શહેરને એક નમૂનારૂપ સેવા આપવા ઉપરાંત આ પ્રોજેક્ટ ભૂજળ સ્તરની જાળવણી કરી અને શહેરને પીવા માટે શુદ્ધ પાણી આપીને શહેરમાં પર્યાવરણીય સુધારો લાવશે. આ ઉપરાંત, અમદાવાદની મધ્યમાં હરિયાળી જોવા મળશે.
શહેર માટે સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આનંદ-પ્રમોદની વધુ તકો પુરી પાડશે. જેમાં બગીચા અને ઉપવન તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ જગ્યા ઉપલબ્ધ બનશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકો માટે અહિં સાહસીક પ્રવૃત્તિઓ માટે પણ તકો ઉપલબ્ધ બનશે. થોડા સમય પહેલા જ એએમસીએ સાબરમતિ નદીમાં ફ્લોટિંગ બસ શરૂ કરવાની વિચારણા અંગે જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે યોજાયેલા વાર્ષિક પતંગ મહોત્સવને પગલે રિવરફ્રન્ટ પર્યટન નકશા પર ઉભરી આવ્યું હતું.
આ પતંગોત્સવમાં વિશ્વભરના પતંગપ્રેમીઓએ ભાગ લીધો હતો. આટલું જ નહિં, સાબરમતિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ નાના બજારોને મજબૂતાઈ અને સુધારો પુરો પાડશે, જે ગરીબોની આર્થિક સ્થિતિમાં સુધારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાબરમતિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ગુજરાત સરકારની એક નવીનતમ પહેલ છે, જે ભારતભરમાં શહેરી વિકાસના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરશે. આ પહેલ અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે તમે સાબરમતિ રીવરફ્રન્ટ પ્રોજેક્ટની વેબસાઈટની મૂલાકાત લઈ શકો છો.