મેટ્રોરેલ પ્રોજેકટના વિવિધ રૂટનું આખરીકરણ
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વિશ્વકક્ષાની સરળ-સુરક્ષિત-ઝડપી જાહેર પરિવહન વ્યવસ્થા
પર્યાવરણ લક્ષી-સૌને પરવડે તેવી જાહેર પરિવહન સુવિધાઃ- સમગ્રતયા ૭૬ કિ.મી.ની લંબાઇનો મેટ્રોરેલ પ્રોજેકટ
મેમકોથી સિવીલ હોસ્પિટલ સુધી ર.ર કિ.મી. ભૂગર્ભ રૂટ
અમદાવાદ શહેરનો પૂર્વ તરફનો મેટ્રોરેલ રૂટ બે વિભાગમાં - પ્રથમ રૂટ : પાલડી - જમાલપુર -દાણીલીમડા - ચંડોળા તળાવ-ઇસનપુર -ધોડાસર - હાટકેશ્વર - રખીયાલ -અજીતમીલ - બાપુનગર - મેમકો સ્પોર્ટસ કોમ્પલેક્ષ સિવિલ હોસ્પિટલબીજો રૂટ : જમાલપુર- ગીતામંદિર-કાલુપર રેલ્વે સ્ટેશન- સિવિલ હોસ્પિટલ થઇને વાડજ - આ રૂટ લગભગ સિવિલ હોસ્પિટલ સુધી ભૂગર્ભ રૂટ - લંબાઇ ૬ કિ.મી.
અમદાવાદ શહેરનો પશ્ચિમ તરફનો મેટ્રોરેલ રૂટઃ APMC - વાસણા-અંજલી - પાલડી -પરીમલ ગાર્ડન-પાંજરાપોળ- વિજય ચાર રસ્તા-નવરંગ છ-રસ્તા- ઉસ્માનપુરા થઇને વાડજ-રાણીપ સાબરમતી રેલ્વે સ્ટેશન-ગાંધીનગર
વિશ્વકક્ષાની શ્રેષ્ઠ બીઆરટીએસ જનમાર્ગ જાહેર પરિવહન સેવા બાદ મુખ્યમંત્રીશ્રીની અમદાવાદ-ગાંધીનગરને ઝડપી-સરળ અને પર્યાવરણલક્ષી પરિવહનની સુવિધાની નવતર ભેટ
અમદાવાદ શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારોને જોડતો મહત્વાકાંક્ષી પ્રોજેકટ- એક છેડેથી બીજા છેડે ઝડપી- સરળતા અને સુગમતાથી પહોચાડશે મેટ્રોરેલ પ્રોજેકટઃ-
શહેરી વિકાસમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિશ્વકક્ષાની જાહેર પરિવહન સેવા સુવિધા પુરી પાડનારી અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેકટના અમદાવાદ-ગાંધીનગર શહેરોના વિવિધ વિસ્તારોને સાંકળતા ૭૬ કિ.મી. લંબાઇના રેલ રૂટનું આખરીકરણ કરવામાંઆવ્યું છે.
આ રૂટ આખરીકરણની વિગતો આપતાં શહેરી વિકાસમંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના અપ્રતિમ ઔઘોગિક અને સર્વાંગી વિકાસની ફલશ્રુતિ તથા અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં જે રીતે મોટા ઔઘોગિક પ્રોજેકટસ સ્થપાઇ રહયા છે તે જોતાં અમદાવાદ શહેર અને ગાંધીનગર સાંકળતી સુગ્રથીત-ઝડપી-સલામત અને સરળ જાહેર પરિવહન પધ્ધતિ વિકસાવવી આવશ્યક બની હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બીઆરટીએસ જનમાર્ગ જેવી વિશ્વકક્ષાની આધુનિકરણ જાહેર પરિવહન સવલત અમદાવાદના નગરજનોને ભેટ ધર્યા બાદ, હવે સરળ, ઝડપી, પર્યાવરણલક્ષી તેમજ પબ્લીક ટ્રાન્સપોર્ટના આધુનિક સ્વરૂપની વિશ્વકક્ષાની મેટ્રો રેલ સેવાનું અમદાવાદ-ગાંધીનગરને નજરાણું ધરવા સંકલ્પ કર્યો છે તે પાર પાડવાની દિશામાં શ્રેણીબધ્ધ નક્કર આયોજન રાજ્યની વર્તમાન સરકારે કર્યા છે.
આ મેટ્રોરેલ પરિવહન સેવા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે લાખો નાગરિકોને ઝડપી અને સુગમ વાહનવ્યવહાર સુવિધાનો શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડશે એમ તેમણે જણાવ્યું હતું.
શહેરી વિકાસમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સંકલ્પની પૂર્તિ માટે મહત્વાકાંક્ષી પ્રોજેકટ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલને ઝડપથી આગળ ધપાવવા તથા રૂટ આખરીકરણ માટે એક ઉચ્ચસત્તાધિકારી સમિતિને કામગીરી સોંપવામાં આવી હતી. સમિતીએ સમગ્ર રૂટની સ્થળ મૂલાકાત તેમજ વિવિધ સ્તરે બેઠકો યોજીને ગાંધીનગર-અમદાવાદ શહેરના જોડાણ માટે તથા અમદાવાદ-ગાંધીનગર શહેરોના વિવિધ વિસ્તારોને સાંકળતા મેટ્રોરેલ પ્રોજેકટ રૂટનું આખરીકરણ કર્યું છે.
આ રૂટની વિસ્તૃત વિગતો આપતાં શ્રી નિતીનભાઇ પટેલે કહયું કે મેટ્રોરેલ પ્રોજેકટ રૂટની કુલ લંબાઇ આશરે ૭૬ કિ.મી. રહેશે. જેમાં અમદાવાદ શહેરી વિસ્તારમાં ૪૪ કિ.મી. તથા અમદાવાદ-ગાંધીનગર જોડાણ અને ગાંધીનગર શહેર વિસ્તારમાં રૂટની લંબાઇ ૩ર કિ.મી. રહેશે. અમદાવાદ શહેરનો પશ્ચિમ તરફનો મેટ્રોરેલ રૂટ APMC, વાસણા અમદાવાદથી શરૂ થઇને અંજલી, પાલડી, પરીમલ ગાર્ડન, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, નવરંગ છ-રસ્તા, ઉસ્માનપુરા થઇને વાડજ, રાણીપ સાબરમતી રેલ્વે સ્ટેશન થઇને ગાંધીનગર તરફ જશે. જે સંપૂર્ણ એલીવેટેડ રહેશે. તેની લંબાઇ આશરે ૧૬ કિ.મી. રહેશે.
આ મેટ્રોરેલના બીજા રૂટમાં અમદાવાદ શહેરનો પૂર્વ તરફનો મેટ્રોરેલ રૂટ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જે પૈકીનો પ્રથમ રૂટ પાલડીથી શરૂ થઇને જમાલપુર, દાણીલીમડા, ચંડોળા તળાવ, ઇસનપુર, ધોડાસર, હાટકેશ્વર, રખીયાલ, અજીતમીલ, બાપુનગર, મેમકો સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઇને સિવિલ હોસ્પિટલ જશે. જે મુખ્યત્વે એલીવેટેડ રહેશે. (મેમકોથી સિવિલ હોસ્પિટલ સુધીનો રૂટ ભૂગર્ભ રૂટ રહેશે) જેની લંબાઇ રર.૮ કિ.મી. રહેશે. જ્યારે બીજો રૂટ જમાલપુરથી શરૂ થઇને શહેરના ટ્રાફીક વાળા સ્થળો જેવા કે ગીતામંદિર, કાલુપર રેલ્વે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ થઇને વાડજ જશે. આ રૂટ લગભગ સિવિલ હોસ્પિટલ સુધી ભૂગર્ભ રૂટ રહેશે જેની લંબાઇ ૬ કિ.મી. રહેશે તેમ મંત્રીશ્રી નિતીનભાઇએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેરનાં ગાંધીનગર સાથેના જોડાણ માટેનો મેટ્રોરેલ રૂટ AEC જંકશનથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધીનો રહેશે તેની રૂપરેખા આપતાં શહેરી વિકાસમંત્રીશ્રીએ ઉમેર્યું કે AECથી સાબરમતી, વિસત પેટ્રોલપંપ, IIT ગાંધીનગર, તપોવન સર્કલ, કોબા સર્કલથી રાજ્યધોરી માર્ગ-૭૧ને ઓળંગી સાબરમતી નદીને સમાંતર કસ્તુરભાઇ કેમ્પસ, કોબા ગામ, PDPU, રાયસણ ગામ, ધોળાકુવા થઇને ચ રોડ પર થઇને ગાંધીનગર શહેરમાં મેટ્રોરેલ પ્રવેશશે જે ચ-ર, ચ-૩ થઇને છ રોડ પર પોલીસભવન, સચિવાલય થઇને અક્ષરધામ જશે. જ્યારે મહાત્મા મંદિર માટે અલગ રૂટ ચ-૩ થી પથિકાશ્રમ, ખ-૩ થઇને મહાત્મા મંદિર જશે. તેની કુલ લંબાઇ ૩ર કિ.મી. રહેશે.
આ ઉપરાંત ગીફટ સિટી અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના જોડાણ માટે જે અલગ રૂટ સૂચવાયેલા છે તેની વિગતો આપતાં શહેરીવિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ પૈકીનો એક રૂટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના જોડાણ માટે અમદાવાદ તરફથી એઇસી જંકશનથી મોટેરા, હાંસોલ થઇને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક જશે. બીજો રૂટ ગીફટ સિટીના જોડાણ માટે કસ્તુરભાઇ કેમ્પસથી સાબરમતી નદીને સમાંતર જઇને GNLU થઇને સાબરમતી નદી ઓળંગીને ગીફટ સિટી જશે.
રૂટનું આખરીકરણ થતાં તાંત્રિક તજ્જ્ઞો સાથે પરામર્શમાં રહી પ્રોજેકટની અમલવારી માટે તબકકાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોનોપાઇલ ટેસ્ટીંગ, ડીપીઆરનું આખરીકરણ અને વિવિધ તાંત્રિક સર્વેનો સમાવેશ થાય છે જે કામગીરી પૂર્ણતાના આરે છે તેમ પણ શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.