ગુજરાતની નવ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે વેપારઉદ્યોગ સંમેલન યોજાશેઃ મુખ્યમંત્રીશ્રીને ઉષ્માભર્યું આમંત્રણ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે ગુજરાતની તમામ નવ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંલગ્ન વિવિધ વેપારી મંડળોના પ્રતિનિધિઓએ બેઠક યોજીને ગુજરાતમાં આર્થિક પ્રગતિની તેજ ગતિ માટે વેપાર ઉદ્યોગનું સંમેલન અમદાવાદમાં યોજવાની નેમ વ્યકત કરી હતી અને પ્રમુખ વકતા તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને તેનું ઉદ્દઘાટન કરવાનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.ગુજરાતની નવી સરકારનું સતત ચોથીવાર નેતૃત્વ સંભાળવા માટે અને રાજ્ય સરકારના બજેટને વિકાસલક્ષી ગણાવતાં આ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા. નવે ય ચેમ્બરોએ ભેગા મળીને રિજનલ કાઉન્સીલની રચના કરી છે તેમાં રાજ્યના વેપાર ઉદ્યોગના વિકાસલક્ષી પાસાંઓ અંગે રાજ્ય સરકાર સાથે સમયોચિત પરામર્શ કરવાની નેમ વ્યકત કરી હતી. એન્સીલીયરી એકમો અને વિશેષ કરીને મેન્યુફેકચરીંગ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના વિધેયાત્મક અને પ્રોત્સાહક અભિગમ સંદર્ભમાં રજૂઆત કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્થિત હતા.