આજનો દિવસ દેશના મહાન ક્રાંતિકારીઓના સન્માનનો દિવસ છે.
મા ભારતીના અમર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાન માટે દેશ શ્રધ્ધાંજલી અર્પિત કરે છે.
સાથે અદ્વિતિય વિચારક, ક્રાંતિકારી અને અપ્રતિમ દેશભક્ત ડૉ. રામમનોહર લોહિયાને તેમની જયંતિ પર સાદર પ્રણામ.
પ્રખર બુધ્ધિમાન ડૉ. લોહિયાને જનકલ્યાણની રાજનીતિમાં ઉંડી આસ્થા હતી.
જ્યારે ભારત છોડો આંદોલન દરમ્યાન વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે યુવાન લોહિયાએ આંદોલનની કમાન સંભાળી અને અડગ રહ્યા, તેમને ભૂગર્ભમાં રહીને અંડર ગ્રાઉન્ડ રેડિયો સેવા શરૂ કરી જેથી આંદોલનની ગતિ ધીમી ન પડે.
ગોવામુક્તિ આંદોલનના ઇતિહાસમાં ડૉ. લોહિયાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે.
જ્યાં પણ ગરીબો, શોષિતો કે વંચિતોને મદદની જરૂર પડતી ત્યાં ડૉ. લોહિયાની ઉપસ્થિતિ રહેતી.
ડૉ. લોહિયાના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે ખેતીને આધુનિક બનાવવા તથા અન્નદાતાઓના સશક્તિકરણ માટે ઘણું લખ્યુ છે. તેમના આ વિચારોને અનુરૂપ એનડીએ સરકારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ સિંચાઇ યોજના, ઇનામ, સોઇલ હેલ્થકાર્ડ અને અન્ય યોજનાઓના માધ્યમથી સરકાર ખેડુતોના હિત માટે કામ કરી રહી છે.
ડૉ. લોહિયા સમાજમાં વ્યાપ્ત જાતિ વ્યવસ્થા અને મહિલાઓ તથા પુરુષોની અસમાનતાથી ખૂબજ દુઃખી થતા હતા. ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ નો અમારો મંત્ર તથા પાંચ વર્ષનો અમારો ટ્રેક રેકર્ડ તે જ દર્શાવે છે કે ડૉ. લોહિયાના વિઝનને સાકાર કરવા તરફ અમને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ છે, જો આજે તેઓ હયાત હોત તો એનડીએ સરકારના કાર્યોને જોઇને તેઓને નિશ્ચિંત રૂપથી ગર્વની અનુભૂતિ થઇ હોત.
જ્યારે પણ ડૉ. લોહિયા સંસદમાં અને સંસદની બહાર સંબોધન કરતાં ત્યારે કોંગ્રેસમાં તેનો ભય સ્પષ્ટ દેખાઇ આવતો હતો.
દેશને માટે કોંગ્રેસ કેટલી ઘાતક થઇ ચૂકી છે, તે ડૉ. લોહિયા સારી રીતે જાણતા હતા. ૧૯૬૨માં તેમને કહ્યું હતું કે, ‘‘કોંગ્રેસ શાસનમાં કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ કે પછી સેના, કોઇપણ ક્ષેત્રમાં કંઇપણ સુધાર થયો નથી’’.
તેમના આ શબ્દો ત્યારબાદની કોંગ્રેસ સરકારોને પણ શબ્દશઃ લાગુ પડે છે. ત્યાર પછીના કોંગ્રેસ શાસનકાળમાં પણ ખેડુતોને પરેશાન કરવામાં આવ્યા, ઉદ્યોગોને નિરૂત્સાહી કર્યા (ફક્ત કોંગ્રેસના નેતાઓના મિત્રો અને સગા-સંબંધીઓના ઉદ્યોગોને છોડીને) તથા રાષ્ટ્રીય સુરક્ષાની પણ અનદેખી કરવામાં આવી.
કોંગ્રેસ વાદનો વિરોધ ડૉ. લોહિયાના હદયમાં વસ્યો હતો. તેમના પ્રયત્નોથી જ ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં સર્વસાધન સંપન્ન અને શક્તિશાળી કોંગ્રેસને બરોબરનો ઝટકો લાગ્યો હતો. તે સમયે અટલજીએ કહ્યું હતું કે, ડૉ. લોહિયાના પ્રયત્નોના પરિણામે જ હાવડા-અમૃતસર મેલની સંપૂર્ણ યાત્રા કોંગ્રેસના શાસન વગરના રાજ્યોમાંથી પસાર થઇ શકતી.
દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, આજે રાજનીતિમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે, તેને જોઇને ડૉ. લોહિયા ખૂબ જ વ્યથિત અને દુઃખી થઇ જાત.
એવા પક્ષો કે જે, ડૉ. લોહિયાને પોતાના આદર્શ માનતા થાકતા નથી, તેઓએ તેમના સિધ્ધાંતોને સંપૂર્ણ તિલાંજલી આપી દીધી છે. હદ તો ત્યાં થઇ કે, તેઓ ડૉ. લોહિયાને અપમાનિત કરવાનો કોઇપણ મોકો છોડતા નથી.
ઓરિસ્સાના વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી સુરેન્દ્રનાથ દ્રિવેદીએ કહ્યું હતું કે, ‘‘ડૉ. લોહિયા અંગ્રેજોના શાસનકાળમાં જેટલીવાર જેલમાં ગયા હતા તેના કરતા અનેક ગણી વખત કોંગ્રેસની સરકારોએ તેમને જેલમાં ધકેલ્યા હતા’’.
આજે એ જ કોંગ્રેસની સાથે તથાકથિત લોહિયાવાદી પક્ષો, અવસરવાદી-મહામીલાવટી ગઠબંધન બનાવવા બેચેન છે. આ ઘટના હાસ્યાસ્પદ અને નિંદનીય છે.
ડૉ. લોહિયા વંશવાદી રાજનીતિને લોકતંત્ર માટે હંમેશા ઘાતક માનતા હતા. આજે તેમના જ અનુયાયીઓ માટે પોતાના પરીવારોનું હિત દેશહિતથી પણ ઉપર છે, આ જોઇને તેઓ જરૂર દુઃખી અને પરેશાન થયા હોત.
ડૉ. લોહિયા એવું માનતા કે, જે વ્યક્તિ ‘‘સમતા, સમાનતા અને સમત્વ’’ ભાવથી કાર્ય કરે તે યોગી છે. દુઃખની બાબત એ છે કે, પોતાને લોહિયાવાદી પાર્ટી કહેનારાઓ પોતે જ આ સિધ્ધાંતોને ભુલાવી દીધા. તેઓ સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે. આવા પક્ષોએ ગમે તેમ કરીને સત્તા કબ્જે કરવી, જનતાની ધન-સં૫ત્તિ લુંટવી અને શોષણ કરવામાં મહારત પ્રાપ્ત કરેલી છે.
ગરીબ, દલીત, પછાત અને વંચિત સમુદાયના લોકોની સાથે સાથે મહિલાઓ પણ તેમના શાસનમાં પોતાને સુરક્ષિત માનતી નથી કારણ કે, આવા પક્ષોએ અપરાધી અને અસામાજીક તત્વોને ખુલ્લી છુટ આપવાનું કામ કર્યુ છે.
ડૉ.લોહિયા જીવનના દરેક ક્ષેત્રમાં મહિલા અને પુરુષોના સમાંતર હિતના પક્ષમાં રહ્યા હતા, પરંતુ મતબેંકની રાજનીતિમાં ડુબેલા પક્ષોના આચરણ તેામથી જુદા રહ્યા. આજ કારણે તથાકથિત લોહિયાવાદી વિચારધારાવાળા પક્ષોએ ત્રણ તલાકની અમાનવીય પ્રથાને ખતમ કરવા માટેના એનડીએ સરકારના પ્રયત્નોનો વિરોધ કર્યો હતો.
આવા પક્ષોએ સ્પ્ષ્ટ કરવું જોઇએ કે, તેમના માટે ડૉ. લોહિયાના વિચારો અને આદર્શો મોટા છે કે મતબેંકની રાજનીતિ ?
આજે ૧૩૦ કરોડ ભારતીયો સામે પ્રશ્ન ઉભો છે કે, જે લોકોએ ડૉ. લોહિયાનો વિશ્વાસધાત કર્યો છે તેમની પાસેથી દેશસેવાની આશા કેવી રીતે રાખી શકીએ ?
સ્વાભાવિક છે કે, જે લોકોએ ડૉ. લોહિયાના સિધ્ધાંતો સાથે છળ-કપટ કર્યું છે તેવા લોકો દેશવાસીઓ સાથે પણ છળ-કપટ જ કરશે.