રાષ્ટ્રપતિ શ્રી બાઇડેન
વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ
મહાનુભાવો,
નમસ્કાર!
કોવિડ મહામારી જીવન, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવાનું ચાલુ રાખે છે અને મુક્ત સમાજોની સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે. ભારતમાં, અમે મહામારી સામે જનલક્ષી વ્યૂહરચના અપનાવી છે. અમે અમારાં વાર્ષિક હેલ્થકેર બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે.
અમારો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો છે. અમે પુખ્ત વસ્તીના લગભગ 90 ટકા અને 50 મિલિયનથી વધુ બાળકોને સંપૂર્ણ રસી આપી છે. ભારત ચાર WHO માન્ય રસીઓનું ઉત્પાદન કરે છે અને આ વર્ષે પાંચ અબજ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
અમે દ્વિપક્ષીય રીતે અને COVAX દ્વારા 98 દેશોને 200 મિલિયનથી વધુ ડોઝ સપ્લાય કર્યા છે. ભારતે પરીક્ષણ, સારવાર અને ડેટા મેનેજમેન્ટ માટે ઓછી કિંમતની કોવિડ શમન ટેકનોલોજી વિકસાવી છે. અમે અન્ય દેશોને આ ક્ષમતાઓ ઑફર કરી છે.
ભારતના જીનોમિક્સ કન્સોર્ટિયમે વાયરસ પરના વૈશ્વિક ડેટાબેઝમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે અમે આ નેટવર્કને અમારા પડોશના દેશોમાં વિસ્તારીશું.
ભારતમાં, અમે કોવિડ સામેની અમારી લડાઈને પૂરક બનાવવા અનેપ્રતિરક્ષા વધારવા માટે અમારી પરંપરાગત દવાઓનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે જેનાથી અસંખ્ય લોકોનાં જીવન બચ્યા છે.
ગયા મહિને, અમે ભારતમાં ''WHO સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન''નું ભૂમિપૂજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ વર્ષો જૂનું જ્ઞાન વિશ્વને ઉપલબ્ધ કરાવવાનો છે.
મહાનુભાવો,
તે સ્પષ્ટ છે કે ભવિષ્યની આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે સંકલિત વૈશ્વિક પ્રતિસાદ જરૂરી છે. આપણે એક અડીખમ-સ્થિતિસ્થાપક વૈશ્વિક પુરવઠા શૃંખલાનું નિર્માણ કરવું જોઈએ અને રસીઓ અને દવાઓની સમાન પહોંચને સક્ષમ કરવી જોઈએ.
WTO નિયમો, ખાસ કરીને TRIPSને વધુ લવચીક બનાવવાની જરૂર છે. વધુ અડીખમ- સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખું બનાવવા માટે WHOમાં સુધારો કરવો જોઈએ અને તેને મજબૂત બનાવવું જ જોઈએ.
અમે સપ્લાય ચેનને સ્થિર અને અનુમાનિત રાખવા માટે રસીઓ અને ઉપચાર માટે WHOની મંજૂરી પ્રક્રિયાને સ્ટ્રીમ-લાઇનિંગ માટે પણ અનુરોધ કરીએ છીએ. વૈશ્વિક સમુદાયના એક જવાબદાર સભ્ય તરીકે, ભારત આ પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
આપ સૌનો આભાર
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.