આદરણીય રાષ્ટ્રપતિ,
પૉલ કગામે,
નામાંકિત પ્રતિનિધિઓ,
મીડિયાના સભ્યો,
આ સૌપ્રથમ અવસર છે જ્યારે ભારતના કોઈ પ્રધાનમંત્રી રવાન્ડા આવ્યા છે અને મારું સૌભાગ્ય છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ કગામેજીના નિમંત્રણ પર આ સુઅવસર મને મળ્યો છે.
રાષ્ટ્રપતિજીના મૈત્રીપૂર્ણ શબ્દો અને મારા તથા મારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન માટે હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. રાષ્ટ્રપતિજી પોતે મારું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. તેમનો આ વિશેષ ભાવ સમગ્ર ભારતનું સન્માન છે. આવતીકાલે સવારે કિગાલી જનસંહાર સ્મારક પર હું શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. 1994ના એ જનસંહાર પછી રવાન્ડાએ જે શાંતિ પ્રક્રિયા અપનાવી છે, તે સાચા અર્થમાં સરાહનીય અને અદ્વિતીય છે. રાષ્ટ્રપતિ કગામેનું કુશળ નેતૃત્વ જ છે જેના પ્રભાવી અને સક્ષમ પ્રશાસન વડે રવાન્ડા આજે ઝડપી ગતિએ આર્થિક પ્રગતિ કરી રહ્યું છે.
મિત્રો,
ભારત અને રવાન્ડાના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતરેલા છે. અમારા માટે એ ગૌરવનો વિષય છે કે રવાન્ડાના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં ભારત તમારું ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. રવાન્ડાની વિકાસ યાત્રામાં અમારું યોગદાન આગળ પણ ચાલું રહેશે. અમે તાલીમ, ટેકનોલોજી, માળખાગત બાંધકામનો વિકાસ અને પરિયોજના સહાયકના ક્ષેત્રોમાં સહયોગ કરતા રહ્યાં છીએ. નાણાકીય બાબતો, વ્યવસ્થાપન, ગ્રામીણ વિકાસ અને આઈસીટી જેવા ક્ષેત્રોમાં અમે રવાન્ડા માટે અગ્રણી ભારતીય સંસ્થાનોમાં તાલીમ પૂરી પાડીએ છીએ. ક્ષમતા નિર્માણમાં આ યોગદાનને આપણે વધુ આગળ વધારવા માંગીએ છીએ. આજે અમે બસ્સો મિલિયન ડોલરની લાઈન ઑફ ક્રેડીટ અને તાલીમના વિષય ઉપર સમજૂતી કરારો કર્યા છે. આજે અમે નવા ક્ષેત્રો જેવા કે ચામડા અને ડેરી સંશોધન સહિત બંને દેશોની વચ્ચે સહયોગના વિભિન્ન ક્ષેત્રો પર પણ ચર્ચા કરી છે. આ સંદર્ભમાં હું આવતીકાલે રાષ્ટ્રપતિજીની સાથે રવેરું આદર્શ ગામની મુલાકાત માટે ખૂબ જ ઉત્સુક છું. ભારત પોતે જ એક કૃષિ પ્રધાન દેશ છે અને અમારી મહત્તમ વસ્તી ગામડાઓમાં વસે છે. એટલા માટે હું ગ્રામીણ જીવનને સુધારવા માટે રવાન્ડાના અનુભવોથી અને રાષ્ટ્રપતિજીની પહેલોથી લાભાન્વિત થવા માગું છું. ઉત્પાદન ક્ષેત્ર, આતિથ્ય અને પ્રવાસન સહિત અમે એવા ઘણા બધા ક્ષેત્રો પ્રસ્તાવિત કર્યા છે જેમાં ભારત અને રવાન્ડા વ્યાપક વિકાસાત્મક ભાગીદારી મજબુત કરી શકે છે. અમે અમારા વેપારી અને રોકાણના સંબંધોને વધુ મજબુત કરવા માગીએ છીએ અને એટલા માટે રાષ્ટ્રપતિ કગામે અને હું કાલે બંને દેશોના મુખ્ય ઉદ્યોગસાહસિકોને મળીશું તથા તેમના સૂચનો પર વિચાર કરીશું.
મિત્રો,
મને એ જણાવતા ખુશી થાય છે કે અમે ખૂબ જલ્દી જ રવાન્ડામાં ઉચ્ચઆયોગ ખોલવા જઈ રહ્યાં છીએ. તેનાથી અમારી સરકારોની વચ્ચે માત્ર ઘનિષ્ઠ સંવાદ જ શક્ય નહીં બને, પરંતુ આ સાથે જ કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા તથા અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. અમે બંને દેશોની વચ્ચે સંબંધોને આવનારા સમયમાં હજુ વધુ ઉચ્ચ સ્તર પર લઇ જવા માટે આશાવાદી છીએ.
હું એક વાર ફરી રાષ્ટ્રપતિજીનો આભાર પ્રગટ કરું છું અને સવા સો કરોડ ભારતીયો તરફથી રવાન્ડાના લોકોને પણ શુભકામનાઓ પાઠવું છું.
આભાર!
A historic first for India & Rwanda. pic.twitter.com/pZeZqezX0k
— PMO India (@PMOIndia) July 23, 2018
Furthering India-Rwanda co-operation. pic.twitter.com/1WFBqekKOj
— PMO India (@PMOIndia) July 23, 2018
Improving business ties between India & Rwanda. pic.twitter.com/fyqX0h2TZw
— PMO India (@PMOIndia) July 23, 2018