મહામહિમ, મારામિત્ર રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહ,
માલદીવના અમારા પ્રતિષ્ઠિત મિત્રો,
સાથીઓ,
નમસ્કાર!
તમારી સાથે જોડાવું એ મારા માટે હંમેશાથી આનંદની વાત રહી છે. રાષ્ટ્રપતિ તમે અને માલદીવ સદૈવ અમારા હૃદય અને મનમાં હંમેશા રહ્યા છો.
હમણાં તાજેતરના દિવસોમાં ઉજવવામાં આવેલ તમારા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર હું તમને અભિનંદન પાઠવું છું. માલદીવમાં આ વર્ષ લોકશાહી અને વિકાસનું રહ્યું છે. ભારત-માલદીવ્સના સંબંધો માટે પણ આ વર્ષ મહત્વનું રહ્યું છે.
મારી સરકારની “પાડોશી પ્રથમ”ની નીતિ અને તમારી સરકારની “ભારત પ્રથમ”ની નીતિએ તમામ ક્ષેત્રોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા છે. આપણા નિર્ણયોના અમલીકરણે માલદીવ્સના અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
અત્રે એ બાબત મહત્વની છે કે આ પ્રગતિ માલદીવ્સની પ્રાથમિકતાઓ અને જરૂરિયાતના વિસ્તારોમાં હાંસલ કરવામાં આવી છે.
આજે, “ભારતમાં નિર્માણ પામેલ” ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટને અધિકૃત રીતે તમારા કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું છે. આ આધુનિક જહાજ મારા વતન રાજ્ય ગુજરાતમાં એલ એન્ડ ટી દ્વારા નિર્માણ પામ્યું છે. તે માલદીવ્સની દરિયાઈ સુરક્ષાને મદદ કરશે અને તમારી બ્લુ ઈકોનોમી અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. મનેએ વાતનો ઉલ્લેખ કરતા ખુશી થાય છે કે, આ પેટ્રોલ જહાજને “કામયાબ” નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ ધીવેહી અને હિન્દીમાં પણ “સફળતા” એવો થાય છે.
મહામહિમ,
હું અડ્ડૂના વિકાસને તમારી સરકાર દ્વારા આપવામાં આવેલ મહત્વને યાદ કરું છું. ટાપુના સમુદાયની આજીવિકાને સમર્થન આપવા માટે ઉચ્ચપ્રભાવ સમુદાય વિકાસ પરિયોજનાઓના માધ્યમથી ભાગીદારી કરવામાં ભારતને પ્રસન્નતાનો અનુભવ થઇ રહ્યો છે.
મિત્રો,
આપણા બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું લોકોનો લોકો સાથેનો સંપર્ક છે. માલદીવ્સ આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા બમણાથી પણ વધુ થઇ ગઈ છે. ભારત પાંચમાંથી બીજા ક્રમ પર આવી ગયું છે. આ અઠવાડિયે દિલ્હીથી મુંબઈ અને બેંગલોર સુધીની ત્રણ સીધી ફ્લાઈટ પણ શરુ કરવામાં આવી છે.
રૂપે દ્વારા ચૂકવણીનું વ્યવસ્થાતંત્ર ભારતીયોના માલદીવ્સના પ્રવાસને વધુ સરળ બનાવશે. મને ખુશી છે કે તેનો પ્રારંભ માલદીવ્સ બેંકના માધ્યમથી કરવામાં આવ્યો છે.
મહામહિમ,
આજે આપણે માલેના લોકો માટે એલઈડી સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ પણ કર્યું છે. તેમના સુધી આ પ્રકારની પર્યાવરણને અનુકૂળ લાઈટ્સ પહોંચાડવામાં ભારતને અત્યંત ખુશી થઇ છે. તેનાથી 80 ટકા ખર્ચ ઓછો થશે.
મહાનુભાવો,
આપણે હુલહુલમાલેમાં એક કેન્સર હોસ્પિટલ અને એક ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ.
મને માહિતી આપવામાં આવી છે કે 34 ટાપુઓમાં પાણી અને સ્વચ્છતા પ્રોજેક્ટ્સનું અને અડ્ડુંમાં રસ્તાઓ અને પુનર્વસનનું કામ ટૂંક સમયમાં જ શરુ થઇ જશે.
આગામી વર્ષે ભારતની સહાયતા અંતર્ગતના પ્રોજેક્ટ્સ માલદીવ્સના લોકોને વધુ લાભ આપશે.
એક ઘનિષ્ઠ મિત્ર અને દરિયાઈ પાડોશી હોવાના નાતે ભારત લોકશાહી અને વિકાસ માટે માલદીવ્સ સાથેની ભાગીદારીને યથાવત જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. અમે હિન્દ મહાસાગર પ્રદેશમાં શાંતિ અને પારસ્પરિક સુરક્ષા માટે પણ અમારા સહયોગમાં અભિવૃદ્ધિ કરીશું.
મહાનુભવો,
હું તમને દિલ્હીમાં ફરી મળવાની આશા રાખું છું. શાંતિ અને સમૃદ્ધિ માટે હું આ મૈત્રીપૂર્ણ લોકોને મારી ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ આભાર!