ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટનો કાયદો રદ કરવાના નિર્ણય માટે સંતો-મહંતોના પ્રભાવક ડેલીગેશને મુખ્યમંત્રીશ્રીને ઉષ્માભર્યા અભિનંદન આપ્યા
આ કાયદો સર્વસંમતિથી વિધાનસભાએ વિષદ ચર્ચાથી પસાર કરેલો એમાં લોકહિત વિરુધ્ધ કશું નથી
સંતોની રાય એ પંચની રાય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આજે ગુજરાતભરના સંતો-મહંતો અને ધર્મસંપ્રદાયોના વડાઓએ ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ રદ કરવાનો રાજ્ય સરકારે જે નિર્ણય લીધો તેને આવકારીને ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.મહામંડલેશ્વરશ્રી ભારતીબાપુના નેતૃત્વમાં રાજ્યભરના સંતો-મહંતો અને ધર્મ ટ્રસ્ટોના વડાઓ, સાધુ સંતોની લાગણીને માન આપીને ગુજરાત પબ્લીક ટ્રસ્ટનો કાયદો રદ કર્યો તે માટે આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા.
કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી ભરત પંડયા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાયદો વિધાનસભામાં વિષદ ચર્ચા અને બધા જ રાજકીય પક્ષોના સર્વસંમતિથી પસાર થયેલો છતાં તેના અંગે ભ્રામક અપપ્રચાર કરી રાજ્ય સરકારને બદનામ કરાય છે. કોઇપણ લોકહિતના કાયદા માટે રાજ્ય સરકારે સંબંધકર્તા સૌની સાથે ચર્ચા-પરામર્શ કરવાનો અભિગમ રાખેલો છે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસ્તુત કાયદામાં લોકહિત વિરૂધ્ધ કશું જ નહોતું અને કોઇ એમ કહેતું હોય કે આ સરકારે ખોટું કર્યું છે તો એ સર્વથા સાચું નથી જ નથી. પરંતુ સંતોની રાય એ પંચની રાય છે એમ માની સંતોના સન્માનાર્થે લાગણી સ્વીકારીને સરકારે કાયદો રદ કરવાનો નિર્ણય લીધો છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સંતો મહંતોએ ગુજરાતના વિકાસ માટે સદૈવ પુરૂષાર્થ કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને સંપૂર્ણ સાથ સહયોગ આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.