મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રક્ષાશકિત યુનિવર્સિટીનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં દેશમાં સુરક્ષા સેવાના ક્ષેત્રે સામર્થ્યવાન પ્રશિક્ષણની આ વૈશ્વિક સંસ્થાના નિર્માણ માટેનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સુરક્ષા સેવાને કારકિર્દી તરીકે અપનાવીને ભારતમાતા માટે જીવન સમર્પિત કરવા તત્પર લાખો હોનહાર યુવાનોને માટે નવી તક ગુજરાતે આપી છે અને અપરાધોના ગૂન્હાહિત નવા વાતાવરણના પડકારો સામે સુસજ્જ માનવશકિત ઉભી કરવાની દિશામાં પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
સુરક્ષાસેવા ક્ષેત્રે પ્રશિક્ષિત માનવ સંસાધન વિકાસની સમગ્ર દેશમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રસંશનિય અભિગમ અપનાવ્યો છે અને આંતરિક સુરક્ષા સેવાઓ માટેના વિશ્વ વિદ્યાલય સ્વરૂપે, આજથી અમદાવાદમાં ન્યુ મેન્ટલ વિસ્તારમાં રક્ષાશકિત યુનિવર્સિટીનો શાનદાર પ્રારંભ થયો છે. ગુજરાત સરકારે રક્ષાશકિત યુનિવર્સિટીના આધુનિક પ્રશિક્ષણ સંકુલના નિર્માણ માટે ગાંધીનગર નજીક ૧૯ર એકરમાં જમીન ફાળવી છે.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત વિધાનસભામાં જૂલાઇ-ર૦૦૯માં રક્ષાશકિત યુનિવર્સિટી સ્થાપવાનું વિધેયક પસાર થયું હતું.
સુરક્ષાસેવાને વ્યવસાયિક કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ રક્ષાશકિત યુનિવર્સિટીના પ્રશિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સુરક્ષા ક્ષેત્રના તજ્જ્ઞોને પણ જોડાવાનું નિમંત્રણ આપ્યું હતું.
આંતરિક સુરક્ષાના વર્તમાન પડકારોની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે આ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત પ્રશિક્ષિત માનવશકિત ઉભી કરવાની જરૂરિયાત છે. ગુજરાતે આજે પહેલ કરી છે તે સમગ્ર હિન્દુસ્તાન માટે આવતીકાલના આવશ્યકતા બની રહેશે.
આંતરિક સુરક્ષાના તમામ પાસાંઓને આવરી લઇને ગુજરાતે ન્યાયતંત્રને માટે સુયોગ્ય ન્યાયવિદો તૈયાર કરવા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કાર્યરત કરી અને સાયન્સ-ટેકનોલોજીથી ગૂનાખોરીના પડકારોને પહોંચી વળવા ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન, ડિટેકશન એન્ડ પનીશમેન્ટની પ્રક્રિયા માટે સંશોધન-સુસજ્જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપી છે અને હવે માત્ર એક જ વર્ષના ટૂંકાગાળામાં ક્રાઇમ પ્રોટેકશન એન્ડ સિકયોરિટી સર્વિસ માટે પ્રશિક્ષિત માનવશકિત તૈયાર કરવા રક્ષાશકિત યુનિવર્સિટી પણ કાર્યરત કરી છે. આમ ભારતભરમાં સુરક્ષાના વ્યવસ્થાપન માટેનો આટલો સર્વગ્રાહી માનવસંસાધન વિકાસ વ્યૂહ માત્ર ગુજરાતે જ અપનાવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં હવે લો એન્ડ ઓર્ડર વ્યવસ્થાના પારંપરિક ધોરણો કારગત નીવડી શકે તેમ નથી, તેની સમજ આપતાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આતંકવાદ માઓવાદ, નકસલવાદ જેવા આત્યંતિક અપરાધો અને સાઇબર ક્રાઇમની પાછળ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય પરિબળોની ભૂમિકા અને વ્યવસ્થા કાર્ય કરે છે, ત્યારે તેના પ્રભાવ અને નવા પડકારોને ડામવા આધુનિક સુરક્ષાશકિતના જ્ઞાન-કૌશલ્યથી સામર્થ્યવાન સુરક્ષા સેવાની માનવશકિત અનિવાર્ય બની ગઇ છે.
આ પ્રશિક્ષિત સુરક્ષા સેવા કર્મીઓ પોલીસ-સંસ્કૃતિનો કાયાકલ્પ કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો અને સામાન્ય નાગરિકનો સુરક્ષા માટેનો વિશ્વાસ સર્જેશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રક્ષાશકિત યુનિવર્સિટીના સર્વપ્રથમ ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સના કોર્સમાં તમામ ૧૬૦ની પ્રવેશ ક્ષમતા પૂર્ણ થઇ હોવાનો સંતોષ વ્યકત કરતા જણાવ્યું કે પહેલાં જ કોર્સમાં ૮૦૦ યુવાનોએ જોડાવાની તત્પરતા વ્યકત કરી હતી. નજીકના ભવિષ્યમાં રક્ષાશકિત યુનિવર્સિટી સ્નાતક, અનુસ્નાતક સહિત સંશોધન શિક્ષણની સુવિધા ઉભી કરનારી દેશની વિશિષ્ઠ યુનિવર્સિટી બનશે અને ભવિષ્યમાં આ જ યુનિવર્સિટીના સામર્થ્યવાન સુરક્ષા સેવારત યુવાનો દેશના લશ્કર, નૌસેના કે વાયુસેનાના અફસરો બનશે એવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.
રક્ષાશકિત યુનિવર્સિટીના મહાનિયામક શ્રી ઓ. પી. માથુરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશની વર્તમાન સુરક્ષાની પરિસ્થિતિ અત્યંત નાજૂક છે ત્યારે, આતંકવાદનો સામનો કરવા પ્રભાવ આંતરિક સુરક્ષાબળ ઉભૂં કરનાર દેશની સૌપ્રથમ રક્ષાશકિત યુનિવર્સિટીની ગુજરાત સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમાં, ડીગ્રી અને ઇનસર્વિસ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. આંતરિક સુરક્ષા, આતંકવાદ, સંગઠિત ગૂનાઓ, સાયબર ગુનાઓ, આર્થિક ગુનાઓ અને બાળગુનાઓને લગતા પ્રશ્નોને નાથવા આધુનિક તકનીકનો ઉપયોગ કરી ક્ષમતાનું નિર્માણ કરવાના અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, પોલીસ મહાનિદેશક શ્રી એસ. એસ. ખંડવાવાલા, સુરક્ષાબળોના વરિષ્ઠ અફસરો, યુનિવર્સિટીના નાયબ મહાનિયામકશ્રી વિકાસ સહાય, ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા