અમદાવાદઃ બુધવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને રક્ષાબંધન પર્વે શારિરીક ક્ષતિગ્રસ્ત વિકલાંગ બાળાઓ સહિત સમાજના વિવિધ વર્ગોની બહેનો-બાળાઓએ રક્ષા કવચ પ્રદાન કરી રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને સવારે રક્ષાબંધન પર્વ પ્રસંગે મહેસુલ માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબને પટેલ સહિત મહિલા ધારાસભ્યો-મેયરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટી મહિલા પાંખની પદાધિકારી બહેનો, બ્રહ્માકુમારીઝ, મહિલા તબીબો-વકિલો તથા નાનકડી બાલિકાઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાખડી બાંધી હતી તથા સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પને મૂર્તિમંત કરવાની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીના સુરક્ષા કર્મીઓ, રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડ એન.એસ.જી. જવાનોને પણ બહેનોએ રાખડી બાંધી શુભેચ્છાઓ આપી હતી.
દેશ-દુનિયામાં બંધુતવ ભાવ ઉજાગર કરતું પર્વ રક્ષાબંધન- પશુતાનો નાશ – માનવતાનો વિકાસ ને આત્મસાત કરનારું પર્વ બની રહે - મુખ્યમંત્રીશ્રીની અભિલાષા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની સદીઓ પુરાણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઇ-બહેનના સંબંધના સેતુને સુદૃઢ કરે છે.
વિશ્વમાં ફાધર્સ-ડે, મધર્સ-ડે જેવા અનેકવિધ દિવસો ઉજવાય છે પરંતુ સૂતરના તાંતણે ભાઇની રક્ષાની સદાકાળ કામના કરતી બહેનનું આ ભારતીય પર્વ રક્ષાબંધન એ સદીઓથી ચિરંજીવ બની રહ્યું છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રક્ષાબંધનનું પર્વ દેશ અને દુનિયામાં માનવતા ઉજાગર કરી પશુતાનો નાશ કરનાર પર્વ નારીશકિત પ્રત્યે સન્માનભાવ તથા સ્નેહનો સેતૂ આ રક્ષાબંધન પર્વ અતૂટ બનાવે છે.
આ પરંપરા જ ભારતીય સંસ્કૃતિની વિશ્વખ્યાત વિરાસતને અજરા-અમર રાખશે તેવી શ્રધ્ધા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. અમદાવાદની પી.ટી.સી. કોલેજના છાત્રોએ સ્વર્ણિમ ગુજરાતનો સંદેશ આપતી વિશાળ રાખડી સાથે રક્ષાબંધન કર્યું હતું.