મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે સાંજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેવાના અધ્યક્ષ શ્રી રાજ ઠાકરે અને તેમના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર આવીને સૌજન્ય મુલાકાત લીધી હતી.ગુજરાતના વિકાસ તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર વહીવટીતંત્રની વિકાસ માટેની પ્રતિબધ્ધતાની ભરપેટ પ્રશંસા કરતા શ્રી રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, વિકાસનું વિઝન ગુજરાતમાં જે રીતે સાકાર થયું છે તેની અનુભૂતિથી તેમનું સમગ્ર મનસે પ્રતિનિધિ મંડળ અત્યંત પ્રભાવિત થયું છે.
ગુજરાતનો વિકાસ નજરે નિહાળવા શ્રી રાજ ઠાકરેએ સતત નવ દિવસનો રાજ્યભરનો પ્રવાસ સંપન્ન કર્યો હતો અને આવતીકાલે વિદાય લેતા પૂર્વે આજે સાંજે મુખ્ય મંત્રીશ્રીના નિવાસસ્થાને આવીને શ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધલક્ષી વિકાસ સિધ્ધિઓના અધ્યયનની ફલશ્રુતિની રૂપરેખા આપી હતી. ગુજરાતના પ્રશાસનિક અધિકારીઓની સેવાનિષ્ઠા અને ગુજરાતની આતિથ્ય ભાવનાની પણ તેમણે ભરપૂર પ્રશંસા કરી હતી અને આભારની લાગણી વ્યકત કરી હતી.
મનસેના સમગ્ર પ્રતિનિધિ મંડળે નર્મદા ડેમ અને સરદાર સરોવર પ્રોજેકટની જલવ્યવસ્થાપન સિધ્ધિઓને અદભૂત ગણાવી હતી અને વિશ્વમાં સૌથી વિરાટ ઉંચાઇ ધરાવનાર ‘‘સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી''ના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટની વિશેષતાથી પણ અભિભૂત થયા હતા. દેશના વિકાસ માટેની નકારાત્મક માનસિકતાના પ્રવર્તમાન વાતાવરણ અને વિકાસલક્ષી નેતૃત્વની ખામીના કારણે જનતાની આશા અને અરમાનો સાકાર થતા નથી જ્યારે ગુજરાતમાં વિકાસ માટેનું સાર્વત્રિક વાતાવરણ સમગ્ર પ્રશાસન અને જનતામાં જોવા મળ્યું છે એટલું જ નહીં, વિકાસની કલ્પના તથા ગતિને સાતત્યપૂર્ણ રાખવામાં મુખ્યમંત્રીશ્રીનું જે દૂરંદેશી ભર્યું નેતૃત્વ મળી રહ્યું છે તેની ભૂમિકા શ્રી રાજ ઠાકરેએ આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી અને પ્રશાસનમાં જનતાના ભરોસાના કારણે ગુજરાતના અધિકારીઓમાં સ્વાન્તઃ સુખાય જેવા પ્રોજેકટ કાર્ય સિધ્ધ થયા છે તેની પણ રૂપરેખા આપી હતી.
શ્રી રાજ ઠાકરેએ ગુજરાતમાં નર્મદા શાખા કેનાલોમાં એક લાખ કિ.મી. જેટલા વિશાળ નેટવર્ક સંલગ્ન અનોખા સોલાર પેનલ પ્રોજેકટની રૂપરેખા જાણવામાં ખૂબ જ રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેકટ તરીકે એક કી.મી. કેનાલ ઉપર એક મેગાવોટ સૂર્યશકિતથી ઉર્જા-વિજળી પેદા થશે અને એક કરોડ લીટર પાણી બાષ્પીભવન રોકાતાં બચત થશે તેની માહિતી આપી હતી.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની ગતિ સાથે કૃષિ વિકાસનો કાયાકલ્પ થઇ રહ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને શ્રી રાજ ઠાકરે પ્રભાવિત થયાં હતા.