મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસદમાં રજૂ થયેલા રેલ્વે બજેટને ભારતના વિકાસ અને પ્રગતિની દ્રષ્ટિએ તદ્ન દિશાશૂન્ય અને અવાસ્તવિક ગણાવ્યું છે. આ રેલ્વે બજેટમાં ગુજરાત જેવા વિકાસની હરણફાળ ભરી રહેલા પ્રગતિશીલ રાજ્યને યુપીએ સરકાર તરફથી થતા હળાહળ અન્યાયનો સીલસીલો તો ચાલુ જ રહયો છે પરંતુ એકંદરે, ભારતના આર્થિક વિકાસની ગતિ અને ભાવ વધારાને કારણે સામાન્ય માનવીની મોંધવારીની મુસિબતોને સીધી અસર કરનારૂં આ રેલ્વે બજેટ છે. વૈશ્વિકકરણની સ્પર્ધાના યુગમાં ભારતના વિકાસની અગ્રતાને ધ્યાનમાં લેવામાં યુપીએના રેલ્વે મંત્રીશ્રી તદ્ન નિષ્ફળ રહયા છે, તે દેશની કમનશિબી છે, એમ તેમણે જણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ રેલ્વેના રાષ્ટ્રવ્યાપી માળખાકીય સુવિધા વિકાસમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની બાબતે રેલ્વે બજેટમાં કોઇ રાજકીય ઇચ્છાશકિતની પ્રતીતિ થતી નથી તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે રેલ્વે મારફતે માલ-સામાનની હેરફેર માટેનો હિસ્સો ર૦૦૧-૦રમાં ર૪ ટકા હતો એ ધટીને ર૦.૮૯ ટકા થઇ ગયો છે. આનો સીધો અર્થ એ થાય છે કે દેશમાં માલ-સામાનની હેરફેર-પરિવહન માટે રેલ્વે ટ્રેકની વિશ્વસનિયતા ધટી ગઇ છે અને રોડ ટ્રાન્સપોર્ટમાં વધારો થયો છે. સૌ જાણે છે કે રોડ ટ્રાન્સપોર્ટથી માલ પરિવહન ખર્ચ વધારે આવે છે જેની સીધી અસર ભાવ વધારા ઉપર થઇ રહી છે. આ ઉપરાંત માલ-પરિવહન સેકટરમાં ઓવરચાર્જિસ થવાના કારણે પણ મોંધવારી ઉપર અસર પડી રહી છે. આ સંદર્ભમાં, રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક માટે કવોલિટેટીવ રિફોર્મ્સ અને નેશનલ રેલ્વે ફેર એન્ડ ફ્રેઇટ ઇન્કવાયરી કમિટીની રચના કરવાની, તાકીદની આવશ્યકતાનું પ્રેરક સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રેલ્વેમાં ખાનગીકરણ અંગે યુપીએ સરકારની વિસંગત અને બેવડી નીતિ અંગે જણાવ્યું હતું કે ૧૧મી પંચવર્ષીય યોજનામાં ખાનગી મૂડીરોકાણનો અંદાજ રૂા. ૬૦,૦૦૦ કરોડનો મૂકવામાં આવ્યો હતો જે અત્યારે માત્ર રૂા. ૩૯પ કરોડનો થઇ ગયો છે. આમ છતાં, એકબાજુ રેલ્વેનું ખાનગીકરણ નહી થાય તેમ જણાવીને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ આધાર ઉપર નવી રેલ્વે લાઇનોના પ્રોજેકટની જાહેરાત રેલ્વે બજેટમાં થઇ છે જેમાં સૌથી વધુ પ્રોજેકટ સૂત્રાપાડા, દહેજ, ધોલેરા, હજીરા વગેરે ગુજરાતના છે. આનો અર્થ એ થયો કે દેશના બાકીના ભાગોમાં રેલ્વે પોતાનું મૂડીરોકાણ કરે જ્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે આગ્રહ રાખે છે આ ભેદભાવ ગુજરાતને અન્યાયકર્તા છે. તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં રેલ્વેના વેગનોના મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી, કોચ ફેકટરી, રેઇલ એકેડમી, ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર, વેગન રીપેરીંગ, મલ્ટીટ્રેઇનીંગ સેન્ટર્સ વગેરેની જાહેરાતો થઇ છે પણ તેમાં પણ ગુજરાતનું કયાંય નામોનિશાન નથી. ગુજરાતનો જેમાં ૪૦ ટકા હિસ્સો છે તેવા દિલ્હી-મુંબઇ ફ્રેઇટ કોરિડોર ઉપર ૧૦ ઓટો હબ બનાવવાની જાહેરાતમાં પણ ગુજરાતની બાદબાકી જ કરી દેવામાં આવી છે. અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેઇન અને ફાસ્ટટ્રેકનો પણ કોઇ જ ઉલ્લેખ નથી થયો તે ગુજરાત પ્રત્યેના અન્યાયની ભેદભાવની પ્રતીતિ કરાવે છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રાલય હવે વોટબેન્કના રાજકારણના રવાડે ચડી ગયું છે અને બેરોજગારીમાં પણ સંપ્રદાયક ભેદભાવ કરવાનું પાપકર્મ આચરવામાં સક્રિય બન્યું છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે લધુમતીઓને ભરતી-પરીક્ષા માટેની ફીમાં માફી આપવાની જાહેરાત, રેલ્વે બજેટમાં કરીને, યુપીએ સરકારની તુષ્ટીકરણની આળપંપાળ રેલ્વે કરી રહયું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલ્વેની આધુનિક સુવિધાથી વંચિત રાખવા અને પશ્ચિમરેલ્વેનું વડુમથક અમદાવાદને આપવાની ગુજરાતની જનતાની લાગણીની ઉપેક્ષા થઇ રહી છે તે અંગે વિરોધ કરતા જણાવ્યું કે રવિન્દ્રનાથ ટાગોરની ૧પ૦મી જન્મજયંતી પ્રસંગે ભારતતીર્થ નામની નવી ૧૬ ટ્રેઇનો, ધાર્મિક સ્થાનોને જોડવા માટે શરૂ કરાશે પરંતુ ગુજરાતમાંથી અપવાદરૂપ સોમનાથ સિવાય કોઇ જ તીર્થ ક્ષેત્રનો સમાવેશ થયો નથી.
ગુજરાતને ભૂતકાળમાં યુપીએ સરકારે અન્યાય કર્યો છે અને આ વખતે તો રેલ્વે મંત્રીશ્રીએ પડોશી બાંગ્લાદેશ સાથે ભારતીય રેલ્વે-કનેકટીવિટી જોડીને સાચુ પોત પ્રકાશ્યું છે બાંગલાદેશમાં વસતિની સમસ્યા કેટલી ગંભીર થઇ રહી છે તેનાથી રેલ્વે મંત્રીશ્રી અજાણ હોય તેવું માની શકાય નહીં-એમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નવી ટ્રેઇનો, નવા રેલ્વે ટ્રેક અને બ્રોડગેજ કન્વરઝનની જાહેરાતો લોકરંજક વચનોની લહાણીરૂપે કરવામાં આવી છે નવી રેલ્વે લાઇનો , રેલ્વે ટ્રેકની જાહેરાતો કરવી એ એક વાત છે પરંતુ આ જ રેલ્વે મંત્રીશ્રીએ ગયા વર્ષે ૩૭પ આદર્શ રેલ્વે સ્ટેશનો અને પ૦ મલ્ટી ફંકશનલ રેલ્વે સ્ટેશનો શરૂ કરવાની વચનોની લહાણી કરેલી તેમાં ભાગ્યેજ ભૂમિપૂજન સિવાય કોઇ કામગીરી થઇ છે. કાલુપુર-અમદાવાદ રેલ્વે સ્ટેશનને વિશ્વકક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવાની જાહેરાતને આખું વર્ષ વીતિ ગયું હજી પણ રેલ્વે મંત્રાલયમાં આ પ્રોજેકટ વિચારણા હેઠળ જ છે? નવા રેલ્વે ટ્રેક કે રેલ્વે લાઇન માટે જાહેરાત પછી પ્રોજેકટ સર્વે થાય અને પ્લાનિંગ કમિશન મંજૂર કરે તેમાં દશ વર્ષ વીતિ જતા હોય છે ત્યારે માત્ર લોકરંજક પોકળ વચનોથી રેલ્વે પ્રત્યે સામાન્ય માનવી કઇ રીતે ભરોસો મૂકી શકશે? એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
એકંદરે મુખ્યમંત્રીશ્રીએ રેલ્વેના આ વર્ષના બજેટને દેશના વિકાસની ગતિને, વેગ આપવાને બદલે અવરોધક એવું અવાસ્તવિક ગણાવ્યું છે.