પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાએ ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠક દરમિયાન અધિકારીઓએ મુખ્ય સચિવને કોરોનો વાયરસના પ્રસાર સાથે સંલગ્ન તાજા ઘટનાક્રમો, તૈયારી અને રિસ્પોન્સ પગલાંઓ વિશે જાણકારી આપી હતી.
આરોગ્ય અને કુટુંબ આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલની તૈયારી, પ્રયોગશાળાની તૈયારી, રેપિડ રિસ્પોન્સ ટીમની ક્ષમતા નિર્માણ માટે હાથ ધરવામાં આવેલા પગલાં તથા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત નિરીક્ષણ કામગીરી પર મુખ્ય સચિવને ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.
મુખ્ય સચિવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય જેવા અન્ય મંત્રાલયો દ્વારા નિવારણાત્મક પગલાંની સમીક્ષા પણ કરી હતી.
અધિકારીઓએ મુખ્ય સચિવને ખાતરી આપી હતી કે, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે અન્ય વિવિધ કેન્દ્રીય મંત્રાલયો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ગાઢ સંકલન સ્થાપીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અત્યાર સુધી 7 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 115 ફ્લાઇટમાંથી 20,000 લોકોની ચકાસણી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી પ્રયોગશાળાઓ વાયરસનું પરીક્ષણ કરવા સંપૂર્ણપણે સજ્જ છે. તમામ રાજ્ય અને જિલ્લા આરોગ્ય સત્તામંડળોને સતર્ક કરવામાં આવ્યાં છે અને તેમને જોડવામાં આવ્યાં છે.
કેબિનેટ સેક્રેટરી શ્રી રાજીવ ગૌબા, ગૃહ મંત્રાલયનાં સચિવ શ્રી અજય કુમાર ભલ્લા, વિદેશ મંત્રાલયનાં સચિવ શ્રી વિજય ગોખલે, સંરક્ષણ મંત્રાલયનાં સચિવ શ્રી અજય કુમાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ શ્રીમતી પ્રીતિ સુદાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સચિવ શ્રી પ્રદીપ સિંહ ખરોલા તેમજ અન્ય કેટલાંક ટોચનાં અધિકારીઓ બેઠકમાં હાજર હતા.