પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ના 15માં સ્થાપનાદિન નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.
ડૉ. મિશ્રાએ પોતાના સંબોધનમાં એનડીએમએ સાથેના શરૂઆતના દિવસોમાં તેમના સહયોગને યાદ કર્યો હતો અને સંતોષ વ્યક્ત કર્યો કે એનડીએમએના પ્રયાસો અને આપત્તિ વ્યવસ્થાપન તરફની પહેલોને વ્યાપકપણે માન્યતા મળી રહી છે. તેઓએ વિવિધ ભાગીદારો અને હિસ્સેદારોમાં સહમતિ બનાવવા માટે એનડીએમએની ભૂમિકાની પ્રશંસા કરી કે આપત્તિ જોખમ ઘટાડવાનું કામ તમામ સ્તરે અમારી વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે.
ડૉ. મિશ્રાએ દિવ્યાંગતા સહિતના આપત્તિ જોખમ ઘટાડા અંગેની માર્ગદર્શિકાના પ્રારંભને આપણા અનુકૂલનના માર્ગમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પહેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના દૃષ્ટિકોણને સાકાર કરે છે અને સમાજના અત્યંત સહાયપાત્ર વર્ગની જરૂરિયાતોને પહોંચી વળીને આપણી જોખમ ઘટાડવાની પહેલોને વધુ વ્યાપક કરવાનો પ્રયત્ન કરે છે. તેઓએ આપત્તિ નિવારણને સતત વિકસતી પ્રક્રિયા ગણાવી અને એનડીએમએને તેમની પ્રક્રિયાઓ અને હસ્તક્ષેપોમાં સતત સુધારણા તરફ કામ કરવા વિનંતી કરી.
આ વર્ષના સ્થાપના દિવસના વિષય ‘અગ્નિ સુરક્ષા’ વિશે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે એમેઝોન જંગલોમાં વિનાશકારી આગ અને સુરતની આગ જેવી દુર્ઘટનાઓને કારણે તાજેતરમાં વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચાયું હતુ. ખાસ કરીને, તેમણે શહેરી વિસ્તારોમાં આગનું જોખમ ઘટાડવા માટેના આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રહેણાંક, વ્યાપારી, ગ્રામીણ, શહેરી, ઓદ્યોગિક અને વન્ય અગ્નિની વિવિધ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે તે બધા જુદા-જુદા પ્રકારના પડકારો પ્રસ્તુત કરે છે અને તેમનો સામનો કરવા માટે વિશિષ્ટ વ્યૂહરચનાઓની જરૂરીયાત હોય છે. તેમણે અગ્નિશામકો માટે પૂરતી તાલીમ આપવા અને તેમને યોગ્ય રક્ષણાત્મક ઉપકરણો પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે શોપિંગ કોમ્પ્લેક્સ, વ્યાપારી મથકો અને સરકારી ઇમારતો સહિતના તમામ મહત્વપૂર્ણ માળખાંઓ માંઅગ્નિ સુરક્ષાના સંદર્ભમાં નિયમિતપણે પરીક્ષણ થવું જોઈએ અને પ્રાથમિકતાના આધારે જરૂરી નિવારક પગલાં લેવાવા જોઈએ.
તેમણે કહ્યું કે આ ખાસ કરીને મોટા શહેરો માટે સંબંધિત છે, કાયદાઓનું પાલન કરીને સુરત જેવી ઘટનાઓને અટકાવી શકાય છે, ત્યાં એક કોમર્શિયલ કોમ્પેલક્સ આવેલા કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી ઘણા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.
ડૉ. પી. કે. મિશ્રાએ અગ્નિ નિવારણ, શમન અને પ્રતિસાદ માટે નવા ઉપકરણોનો સમાવેશ કરવા માટે મુંબઈ શહેરના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આમાં ડ્રોન, રીમોટ-કન્ટ્રોલ રોબોટ્સ જેમાં હેન્ડ-હેલ્ડ લેઝર ઇન્ફ્ર્રા-રેડ કેમેરાથી સજ્જ છે અને ફાયર ફાઇટીંગ કામગીરી માટે થર્મલ ઇમેજિંગ કેમેરા સામેલ છે. તેમણે અન્ય શહેરોને મુંબઈ મોડેલનું અનુકરણ કરવા વિનંતી કરી હતી.
આગના અકસ્માતોના કિસ્સામાં પ્રતિક્રિયા સમય ખૂબ જ નિર્ણાયક છે તે જોતાં તેમણે કહ્યું હતું કે મુંબઈ, હૈદરાબાદ અને ગુરૂગ્રામમાં વિકસિત મોબાઇલ ફાયર સ્ટેશનો, પ્રતિક્રિયા સમય ઘટાડવાની નવીન રીત છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્રે અગ્નિ સેવાઓ સાથે સહયોગ કરવો જોઈએ અને પ્રતિસાદની કાર્યક્ષમતા વધારવા માટે તેમના સ્થાનિક સંદર્ભોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીને નિરાકરણ કરવું જોઈશે.
ડૉ. પી. કે. મિશ્રાએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે પશ્ચિમી દેશોમાં કોઈપણ આપદા અને કટોકટીના સમયે અગ્નિ સેવાઓ પ્રથમપંક્તિ તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે આપણે અસરગ્રસ્ત સમુદાય પછી, કોઈ પણ આપત્તિ અથવા કટોકટીની સ્થિતિમાં અગ્નિશામકો પહેલો પ્રતિસાદકર્તા બને તે રીતે આપણી અગ્નિ સેવાઓને વિકસાવવાનું વિચારવું જોઇએ. તેમણે ઉમેર્યું કે સામુદાયિક સ્તરે દરેક વ્યક્તિનો આગ સલામતી માટેનો એજન્ડા બને તેના માટે વ્યાપક જાગૃતિના અભિયાનો સાથે નિયમિત મોક ડ્રિલની જરૂરીયાત છે.
તેમણે એનડીએમએને 2012માં પ્રકાશિત અગ્નિ સેવાઓ પરની તેની રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા અને તેને અપડેટ કરવા હાકલ કરી હતી.
ઉપસંહારમાં, તેમણે ફરી યાદ અપાવ્યું હતું કે અગ્નિ સુરક્ષા એ બધા માટે ચિંતાજનક છે અને આપણે બધા માટે અગ્નિ સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયત્નો કરવાની જરૂર છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં એનડીએમએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અગ્નિ સેવાઓના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.