પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા બાબતે પંજાબ, હરિયાણા અને દિલ્હી રાજ્ય સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. સતત વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે NCRમાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થતા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ખેતરોમાં ઠુંઠા બાળવાથી, બાંધકામની પ્રવૃત્તિઓથી, કચરો બાળવાથી, ઔદ્યોગિક અને વાહનોના કારણે ઉત્પન્ન થતા પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગુપ્તા આ રાજ્યોની સ્થિતિ પર દૈનિક ધોરણે દેખરેખ રાખશે. રાજ્યોના મુખ્ય સચિવોને પણ તેમના રાજ્યોના જિલ્લાઓમાં 24X7 ધોરણે હવાની સ્થિતિ પર દેખરેખ રાખવાનું કહેવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસમાં ઉભી થયેલી વિપરિત હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા પડોશના રાજ્યોને પણ આગની ઘટનાઓ ઘટાડવા અને ધૂળનું સ્તર ઓછું કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યોના મુખ્ય સચિવોએ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંઓની વિગતો આપી હતી.
દેશની રાજધાનીમાં વાયુ પ્રદૂષણના પડકારનો સામનો કરવા માટે અંદાજે 300 જેટલી ટૂકડીઓને ફિલ્ડમાં તૈનાત કરવામાં આવી છે. તેઓ મુખ્યત્વે NCRમાં 7 ઔદ્યોગિક ક્લસ્ટર અને ભારે ટ્રાફિક ધરાવતા કોરિડોર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા માટે પણ આવી જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આ રાજ્યોને જરૂરી મશીનરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આજની બેઠક અગ્ર સચિવને 24 ઓક્ટોબર 2019ના રોજ પ્રધાનમંત્રી સાથે થયેલી બેઠકના અનુસંધાનમાં રાખવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યોએ ખાતરી આપી હતી કે વહેલામાં વહેલી તકે આ દિશામાં જરૂરી પગલાં લેવામાં આવશે. પ્રદૂષણની સમસ્યાને અંકુશમાં લેવા જરૂરી તૈયારીઓ કરવા માટે 4 ઓક્ટોબર 2019ના રોજ કેબિનેટ સચિવ દ્વારા ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી ત્યારથી કેન્દ્ર દ્વારા શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજની બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સલાહકાર શ્રી પી.કે. સિંહા, કેબિનેટ સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન સચિવ, કૃષિ સચિવ, કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન, ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક, પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.