પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે. સમગ્ર દેશને આવરી લેતું આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા કુલ 3006 રસીકરણ સત્ર સ્થળે આ અભિયાનના પ્રારંભ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. પ્રથમ દિવસે પ્રત્યેક સત્ર સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે.
આ રસીકરણ કાર્યક્રમ પ્રાથમિકતા સમૂહો, ICDS કામદારો સહિત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રાથમિકતાના સિદ્ધાંત પર અમલમાં મૂકાશે અને પ્રથમ તબક્કામાં આ તમામ લોકોને રસી આપવામાં આવશે.
રસીકરણ કાર્યક્રમમાં Co-WIN નામના ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ રસીના જથ્થા, સંગ્રહનું તાપમાન, કોવિડ-19 રસી માટેના વ્યક્તિગત લાભાર્થીઓના ટ્રેકિંગની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડશે. આ ડિજિટલ પ્લેટફોર્મ રસીકરણ સત્રો હાથ ધરવામાં તમામ સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોને સહાયરૂપ રહેશે.
કોવિડ-19 મહામારી, રસીકરણ અભિયાનના અમલ અને Co-WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 24X7 ધોરણે કાર્યરત સમર્પિત કૉલ સેન્ટર – 1075- પણ શરૂ કરવામાં આવ્યું છે.
કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ પહેલાંથી જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સક્રિય સહકારથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ જથ્થાને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને પ્રશાસન દ્વારા જે-તે જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લોક ભાગીદારીના સિદ્ધાંત સાથે અમલમાં મૂકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.