પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે એકવાર પૂર્ણ થઇ ગયા બાદ તે રાષ્ટ્રીય રાજધાનીથી દિલ્હી વચ્ચેના તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશના અન્ય અનેક ભાગો તથા ઉત્તરાખંડ વચ્ચે મુસાફરીમાં લગતા સમયમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરશે.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરતા કેટલાક કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં તેના પર મુસાફરી કરી હતી જ્યાં નવનિર્મિત માર્ગ પર ઉભેલા લોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) બે ઉદ્દેશ્યોને પુરા કરશે જેમાં દિલ્હી તરફ ન જઈ રહેલા ટ્રાફિકને અન્ય રસ્તે ફંટાવીને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદુષણમાં ઘટાડો અને ભીડ ઓછી કરવાનો હેતુ છે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું સંપૂર્ણ કાર્ય ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે દિલ્હીના ટ્રાફિકને હળવો કરવામાં સહાયરૂપ બનશે. તેમણે કહ્યું કે લોકોના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે આધુનિક માળખાગત સુવિધાઓની ઘણી અગત્યની ભૂમિકા છે. તેમણે માળખાગત બાંધકામમાં લેવામાં આવતા પગલાઓની રૂપરેખા આપી જેમાં રસ્તાઓ, રેલવે, જળમાર્ગો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે માળખાગત બાંધકામના વિકાસની પ્રગતિમાં થયેલ વૃદ્ધિનું ઉદાહરણ આપ્યું.
મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કઈ રીતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયો અને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીના જોડાણો મહિલાઓના જીવનને સરળ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલ કુલ 13 કરોડ રૂપિયાના ધિરાણમાં 75 ટકાથી વધુ મહિલા ઉદ્યોગકારોને આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ અનુસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગો માટે લેવામાં આવેલ પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે 14 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.