પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 17મી જાન્યુઆરી 2019થી શરુ થતી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને હજીરાની મુલાકાત લેશે.
આવતીકાલે તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર, પ્રદર્શન કમ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. એક છત્ર હેઠળ અહિં 25 કરતા વધુ ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રોનું પ્રદર્શન કરવામાં આવશે.
સાંજના સમયે તેઓ અમદાવાદમાં સરદાર પટેલ ઇન્સ્ટિટયુટ ઑફ મેડીકલ સાયન્સ અને રીસર્ચનું ઉદઘાટન કરશે. આસંસ્થાન, સુપર સ્પેશિયાલીટી જાહેર ક્ષેત્રની હોસ્પિટલ છે કે જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે. 78 મીટર ઊંચું આ બાંધકામ એ કૌશલ્ય, વ્યાપ અને ગતિશીલતાના ખરૂ સંયોજન છે.
ડિજીટલ ઇન્ડિયાનાં જુસ્સાને ધ્યાનમાં રાખતા આ હોસ્પિટલ સંપૂર્ણપણે પેપરલેસ હશે. તે સામાન્ય માનવીની સેવા કરશે અને આયુષમાન ભારતના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને ટેકો આપશે.
પ્રધાનમંત્રી હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને જનમેદનીને સંબોધન કરશે.
ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ– 2019નું ઉદઘાટન કરવામાં આવશે. તેનું આયોજનવાઇબ્રન્ટ ગુજરાતની સમાંતરે જ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ મેસ્કોટનું પણ અનાવરણ કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 2019 એ ભારતમાં આ પ્રકારનો સૌપ્રથમ ઉત્સવ છે. તે શહેરના ઉદ્યોગકારોને તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની તક આપશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી એકત્રિત થયેલ જનમેદનીને સંબોધન પણ કરશે.
બીજા દિવસે 18મી જાન્યુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર, એક્ઝીબીશન કમ કન્વેન્શન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની 9મી શ્રેણીનું ઉદઘાટન કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા 2003માં શરુ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ગુજરાતને રોકાણ કરવા માટે પ્રાથમિક કક્ષાના રાજ્ય તરીકે સ્થાપિત કરવાનો હતો. આ સમિટ વૈશ્વિક સામાજિક આર્થિક વિકાસ, જ્ઞાન વહેંચણી અને અસરકારક ભાગીદારીની વહેંચણીના એજન્ડાઓ પર વિચાર મંથન કરવા માટેનું એક મંચ પૂરું પાડશે.
પ્રધાનમંત્રી 19મી જાન્યુઆરી 2019ના રોજ હજીરા ગન ફેક્ટરીની સ્થાપના કરવા માટે હજીરાની મુલાકાત લેશે.
હજીરાથી તે દાદરા નગર હવેલીમાં સિલવાસા જશે. તે ત્યાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.
તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી જાન્યુઆરીના રોજ મુંબઈની મુલાકાતે જશે. તેઓ અહિંભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝીયમ ઓફ ઇન્ડિયન સિનેમા)ની નવી ઈમારતનું ઉદઘાટન કરશે.