પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 17 ફેબ્રુઆરીના રોજ બિહારની મુલાકાત લેશે. સૌપ્રથમ તેઓ બરૌની આવશે અને ત્યાં બિહાર માટે અનેકેવિધ યોજનાઓનો શુભારંભ કરશે.
આ યોજનાઓથી પટના શહેર અને તેની નજીકમાં આવેલા વિસ્તારોની કનેક્ટિવીટીમાં વધારો થશે. આ યોજનાઓથી શહેરમાં અને આ ક્ષેત્રમાં ઊર્જાની ઉપલબ્ધિમાં નોંધપાત્ર ઉમેરો થશે. આ યોજનાઓથી ખાતરના ઉત્પાદનને પણ વેગ મળશે અને બિહારમાં તબીબી તથા સ્વચ્છતાની સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે.
પરિયોજનાઓની ક્ષેત્ર વિગતો નીચે મુજબ છેઃ
શહેરી વિકાસ અને સ્વચ્છતા
પ્રધાનમંત્રી પટણા મેટ્રો રેલવે પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. તેનાથી પરિવહનની કનેક્ટિવિટીને ગતિ મળશે અને પટના તથા નજીકના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે.
પટના ખાતે પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ વિકાસ યોજનાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરશે. 95.54 કિ.મી.ના વિસ્તારને આવરી લેતા કરમાલીચક સુએઝ નેટવર્કનો શિલાન્યાસ કરશે.
બરા, સુલતાન ગંજ અને નૌગાચીયામાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે અને વિવિધ 22 સ્થળોએ અમૃત યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે.
રેલવે
પ્રધાનમંત્રી આ ક્ષેત્રોમાં રેલવે લાઈનના વીજળીકરણનું ઉદઘાટન કરશે:
• બરૌની- કુમેદપુર
• મુઝફ્ફરનગર- રકસોલ
• ફટુહા-ઈસ્લામપુર
• બિહારશરીફ -ડાનિયાવાન
આ પ્રસંગે રાંચી-પટના એસી સાપ્તાહિક એક્સપ્રેસનું પણ ઉદઘાટન કરવામાં આવશે.
ઓઈલ અને ગેસ
પ્રધાનમંત્રી મોદી ફુલપુરથી પટનાના જગદીશપુર-વારાણસી નેચરલ ગેસ પાઈપલાઈન પટ્ટાનું ઉદઘાટન કરશે. તેઓ પટના સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરશે.
બરૌની રિફાઈનરી વિસ્તરણ યોજનાની 9 MMT AVUનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી પારાદીપ-હલ્દીયા-ડુંગરપુર એલપીજી પાઈપલાઈનના દુર્ગાપુરથી મુઝફ્ફરપુર અને પટના સુધી લંબાવવાની યોજનાની શિલારોપણ વિધી કરશે.
તેઓ બરૌની રિફાઈનરી ખાતે એટીએફ હાઈડ્રોટ્રિટીંગ એકમ (INDJET)નો શિલાન્યાસ કરશે.
આ બધા પ્રોજેક્ટથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ઊર્જાની ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો થશે.
આરોગ્ય
પ્રધાનમંત્રી સરન, છપરા અને પુરનીયાખાતે મેડિકલ કોલેજોની શિલારોપણ વિધી કરશે.
પ્રધાનમંત્રી ભાગલપુર અને ગયામાં સરકારી મેડિકલ કોલેજોના અપગ્રેડેશન માટે પણ શિલારોપણ વિધી કરશે.
ખાતર
પ્રધાનમંત્રી બરૌની ખાતે એમોનિયા-યુરિયા ખાતર સંકુલનું ભૂમિપૂજન પણ કરશે.
પ્રધાનમંત્રી બરૌનીથી ઝારખંડ જવા માટે રવાના થશે. ત્યાં તેઓ હઝારીબાગ અને રાંચીની મુલાકાત લેશે.