પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસો દરમિયાન બે રાજ્યો ગુજરાત અને તામિલનાડુ; તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દિવ તથા પુડૂચેરીની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી શનિવારે દમણ પહોંચશે. તેઓ ત્યા વિવિધ વિકાસલક્ષી યોજનાઓની શરૂઆત કરાવશે, લાભાર્થીઓને વિવિધ યોજનાઓનાં પ્રમાણપત્રનું વિતરણ કરશે. તેઓ ત્યાં એક જાહેર સભાને સંબોધન પણ કરશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ તમિળનાડુ જવા રવાના થશે. ચેન્નઈ ખાતે તેઓ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના – અમ્મા ટુ વ્હીલર સ્કીમના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.
રવિવારે પ્રધાનમંત્રી પુડુચેરીની મુલાકાત કરશે. ત્યાં તેઓ અરવિંદ આશ્રમમાં, શ્રી અરવિંદને પુષ્પાંજલિ અર્પણ કરશે અને શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્રનાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. શ્રી નરેન્દ્ર મોદી ઓરોવિલેની મુલાકાત લેશે. તેઓ ઓરોવિલે ગોલ્ડન જ્યુબિલી ઉજવણીનાં અવસર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. આ અવસરે તેઓ પ્રસંગોચિત સંબોધન કરશે.
પ્રધાનમંત્રી પુડુચેરીમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે.
રવિવારે સાંજે પ્રધાનમંત્રી ગુજરાતનાં સુરતમાં “રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન” ને લીલીઝંડી દેખાડશે.