પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને 31 ઓક્ટોબર,2019ના રોજ તેમની જન્મજંયતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
કેવડિયા ખાતે પ્રધાનમંત્રી મોદી એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે, ટેકનોલોજી પ્રદર્શન સ્થળની મુલાકાત લેશે અને સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કરશે.
વર્ષ 2014થી, 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તમામ વર્ગ અને ક્ષેત્રના લોકો આ દિવસે યોજાતી રન ફોર યુનિટીમાં ભાગ લે છે.
27 ઓક્ટોબર 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને વિનંતી કરી હતી કે તેઓ મહત્તમ સંખ્યામાં ‘રન ફોર યુનિટી’માં ભાગ લે અને એક લક્ષ્ય – “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નેસિદ્ધ કરવામાં સહભાગી બને.
તેમણે જણાવ્યું હતું કે, “મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે 2014થી 31 ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઇપણ ભોગે આપણા દેશની એકતા, અખંડિતા અને સુરક્ષાનું રક્ષણ કરવાનો સંદેશો આપે છે. આ વર્ષે, 31 ઓક્ટોબરના રોજ અગાઉના વર્ષોની જેમ જ ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવશે. ‘રન ફોર યુનિટી’ સામંજસ્યનું પ્રતિક છે, જે એક લક્ષ્ય- એક ભારત, શ્રેષ્ઠ ભારતની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે એક દિશામાં દેશ આગળ વધી રહ્યો હોવાની પ્રતીતી કરાવે છે!”
“મારા પ્રિય દેશવાસીઓ, સરદાર પટેલે સમગ્ર દેશને સામંજસ્યના તાતણે એક કર્યો છે. એકતાનો આ મંત્ર આપણા જીવનમાં સંસ્કારના રૂપમાં સમાયેલો છે અને અનેક વિવિધતા ધરાવતા આપણા જેવા દેશમાં, આપણે દરેક મોડ પર, દરેક અવરોધ પર તમામ પ્રકારે સામંજસ્યના આ મંત્રને વધુને વધુ મજબૂત કરવાનું ચાલું જ રાખવું જોઇએ. મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ હંમેશા એકતા અને કોમી એખલાસ વધુ મજબૂત કરવા માટે સક્રિય અને સતર્ક રહ્યો છે. જો આપણે પોતાની આસપાસમાં નજર કરીએ તો, આપણને એવા સંખ્યાબંધ દૃષ્ટાંતો મળશે જેઓ કોમી એખલાસ જાળવવા અને તેના વાતાવરણને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે.”
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લા પાંચ વર્ષમાં અમે જોયું કે માત્ર દિલ્હી જ નહીં પરંતુ ભારતના સેંકડો શહેરો, કેન્દ્ર શાસિત પ્રદેશો, જિલ્લા કેન્દ્રો અને બીજા તેમજ ત્રીજા તબક્કાની શ્રેણીમાં આવતા નાના શહેરોમાં પણ અસંખ્ય પુરુષો, મહિલાઓ શહેરી સમૂહો, ગ્રામીણ સમૂહો, બાળકો, યુવાનો, વડીલો, દિવ્યાંગો સહિત તમામ લોકો ‘રન ફોર યુનિટી’માં ખૂબ જ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે.”
તંદુરસ્ત ભારતના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘રન ફોર યુનિટી’ એક એવો અનન્ય કાર્યક્રમ છે જે મન, શરીર અને આત્મા માટે લાભદાયી છે. ‘રન ફોર યુનિટી’ દરમિયાન આપણે માત્ર દોડવાનું નથી પરંતુ આમ કરવાથી ફિટ ઇન્ડિયાનો જુસ્સો પર પ્રતિબિંબિત થાય છે. આપણે પોતાની જાતને એક ભારત-શ્રેષ્ઠ ભારત સાથે જોડાયેલા હોવાનું અનુભવીએ છીએ! અને આ પ્રકારે, માત્ર આપણું શરીર જ નહીં પરંતુ, આપણું મન અને મૂલ્ય તંત્ર પણ ભારતને નવા શિખરો પર લઇ જવા માટે ભારતની એકતા સાથે એકીકૃત થાય છે.”
runforunity.gov.in વેબપોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે જ્યાં કોઇપણ વ્યક્તિ સમગ્ર દેશમાં યોજનાર રન ફોર યુનિટીના વિવિધ સ્થળોની માહિતી મેળવી શકે છે.