પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનની બેઠકમાં સહભાગી થશે. ઉપરાંત તેઓ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિયેતનામનાં પ્રધાનમંત્રી ન્ગુયેન ઝુહાન ફુક અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસનને બેંગકોકમાં મળશે અને ત્યારબાદ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે.
પ્રધાનમંત્રી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અથવા આરસીઇપીમાં ભારતની વાટાઘાટાનું નેતૃત્વ કરશે. આરસીઇપી આસિયાનનાં 10 સભ્યો દેશો તથા આસિયાનનાં મુક્ત વેપાર સમજૂતીનાં ભાગીદારો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, કોરિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર માટેની વિસ્તૃત સમજૂતી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ધારણાને દૂર કરવા ઇચ્છે છે કે, ભારત આરસીઇપી વેપારી સમજૂતીમાં સામેલ થવા ઇચ્છતો નથી. બેંગકોક પોસ્ટમાં એક વિસ્તૃત મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત હાલ ચાલુ આરસીઇપીની વાટાઘાટોમાંથી વિસ્તૃત અને સંતુલિત પરિણામ માટે કટિબદ્ધ છે, પણ ભારત તમામ પક્ષો માટે લાભદાયક સ્થિતિ ઇચ્છે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઊંચી વેપારી ખાધની ભારતની ચિંતાનું સમાધાન કરવું મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પારસ્પરિક રીતે લાભદાયક આરસીઇપી ભારત અને વાટાઘાટમાં સામેલ તમામ પક્ષોનાં હિતમાં છે, જેનાથી તમામ પક્ષોને લાભ થશે.
આરસીઇપીની વાટાઘાટોની શરૂઆત વર્ષ 2012માં કમ્બોડિયામાં શરૂ થઈ હતી, જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓમાં વેપાર, રોકાણ, બજારની સુલભતા, આર્થિક સહકાર, બૌદ્ધિક સંપત્તિ અને ઇ-કોમર્સ જેવા ક્ષેત્રો સામેલ છે.