પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી, 2018નાં રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.
ખેલો ઇન્ડિયા કાર્યક્રમ ભારતમાં પાયાનાં સ્તરે રમતગમતને પુનઃ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આપણાં દેશમાં તમામ રમત માટે મજબૂત માળખું ઊભું કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતને રમતગમતનાં ક્ષેત્રમાં મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને ધ્યાનમાં રાખીને ખેલો ઇન્ડિયા વિવિધ શ્રેણીઓમાં શાળાઓમાંથી યુવા પ્રતિભાઓને શોધવામાં મદદ કરશે અને ભવિષ્યમાં રમતવીર તરીકે તેમને વિકસાવવામાં સહાયભૂત થશે એવી અપેક્ષા છે.
ઉચ્ચ-સ્તરીય સમિતિ દ્વારા વિવિધ સ્તરે પ્રાથમિક રમતની શ્રેણીઓમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવામાં આવશે અને તેમને 8 વર્ષ માટે દર વર્ષે રૂ. 5 લાખની વાર્ષિક નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે.
ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ નવી દિલ્હીમાં 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી, 2018 સુધી યોજાશે. અંડર-17 ખેલાડીને રમતગમતની કુલ 16 શ્રેણીઓમાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શ્રેણીઓ છેઃ તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક્સ, હોકી, જુડો, કબડ્ડી, ખોખો, શૂટિંગ, સ્વિમિંગ, વોલીબોલ, વેઇટલિફ્ટિંગસ અને રેસ્લિંગ. આ ગેમ્સ ભારતમાં રમતગમતમાં યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને બહાર લાવશે અને ભારતની રમતગમત ક્ષેત્રમાં રહેલી સંભવિતતા પ્રદર્શિત થશે.
ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં 199 સુવર્ણચંદ્રકો, 199 રજતચંદ્રકો અને 275 કાંસ્યચંદ્રકો એનાયત કરવામાં આવશે. અંડર-17 વયજૂથ હેઠળ દેશનાં પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ રમતોમાં એકબીજા સાથે સ્પર્ધા કરશે.