પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી, 2020ના રોજ ભુવનેશ્વર ખાતે યોજાનારી દેશની પ્રથમ ખેલો ઇન્ડિયા ગેમ્સના ઉદઘાટન સમારોહને સંબોધન કરશે.
શ્રી મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
ભારત સરકાર દ્વારા ઓડિશા રાજ્ય સરકારના સહયોગથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીના વિચારોની પ્રેરણાથી શરૂ થયેલો ખેલો ઇન્ડિયા કાર્યક્રમ દેશમાં રમવામાં આવતી તમામ રમતો માટે પાયાના સ્તરેથી મજબૂત માળખું બનાવીને ભારતને એક મહાન રમત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માટે, ભારતની રમત-ગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે યોજવામાં આવી રહ્યો છે.
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ભુવનેશ્વર ખાતે યોજાશે.
ભારતમાં યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી આ સૌથી મોટી સ્પર્ધા છે અને તેમાં દેશની 150થી વધુ યુનિવર્સિટીઓના લગભગ 3500 રમતવીરો ભાગ લેશે.
આ સ્પર્ધામાં તીરંદાજી, એથ્લેટિક્સ, બોક્સિંગ, ફેન્સિંગ, જુડો, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ, ટેનિસ, વોલિ બોલ, રગ્બી અને કબડ્ડી જેવી કુલ 17 રમતો રમાશે.