પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.
બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી વાર સામેલ થશે. તેઓ વર્ષ 2014માં બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રથમ વાર સામેલ થયા હતા.
ભારતમાંથી મોટું વાણિજ્યિક પ્રતિનિધિમંડળ પણ પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન ખાસ કરીને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થશે, જ્યાં બ્રિક્સ સંગઠનનાં તમામ સભ્ય પાંચ દેશોનું વાણિજ્યિક પ્રતિનિધિમંડળ ઉપસ્થિત હશે.
પ્રધાનમંત્રી બ્રિક્સ શિખર સંમેલનમાં બિઝનેસ ફોરમનાં સમાપન સમારંભ અને અગિયારમાં બ્રિક્સ શિખર સંમેલનનાં સમાપન સમારંભમાં સામેલ થવાની સાથે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અલગથી દ્વિપક્ષીય બેઠક યોજશે.
સમાપન સત્રમાં સમકાલિન વિશ્વમાં રાષ્ટ્રીય સાર્વભૌમિકતાનાં મુદ્દે વિવિધ પડકારો અને તકો પર કેન્દ્રિત ચર્ચાવિચારણા થવાની અપેક્ષા છે. ત્યારબાદ બ્રિક્સ સમાપન સત્રમાં બ્રિક્સનાં સભ્ય દેશોનાં આર્થિક વિકાસ માટે સહકારનાં મુદ્દે ચર્ચા થશે.
પછી પ્રધાનમંત્રી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે બ્રિક્સ લીડર્સની બેઠકમાં સહભાગી થશે, જેમાં બ્રાઝિલિયન બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલનાં ચેરમેન અને નવી ડેવલપમેન્ટ બેંકનાં પ્રમુખ સાથે રિપોર્ટ રજૂ કરશે એવી અપેક્ષા છે.
એ પછી તુરંત બ્રિક્સનાં સભ્ય દેશોની વેપાર અને રોકાણ પ્રોત્સાહન સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થશે.
શિખર સંમેલનનાં અંતે નેતાઓ સંયુક્ત જાહેરનામું બહાર પાડશે.
બ્રિક્સનાં પાંચ મોટા વિકાસશીલ અર્થતંત્રો સંયુક્તપણે વિશ્વની 42 ટકા વસતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે દુનિયાની કુલ જીડીપીનો 23 ટકા હિસ્સો તથા દુનિયાનાં વેપારવાણિજ્યનો આશરે 17 ટકા હિસ્સો ધરાવે છે.
બ્રિક્સનાં સભ્ય દેશો વચ્ચે સાથસહકાર બે આધાર ધરાવે છે, જેમાં નેતાઓ અને મંત્રીઓ વચ્ચેની બેઠક તેમજ વરિષ્ઠ અધિકારીઓની બેઠક દ્વારા સહકારનાં પારસ્પરિક હિતનાં મુદ્દાઓ પર ચર્ચા સામેલ છે. આ ચર્ચાવિચારણામાં વેપાર, ધિરાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, સંચાર, આઇટી વગેરે ક્ષેત્રો સામેલ છે.