પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબર, 2019ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા આરોગ્ય મંથન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આરોગ્ય મંથન બે દિવસીય કાર્યક્રમ છે જેનું આયોજન આયુષમાન ભારત PM-JAYના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આયુષમાન ભારતની નવી મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. તેઓ ‘આયુષમાન ભારત સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ’ પણ લોન્ચ કરશે અને આ પ્રસંગે એક સ્મારક ટિકિટ પણ બહાર પાડશે.
પ્રધાનમંત્રી આયુષમાન ભારત PM-JAYના પસંદગીના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તે PM-JAYના પ્રદર્શનની પણ મુલાકાત કરશે જે છેલ્લા એક વર્ષ દરમિયાન યોજનાની અત્યાર સુધીની સફરનુ પ્રદર્શન કરે છે.
આરોગ્ય મંથનનો હેતુ PM-JAYના તમામ મહત્ત્વના હિતધારકો એકબીજા સાથે મુલાકાત કરી શકે અને છેલ્લા એક વર્ષ દરમિયાન યોજનાના અમલીકરણમાં તેમને જે પડકારોનો સામનો થયો છે તેની ચર્ચા કરી શકે તે માટે મંચ પુરો પાડવાનો છે. વધુમાં તેનો હેતુ અમલીકરણમાં સુધારો કરવા માટે નવી સમજણ અને માર્ગોનું સર્જન કરવાનો પણ છે. આરોગ્ય મંથનની મહત્ત્વપૂર્ણ ભલામણો આ પ્રસંગે રજૂ કરવામાં આવશે.
આયુષમાન ભારત PM-JAY પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23મી સપ્ટેમ્બર, 2018માં શરૂ કરવામાં આવી હતી.