પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ –2020 (NEP-2020) હેઠળ “21મી સદીમાં શાળા શિક્ષણ” કૉન્કલેવમાં સંબોધન કરશે
શિક્ષણ મંત્રાલય 10 અને 11 સપ્ટેમ્બરના રોજ શિક્ષા પર્વના ભાગરૂપે બે દિવસીય કૉન્કલેવનું આયોજન કરી રહ્યું છે.
આ અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7 ઓગસ્ટ, 2020ના રોજ ‘NEP -2020 હેઠળ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારણાના સમારોહ’માં પણ ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું.
શ્રી મોદીએ એનઇપી -2020 પર 7 સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલોના સંમેલનમાં પણ સંબોધન કર્યું હતું.
NEP-2020 એ 21મી સદીની પહેલી શિક્ષણ નીતિ છે, જે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 34 વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. NEP-2020 શાળા અને ઉચ્ચ શિક્ષણ સ્તર બંનેમાં મોટા સુધારાને દર્શાવે છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ ભારતને સમાન અને ગતિશીલ જ્ઞાનસભર સમાજ બનાવવાનો છે. તે ભારત-કેન્દ્રિત શિક્ષણ પ્રણાલીની કલ્પના કરે છે જે ભારતને વૈશ્વિક મહાસત્તામાં પરિવર્તિત કરવા માટે સીધું જ યોગદાન આપે છે.
એનઇપી-2020 દેશમાં શાળા શિક્ષણમાં વ્યાપક સુધારો લાવશે. શાળા કક્ષાએ 8 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ECCE) નું વૈશ્વિકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે; શાળાના પાઠ્યક્રમની 10 + 2 રચનાને 5 + 3 + 3 + 4 અભ્યાસક્રમ માળખા દ્વારા બદલવાની છે; 21મી સદીની કુશળતા, ગાણિતિક વિચાર અને વૈજ્ઞાનિક સ્વભાવમાં અભ્યાસક્રમને એકીકૃત કરવું; શાળા શિક્ષણ માટે નવા વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાના વિકાસ; શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યાવસાયિક ધોરણો; આકારણી સુધારણા અને બાળકનું 360 ડિગ્રી સાકલ્યવાદી પ્રગતિ કાર્ડ; અને વર્ગ 6થી વ્યાવસાયિક સંકલન.
NEP દેશની શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક રીતે લક્ષિત પરિવર્તન દ્વારા દ્રષ્ટાંતરૂપ બદલાવ લાવશે અને ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરાયેલા નવા આત્મનિર્ભર ભારત માટે એક સક્ષમ અને પુનર્જીવિત શૈક્ષણિક પ્રણાલી બનાવશે.
શિક્ષકોનું સન્માન કરવા અને નવી શિક્ષણ નીતિ 2020ને આગળ લઇ જવા માટે 8 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર, 2020 સુધી શિક્ષા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિવિધ પાસાઓને આવરી લેતા વેબિનાર, વર્ચ્યુઅલ પરિષદો અને કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.