પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.
દેશને યુવાન માનસિકતા અને જુસ્સો વિકસાવવાની અપીલ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરની સમસ્યાનું સમાધાન દાયકાઓથી આવ્યું નહોતું.
તેમણે કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરની સમસ્યાનું સમાધાન દેશ આઝાદ થયા પછી અત્યાર સુધી આવ્યું નહોતું. સમસ્યાનું સમાધાન કરવા માટે શું કરવું?”
તેમણે કહ્યું હતું કે, “લગભગ 3 થી 4 પરિવારો અને રાજકીય પક્ષોને સમસ્યાનું સમાધાન શોધવામાં રસ નહોતો. એટલું જ તેઓ આ સમસ્યાને લટકતી જ રાખવા માગતા હતા.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ સમસ્યાનું સમાધાન દાયકાઓ સુધી ન થયું એટલે આતંકવાદને લીધે કાશ્મીરમાં હજારો નિર્દોષોને જીવ ગુમાવવા પડ્યાં હતાં. લાખો લોકોને રાજ્યમાંથી સ્થળાંતર કરવું પડ્યું અને તેઓ બેઘર થઈ ગયા, છતાં સરકાર મૂકદર્શક બનીને જોતી રહી હતી.”
કલમ 370નો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કલમ કામચલાઉ વ્યવસ્થા હતી, પણ કેટલાક રાજકીય પક્ષોનાં મતબેંકના રાજકારણને લીધે 7 દાયકા સુધી સમસ્યાનું સમાધાન જ ન થયું.
તેમણે કહ્યું હતું કે, “કાશ્મીર દેશનો તાજ છે અને તેને દાયકાઓ જૂની કટોકટીમાંથી બહાર કાઢવું આપણી જવાબદારી છે.”
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કલમ 370નો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન કરવાનો હતો.
આતંકવાદનો સામનો કરવા સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલાઓ
તેમણે કહ્યું હતું કે, “આપણા પડોશી દેશે આપણી સાથે ત્રણ યુદ્ધ કર્યા છે, પણ આપણી સેનાએ તમામ યુદ્ધમાં એને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. હવે એ આપણી સાથે પ્રોક્સિ-યુદ્ધ કરી રહ્યો છે અને આપણા હજારો નાગરિકોએ તેમાં પોતાના જીવ ગુમાવ્યા છે.”
તેમણે જણાવ્યું હતું કે, “પણ આ સમસ્યાનું સમાધાન કરવા અગાઉ કેવો વિચાર કરવામાં આવ્યો હતો. એને કાયદા અને વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવામાં આવતી હતી.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમસ્યાઓને લટકતી રાખવી અને સુરક્ષા દળોને કામગીરી કરવાની ક્યારેય તક આપવામાં આવી નહોતી.
તેમણે જણાવ્યું હતું કે, “અત્યારે ભારત યુવા વિચારસરણી અને માનસિકતા સાથે પ્રગતિનાં માર્ગે અગ્રેસર છે એટલે દેશ આતંકવાદીઓની છાવણી પર સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલો અને સીધો હુમલો કરવા સક્ષમ બન્યો હતો.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કામગીરીનાં પરિણામો એ આવ્યું છે કે, આજે દેશમાં સંપૂર્ણ શાંતિ છે અને આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક:
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કેટલાંક લોકો દેશનાં શહીદો માટે સ્મારક ઇચ્છતાં નહોતાં.
તેમણે જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોનું નૈતિક બળ વધારવાને બદલે તેમના સન્માનને ઠેસ પહોંચાડવાના પ્રયાસો થયા હતા.”
તેમણે જણાવ્યું હતું કે, યુવા ભારતની ઇચ્છાને પગલે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ થયું હતું.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખી દુનિયાની સેના પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને પાયદળ, નૌકાદળ અને વાયુદળનાં સંકલન પર વધારે ભાર મૂકવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, આ દિશામાં ઘણા દાયકાઓથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) માટેની માગ થઈ હતી, પણ કમનસીબે નિર્ણય લેવાની ક્ષમતા ન હોવાથી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો.
તેમણે જણાવ્યું હતું કે, યુવાન વિચારસરણી અને માનસિકતાથી પ્રેરિત થઈને સરકારે સીડીએસની નિમણૂક કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, “સીડીએસનું પદ ઊભું કરીને અને સીડીએસની નિમણૂક અમારી સરકારે કરી દેખાડી છે.”
રાફેલ – આગામી પેઢીનાં લડાયક વિમાનનો સેનામાં પ્રવેશ
સૈન્ય દળોનાં આધુનિકીકરણ અને ટેકનિકલ અપગ્રેડેશનનાં મુદ્દા પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ દેશને પ્રેમ કરે છે, એ પોતાનાં દેશનાં સૈન્ય દળોને અદ્યતન બનાવવા અને ઉન્નત કરવા ઇચ્છે છે.
પછી તેમણે ટીકા કરી હતી કે, ભારતીય વાયુદળ 30 વર્ષ પછી પણ એક પણ અદ્યતન લડાયક વિમાનની ખરીદી કરી શક્યું નહોતું.
તેમણે કહ્યું હતું કે, “આપણાં વિમાનો જૂનાં અને અકસ્માતનું જોખમ ધરાવતા હતાં, આપણાં સૈનિક પાયલોટો શહીદ થતાં હતાં.”
તેમણે કહ્યું હતું કે, “અમે ત્રણ દાયકાથી વિલંબમાં રહેલું કામ પૂર્ણ કરી શક્યાં છીએ. અત્યારે મને ખુશી છે કે, ત્રણ દાયકા સુધી રાહ જોયા પછી ભારતીય વાયુદળ ભવિષ્યનું લડાયક વિમાન રાફેલની ખરીદી શક્યું છે.”