પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુકેના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જહોનસન સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રી જહોનસને આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારતના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ યુકેમાં પ્રવર્તિત બદલાયેલ કોવિડ-19 પરિસ્થિતના સંદર્ભને ધ્યાનમાં લેતા તેમાં ભાગ લેવાની અસમર્થતા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવા માટે તેમની ઉત્સુકતા દાખવી હતી.
પ્રધાનમંત્રીએ યુકેની અપવાદરૂપ પરિસ્થિતિ અંગેની પોતાની સમજદારી વ્યક્ત કરી અને રોગચાળો ફેલાતો અટકાવવા ઝડપી નિયંત્રણ માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે પરિસ્થિતિને સામાન્ય થયા પછી વહેલી તકે ભારતમાં પ્રધાનમંત્રી જહોનસનને આવકારવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
નેતાઓએ બંને દેશો વચ્ચે વર્તમાન સહકાર અંગેની સમીક્ષા કરી, જેમાં વિશ્વ માટે કોવિડ-19 રસીઓ ઉપલબ્ધ કરાવવાના ક્ષેત્રનો સમાવેશ થાય છે. તેઓએ BREXIT પછીના, કોવિડ પછીના સંદર્ભમાં ભારત-યુકેની ભાગીદારીની સંભાવના અંગેની તેમની સહિયારી માન્યતાને પુનરાવર્તિત કરી અને આ સંભાવનાને સાકાર કરવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા તરફ કામ કરવા સંમત થયા.