પ્રધાનમંત્રી 13 ઓગસ્ટ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” એટલે કે પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિકને સન્માન માટે પ્લેટફોર્મનો શુભારંભ કરશે.
છેલ્લાં થોડાં વર્ષોમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી)એ પ્રત્યક્ષ કરવેરાના ક્ષેત્રમાં કેટલાંક મુખ્ય કરવેરા સુધારા હાથ ધર્યા છે. ગત વર્ષે કોર્પોરેટ કરવેરાનો દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો હતો અને નવા ઉત્પાદન એકમો માટે આ દર ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યાં હતાં. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્ષ (લાભાંશ વિતરણ વેરો – ડીડીટી) પણ દૂર કરવામાં આવ્યો હતો.
કરવેરામાં સુધારાનું કેન્દ્ર કરવેરાના દરમાં ઘટાડો અને પ્રત્યક્ષ કરવેરા સાથે સંબંધિત કાયદાઓનું સરળીકરણ રહ્યું છે. સીબીડીટીએ આવકવેરા વિભાગની કામગીરીમાં પારદર્શકતા લાવવા અને એની કાર્યદક્ષતા વધારવા કેટલાક અગ્રીમ પગલાં પણ હાથ ધર્યા છે. એમાં નવેસરથી પ્રસ્તુત થયેલો ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (ડીઆઇએન) દ્વારા અધિકૃત સંચારમાં વધારે પારદર્શકતા લાવવાની બાબત સામેલ છે, જેમાં વિભાગના દરેક સંચારમાં કમ્પ્યુટર જનરેટેડ યુનિક ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર સામેલ હશે. એ જ રીતે કરદાતાઓ માટે નીતિનિયમોનાં પાલનની સરળતા વધારવા આવકવેરા વિભાગ વ્યક્તિગત કરદાતાઓ માટે નીતિનિયમોના અનુપાલનને વધારે સુવિધાજનક બનાવવા આવકવેરા રિટર્ન્સની પ્રીફિલિંગ સાથે આગળ વધ્યો છે. સ્ટાર્ટઅપ્સ માટે નીતિનિયમોના અનુપાલનને પણ સરળ કરવામાં આવ્યું છે.
કરવેરા સંબંધિત અનિર્ણિત ચુકાદાઓનું સમાધાન લાવવા આવકવેરા વિભાગે પ્રત્યક્ષ કરવેરા ‘વિવાદ સે વિશ્વાસ ધારો, 2020’ પણ પસાર કર્યો છે, જે અંતર્ગત અત્યારે વિવાદોના સમાધાન માટે જાહેરાતો ફાઇલ થાય છે. કરદાતાઓની ફરિયાદો/દાવાઓ અડચણો અસરકારક રીતે ઘટાડવા વિવિધ અપીલેટ અદાલતોમાં વિભાગીય અપીલો દાખલ કરવા માટે નાણાંને લગતી લઘુતમ મર્યાદા વધારવામાં આવી છે. ડિજિટલ નાણાકીય વ્યવહારો અને ચુકવણીના નાણાકીય માધ્યમોને પ્રોત્સાહન આપવા કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. આવકવેરા વિભાગ આ પ્રકારની વિવિધ પહેલને આગળ વધારવા કટિબદ્ધ છે તથા રિટર્ન્સ ભરવા માટે કાયદેસર સમયમર્યાદા લંબાવીને કોવિડ સમયગાળા દરમિયાન કરદાતાઓ માટે સરળ સુવિધા આપવા માટે પ્રયાસરત છે તેમજ કરદાતાઓના હાથમાં તરલતા વધારવા ઝડપથી રિફંડ આપવાની દિશામાં પણ કાર્યરત છે.
પ્રધાનમંત્રી દ્વારા ટ્રાન્સપરન્ટ “ટેક્ષેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” માટે પ્લેટફોર્મની શરૂઆત પ્રત્યક્ષ કરવેરા સાથે સંબંધિત સુધારાઓને વધુ આગળ વધારશે.
આ કાર્યક્રમમાં આવકવેરા વિભાગના અધિકારીઓ ઉપરાંત વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી સંગઠનો, ચાર્ટર્ડ એકાઉન્ટનાં સંગઠનો અને પ્રસિદ્ધ કરદાતાઓ સામેલ થશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.