પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે કોરિયા પ્રજાસત્તાકના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ યુન સુક-યોલ સાથે ફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કોરિયા પ્રજાસત્તાકની તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહામહિમ યુનને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.
નેતાઓ ખાસ કરીને વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં ભારત-કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવવાના મહત્વ પર સહમત થયા હતા. તેઓએ ત્વરિત દ્વિપક્ષીય સહકારની સંભાવનાઓ પ્રદાન કરતા વિવિધ ક્ષેત્રોની ચર્ચા કરી અને આ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા.
નેતાઓએ આવતા વર્ષે ભારત અને કોરિયા પ્રજાસત્તાક વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠની સંયુક્ત રીતે ઉજવણી કરવાની તેમની ઈચ્છા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ મહામહિમ યુનને વહેલી તકે તેમની અનુકૂળતાએ ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.