જી7 શિખર મંત્રણાના બીજા દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિલ્ડિંગ બેક ટુગેધર - ઓપન સોસાયટીઝ અને ઇકોનોમિઝ તથા બિલ્ડિંગ બેક ગ્રીનરઃ આબોહવા અને કુદરત એમ બે ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો.
મુક્ત સમાજ પરના સત્રમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરાયેલા પ્રધાનમંત્રીએ લોકશાહી અને સ્વતંત્રતા ભારતના નાગરિકતંત્રના ભાગ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુક્ત સમાજ ખાસ કરીને સાયબર હુમલા અને દુષ્પ્રચાર માટે જોખમી છે તેવી કેટલાક નેતાઓએ વ્યક્ત કરેલી ચિંતાને તેમણે શેર કરી હતી અને સાયબરસ્પેસ લોકશાહીના મૂલ્યોને આગળ ધપાવવા અને તેને નાબૂદ નહીં કરવાની ખાતરી કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક સંચાલન સંસ્થાઓમાં પ્રવર્તતા બિનલોકશાહી અને અસંતુલનને હાઇલાઇટ કરીને પ્રધાનમંત્રીએ બહુપક્ષિય પદ્ધતિમાં સુધારણાની હાકલ કરીને તેને મુક્ત સમાજના હેતુ માટે પ્રતિબદ્ધતા તરફની શ્રેષ્ઠ નિશાની ગણાવી હતી. બેઠકને અંતે વૈશ્વિક નેતાઓએ મુક્ત સમાજના મુસદ્દાને આવકાર્યો હતો.
આબોહવા પરિવર્તન પરના સત્રમાં પ્રધાનમંત્રીએ દેશો દ્વારા પૃથ્વી પરના હવામાન, જૈવવિવિધતા અને સમૂદ્રને રક્ષણ આપતા નથી તે મુદ્દા પર ભાર મૂક્યો હતો અને આબોહવા પરિવર્તન માટે સહિયારા પગલાની હાકલ કરી હતી. આબોહવા પરિવર્તન અંગે ભારતની અડગ પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ 2030 સુધીમાં નેટ ઝીરો સ્ત્રાવ હાંસલ કરવાની ભારતીય રેલવેની વચનબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત એવો એકમાત્ર જી 20 દેશ છે જે પેરિસ વચન પર આગળ ધપી રહ્યો છે. તેમણે બે મોટી વૈશ્વિક પહેલમાં ભારતની અસરકારક સફળતામાં થઈ રહેલા વધારાની પણ નોંધ લીધી હતી જેમાં સીડીઆરઈ અને ઇન્ટરનેશનલ સોલાર સમજૂતીનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે વિકસતા દેશોને ક્લાઇમેટ ફાઇનાન્સની જરૂર છે અને સમસ્યાના નિરાકરણ, પરિવર્તન, ટેકનોલોજી ટ્રાન્સફર, ક્લાઇમેટ ફાઇનાન્સ, સમાનતા, ક્લાઇમેટ ન્યાય અને જીવનશૈલીમાં પરિવર્તન જેવા તમામ પરિબળોને આવરી લેતા મુદ્દાઓ પ્રત્યે સાકલ્યવાદી વલણ અપનાવવાની જરૂરિયાત માટે હાકલ કરી હતી.
આરોગ્ય, આબોહવા પરિવર્તન અને આર્થિક સુધારણા સામેના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ખાસ કરીને મુક્ત તથા લોકશાહી સમાજ અને અર્થતંત્ર સહિત વૈશ્વિક એકતા અને અખંડિતતા અંગેના પ્રધાનમંત્રીના સંદેશને શિખર મંત્રણામાં ઉપસ્થિત વૈશ્વિક આગેવાનોએ વધાવી લીધો હતો.