પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ અને નવા દાયકાની તેમની પ્રથમ ‘મન કી બાત’માં ‘ગગનયાન’ મિશન અંગે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું કે વર્ષ2022માં ભારત સ્વતંત્રતાનું 75મું વર્ષ ઉજવશે ત્યારે દેશ‘ગગનયાન’ મારફતેઅંતરિક્ષમાં કોઇ ભારતીયને પહોંચાડવાનાં પોતાના સંકલ્પને પૂર્ણ કરશે.
તેમણે કહ્યું કે, “21મી સદીમાં ભારત માટે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે ગગનયાન મિશન ઐતિહાસિક સિદ્ધિ હશે. તે નવા ભારત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.”
પ્રધાનમંત્રીએ ભારતીય વાયુસેનાના ચાર પાઇલોટની પ્રશંસા કરી હતી જેમને મિશન માટે અંતરિક્ષયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને રશિયામાં તેમની આગામી તાલીમ થવાની છે.
“આ આશાસ્પદ યુવાનો ભારતની કુશળતા, પ્રતિભા, ક્ષમતા, હિંમત અને સપનાનું પ્રતીક છે. આપણા ચાર મિત્રો તેમની તાલીમ માટે થોડા દિવસોમાં રશિયા જવાના છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારત-રશિયાની મિત્રતા અને સહયોગના એક નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એક વર્ષ સુધી તેમની તાલીમ બાદ તેઓ રાષ્ટ્રની આશા અને આકાંક્ષાઓ વહન કરવાની અને અંતરિક્ષમાં આગળ વધવાની જવાબદારી માટે તૈયાર થશે.
તેમણે કહ્યું, “પ્રજાસત્તાક દિનના શુભ પ્રસંગે હું આ ચાર યુવાનો અને આ મિશન સાથે સંકળાયેલા ભારતીય અને રશિયન વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન પાઠવું છું.”