હું 21 થી 27 સપ્ટેમ્બર, 2019 સુધી (યુએસએ)ની મુલાકાત લેવાનો છું. હું હ્યુસ્ટનની મુલાકાત લઇશ અને પછી સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાના 74માં સત્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપવા ન્યૂયોર્ક જઇશ.
હ્યુસ્ટનમાં હું અમેરિકાની અગ્રણી ઊર્જા કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક કરીશ. આ બેઠકનો ઉદ્દેશ ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારીને વધારે ગાઢ બનાવવાનો છે. ઊર્જા પારસ્પરિક લાભદાયક સહકારનાં નવા ક્ષેત્ર તરીકે વિકસ્યું છે અને આપણા દ્વિપક્ષીય સંબંધનું મહત્ત્વપૂર્ણ પાસું ઝડપથી બન્યું છે.
હ્યુસ્ટનમાં હું ભારતીય-અમેરિકન સમુદાયને મળવા અને તેમને સંબોધવા આતુર છું. અમેરિકામાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં તેમની સફળતા, તેમનું પ્રદાન, ભારત સાથે તેમનો ગાઢ નાતો અને બંને લોકશાહી દેશો વચ્ચે સેતરૂપ બનવામાં તેમની ભૂમિકા આપણા માટે ગર્વની વાત છે. આ ભારતીય સમુદાય માટે મહાન ગર્વની વાત છે અને મારાં માટે આનંદની વાત છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને સમુદાયને સંબોધન કરવામાં મારી સાથે જોડાશે. ભારતીય સમુદાયનાં કોઈ પણ કાર્યક્રમમાં મારી સાથે અમેરિકાનાં રાષ્ટ્રપતિ પહેલી વાર ઉપસ્થિત રહેશે અને તેમનાં સુધી આપણી પહોંચ વધારવામાં નવું સીમાચિહ્ન બની રહેશે.
જ્યારે હ્યુસ્ટનમાં મને વિવિધ ભારતીય-અમેરિકન સમુદાયનાં જુદાં-જુદાં જૂથો સાથે આદાનપ્રદાન કરવાની તક મળશે, ત્યારે સાથે-સાથે મને તેમનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ મળવાનો મોકો મળશે.
હું ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં વિવિધ મોટાં કાર્યક્રમોમાં સહભાગી થઈશ. વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્રનાં સ્થાપક સભ્ય તરીકે ભાગીદાર રાષ્ટ્ર હોવાથી ભારતે શાંતિ અને સુરક્ષાને આગળ ધપાવવા બહુધ્રુવીય સત્તાની પ્રતિબદ્ધતા સતત દર્શાવી છે તથા આર્થિક વૃદ્ધિ અને દુનિયામાં વિકાસને પ્રોત્સાહન આપવા અગ્રેસર છીએ.
ચાલુ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાનાં 74મા સત્રની થીમ “ગરીબીની નાબૂદી કરવી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આબોહવામાં પરિવર્તન અને સમાવેશીતા માટે વિવિધ પ્રયાસોનાં સમન્વય” છે. અત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે – જેમાં વૈશ્વિક અર્થતંત્રની મંદી, દુનિયાનાં ઘણાં દેશોમાં રાજકીય અસ્થિરતા અને તણાવની સ્થિતિ, આતંકવાદમાં વૃદ્ધિ અને પ્રસાર, જળવાયુ પરિવર્તન અને ગરીબીનો સતત વૈશ્વિક પડકાર સામેલ છે. આ તમામ પડકારોનો સામનો કરવા વૈશ્વિક કટિબદ્ધતા અને સહિયારી બહુસ્તરીય કામગીરીની જરૂર છે. હું બહુધ્રુવીય દુનિયાનાં નિર્માણ માટે સુધારો કરવા આપણી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીશ, જે જરૂરી, અસરકારક અને સમાવેશક છે તેમજ તેમાં ભારત એની ઉચિત ભૂમિકા ભજવે છે.
સંયુક્ત રાષ્ટ્રનાં કાર્યક્રમોમાં મારી ભાગીદારી હોવા છતાં હું સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકો (એસડીજી) પૂર્ણ કરવામાં આપણી સફળતા પ્રદર્શિત કરીશ. 23મી સપ્ટેમ્બરે ક્લાઇમેટ એક્શન સમિટમાં હું આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકો અને આપણી આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતાઓને સુસંગત જળવાયુ પરિવર્તન કરવા ભારતની મજબૂત કામગીરી દેખાડીશ.
એ જ રીતે સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ પર સંયુક્ત રાષ્ટ્રનાં કાર્યક્રમમાં હું આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સફળતા વહેંચવા આતુર છું, જેમાં આપણે આયુષ્માન ભારત સહિત ઘણી પહેલો દ્વારા જરૂરિયાતમંદો માટે આરોગ્ય સુવિધાઓ પહોંચાડી છે.
ભારત મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવા સંયુક્ત રાષ્ટ્રનાં એક કાર્યક્રમનું આયોજન પણ કરશે, જે હાલની દુનિયામાં ગાંધીવાદી વિચારો અને મૂલ્યોની સતત પ્રસ્તુતતા પર ભાર મૂકશે. આ પ્રસંગે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા અને તેમનાં સંદેશનું મહત્ત્વ દર્શાવવા સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સહિત કેટલાંક દેશો અને સરકારોનાં વડા ઉપસ્થિત રહેશે.
હું યુએનજીએની સાથે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ અને અન્ય દેશોનાં આગેવાનો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજીશ. પહેલી વાર ભારત પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં આગેવાનો સાથે નેતૃત્વ સ્તરની વાટાઘાટો કરશે અને યુએનજીએની સાથે કેરિકોમ ગ્રૂપનાં આગેવાનો સાથે બેઠકો કરશે. આ આપણા સાઉથ-સાઉથ સહકાર અને તેમની સાથે ભાગીદારીને આગળ વધારશે.
હું હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા આતુર છું. અમે બંને દેશો અને લોકોને વધારે લાભ આપવા આપણા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીશું. આપણા રાષ્ટ્રીય વિકાસ માટે અમેરિકા મહત્ત્વપૂર્ણ પાર્ટનર છે, જે શિક્ષણ, કૌશલ્ય, સંશોધન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં ભાગીદારીની પ્રચૂર સંભવિતતા ધરાવે છે તેમજ આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં ભારત માટે સક્ષમ છે. સહિયારા મૂલ્યો, પારસ્પરિક હિતો અને પૂરક ક્ષમતાઓ વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીઓ માટે સ્વાભાવિક ભાગીદારીનો પાયો છે. સંયુક્તપણે કામ કરવાથી આપણે વધારે શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, ટકાઉ અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરવામાં યોગદાન આપી શકીએ.
મારી મુલાકાતનાં ન્યૂયોર્ક તબક્કામાં અમેરિકા સાથે આપણા દ્વિપક્ષીય સંબંધોનાં મહત્ત્વપૂર્ણ પાસાંને પણ આવરી લેવામાં આવશે. હું બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમનાં સમાપન સમારંભમાં પ્રારંભિક સંબોધન કરવા આતુર છું તેમજ અમેરિકન બિઝનેસ લીડરને ભારતની આર્થિક વૃદ્ધિ અને પરિવર્તનની સફરમાં વધારે સહભાગી બનવા આમંત્રણ આપીશ. અહીં બિલ અને મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનો ગ્લોબલ ગોલકીપર્સ ગોલ્સ એવોર્ડ 2019થી મારું સન્માન કરવામાં આવશે.
મને વિશ્વાસ છે કે, મારી મુલાકાતથી ભારત પ્રચૂર તકો ધરાવતાં, વિશ્વસનિય ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વ ધરાવતા દેશ તરીકે પ્રસ્તુત થશે તેમજ અમેરિકા સાથે આપણા સંબંધોને નવી ઊર્જા આપવામાં પણ મદદરૂપ થશે.