મહાનુભાવો,
અમે વૈશ્વિક તણાવના વાતાવરણ વચ્ચે મળી રહ્યા છીએ. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ અમે વાતચીત અને કૂટનીતિના માર્ગ માટે સતત વિનંતી કરી છે. આ ભૌગોલિક રાજકીય તણાવની અસર માત્ર યુરોપ સુધી મર્યાદિત નથી. ઊર્જા અને અનાજની વધતી કિંમતો તમામ દેશોને અસર કરી રહી છે. વિકાસશીલ દેશોની ઊર્જા અને સુરક્ષા ખાસ કરીને જોખમમાં છે. આ પડકારજનક સમયમાં ભારતે જરૂરિયાતમંદ ઘણા દેશોને અનાજ પૂરું પાડ્યું છે. અમે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય તરીકે લગભગ 35,000 ટન ઘઉં મોકલ્યા છે. અને ત્યાં ભારે ધરતીકંપ પછી પણ ભારત રાહત સામગ્રી પહોંચાડનાર પ્રથમ દેશ હતો. અમે અમારા પાડોશી શ્રીલંકાને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મદદ કરી રહ્યા છીએ.
વૈશ્વિક ખાદ્ય સુરક્ષાના વિષય પર મારી પાસે કેટલાક સૂચનો છે. સૌ પ્રથમ, આપણે ખાતરોની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને વૈશ્વિક સ્તરે ખાતરોની વેલ્યુ ચેઈનને સરળ રાખવી જોઈએ. અમે ભારતમાં ખાતરનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ સંબંધમાં G7-દેશો પાસેથી સહયોગ માગીએ છીએ. બીજું, G7 દેશોની સરખામણીમાં ભારત પાસે પુષ્કળ કૃષિ માનવશક્તિ છે. ભારતીય કૃષિ કૌશલ્યએ G7ના કેટલાક દેશોમાં ચીઝ અને ઓલિવ જેવા પરંપરાગત કૃષિ ઉત્પાદનોને નવું જીવન આપવામાં મદદ કરી છે. શું G7 તેના સભ્ય દેશોમાં ભારતીય કૃષિ પ્રતિભાના વ્યાપક ઉપયોગ માટે સંરચિત સિસ્ટમ બનાવી શકે છે? ભારતના ખેડૂતોની પરંપરાગત પ્રતિભાની મદદથી G7 દેશોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
આવતા વર્ષે, વિશ્વ બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે આપણે બાજરી જેવા પૌષ્ટિક વિકલ્પને પ્રોત્સાહન આપવાનું અભિયાન ચલાવવું જોઈએ. વિશ્વમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં બાજરો અમૂલ્ય ફાળો આપી શકે છે. અંતે, હું ભારતમાં થઈ રહેલી 'કુદરતી ખેતી' ક્રાંતિ તરફ તમારા બધાનું ધ્યાન દોરવા માગું છું. તમારા નિષ્ણાતો આ પ્રયોગનો અભ્યાસ કરી શકે છે. અમે તમારા બધા સાથે આ વિષય પર નોન-પેપર શેર કર્યું છે.
મહાનુભાવો,
જ્યાં લિંગ સમાનતાનો સંબંધ છે, આજે ભારતનો અભિગમ 'મહિલા વિકાસ'થી 'મહિલાના નેતૃત્વમાં વિકાસ' તરફ આગળ વધી રહ્યો છે. 60 લાખથી વધુ ભારતીય મહિલા ફ્રન્ટલાઈન વર્કરોએ રોગચાળા દરમિયાન અમારા નાગરિકોને સુરક્ષિત રાખ્યા હતા. અમારા મહિલા વૈજ્ઞાનિકોએ ભારતમાં રસી અને ટેસ્ટ કીટ વિકસાવવામાં મોટું યોગદાન આપ્યું છે. ભારતમાં 10 લાખથી વધુ મહિલા સ્વયંસેવકો ગ્રામીણ આરોગ્ય પ્રદાન કરવામાં સક્રિય છે, જેમને આપણે 'આશા કાર્યકરો' કહીએ છીએ. ગયા મહિને જ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ભારતીય આશા કાર્યકરોને તેના '2022 ગ્લોબલ લીડર્સ એવોર્ડ'થી સન્માનિત કર્યા.
જો ભારતમાં સ્થાનિક સરકારથી લઈને રાષ્ટ્રીય સરકાર સુધીના તમામ ચૂંટાયેલા નેતાઓની ગણતરી કરવામાં આવે તો તેમાંથી અડધાથી વધુ મહિલાઓ છે અને કુલ સંખ્યા લાખોમાં હશે. આ દર્શાવે છે કે ભારતીય મહિલાઓ આજે વાસ્તવિક નિર્ણય લેવામાં સંપૂર્ણ રીતે સામેલ છે. આવતા વર્ષે ભારત G20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. અમે G20 પ્લેટફોર્મ હેઠળ પોસ્ટ-COVID પુનઃપ્રાપ્તિ સહિત અન્ય મુદ્દાઓ પર G7-દેશો સાથે ગાઢ સંવાદ જાળવીશું.
આભાર.