મહાનુભાવો,
દુર્ભાગ્યવશ, એવું માનવામાં આવે છે કે દુનિયાના વિકાસલક્ષી ધ્યેયો અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે જડમૂળમાંથી ટકરાવ છે. બીજી એક ગેરસમજ એવી પણ છે, કે ગરીબ દેશો અને ગરીબ લોકો પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે. પરંતુ, ભારતનો હજારો વર્ષથી વધુ જૂનો ઇતિહાસ આ દૃષ્ટિકોણને સંપૂર્ણપણે રદિયો આપે છે. પ્રાચીન ભારતે અપાર સમૃદ્ધિનો સમય જોયો છે; પછી અમે સદીઓ સુધી ગુલામીનો સમય પણ સહન કર્યો છે અને હવે સ્વતંત્ર ભારત આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું મોટું અર્થતંત્ર છે. પરંતુ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને એક અંશે પણ મંદ થવા દીધી નથી. દુનિયાની 17% વસ્તી ભારતમાં વસે છે. પરંતુ, વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં અમારું યોગદાન માત્ર 5% છે. તેની પાછળનું મુખ્ય કારણ અમારી જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વના સિદ્ધાંત પર આધારિત છે.


આપ સૌ આ વાત સાથે પણ સંમત હશો કે ઊર્જાની પહોંચ માત્ર અમીર વર્ગનો વિશેષાધિકાર ન હોવો જોઇએ - ગરીબ પરિવારનો પણ ઊર્જા પર સમાન માત્રામાં અધિકાર છે. અને, આજે જ્યારે ભૂ-રાજકીય તણાવપૂર્ણ સ્થિતિના કારણે ઊર્જાનો ભાવ આસમાને પહોંચી ગયો છે ત્યારે, આ વાત યાદ રાખવી વધુ મહત્વની છે. આ સિદ્ધાંતમાંથી પ્રેરણા લઇને, અમે ભારતમાં LED બલ્બ અને સ્વચ્છ રાંધણ ગેસ ઘરે-ઘરે પહોંચાડ્યા અને બતાવી દીધું છે કે, ગરીબો માટે ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને લાખો ટન કાર્બન ઉત્સર્જન બચાવી શકાય છે.


અમારાં પ્રદર્શન પરથી આપણી આબોહવાને લગતી કટિબદ્ધતાઓ પ્રત્યેનું અમારું સમર્પણ સ્પષ્ટ થાય છે. અમે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ વહેલા બિન-અશ્મિભૂત સ્રોતોમાંથી 40 ટકા ઊર્જા-ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતાં 5 મહિના વહેલા પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

ભારતમાં દુનિયાનું સૌથી પહેલું સંપૂર્ણપણે સૌર ઊર્જાથી સંચાલિત હવાઇમથક છે. ભારતની વિરાટ રેલવે સિસ્ટમ આ દાયકામાં નેટ ઝીરો બની જશે.


મહાનુભાવો,
જ્યારે ભારત જેવો મોટો દેશ આવી મહત્વાકાંક્ષાઓ બતાવે ત્યારે, અન્ય વિકાસશીલ દેશોને પણ પ્રેરણા મળે છે. અમને આશા છે કે, ભારતના પ્રયાસોને G-7ના સમૃદ્ધ દેશો સમર્થન આપશે. આજે ભારતમાં સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીઓનું વિશાળ બજાર ઉભરી રહ્યું છે. G-7 દેશો આ ક્ષેત્રમાં સંશોધન, આવિષ્કાર અને ઉત્પાદનમાં રોકાણ કરી શકે છે. ભારત દરેક નવી ટેકનોલોજી માટે જે વ્યાપકતા પ્રદાન કરી શકે છે તે સમગ્ર દુનિયા માટે ટેકનોલોજીને પરવડે તેવી બનાવી શકે છે. પરીઘીય અર્થતંત્રના મુખ્ય સિદ્ધાંતો ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ છે.


મેં ગયા વર્ષે ગ્લાસગોમાં LIFE – લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ- નામની એક ઇવેન્ટનું આહ્વાન કર્યું હતું. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, અમે LiFE અભિયાન માટે વૈશ્વિક પહેલની શરૂઆત કરી છે. આ અભિયાનનો ધ્યેય પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો છે. આપણે આ ચળવળના અનુયાયીઓને આપણે ટ્રિપલ-પી એટલે કે ‘પ્રો પ્લેનેટ પીપલ’ કહી શકીએ છીએ અને આપણા પોતાના દેશોમાં ટ્રિપલ-પી લોકોની સંખ્યા વધારવાની જવાબદારી આપણે બધાએ લેવી જોઇએ. આવનારી પેઢીઓ માટે આ આપણું સૌથી મોટું યોગદાન હશે.


મહાનુભાવો,
માણસ અને ગ્રહનું આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. આથી, અમે એક વિશ્વ, એક આરોગ્યનો અભિગમ અપનાવ્યો છે. મહામારી દરમિયાન, ભારતે આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સંખ્યાબંધ રચનાત્મક રીતો શોધી કાઢી હતી. આ આવિષ્કારોને અન્ય વિકાસશીલ દેશો સુધી લઇ જવામાં G7 દેશોએ ભારતને ઘણી મદદ કરી શકે છે. તાજેતરમાં આપણે સૌએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. કોવિડ કટોકટીના સમય દરમિયાન, આખી દુનિયામાં યોગ લોકો માટે નિવારાત્મક સ્વાસ્થ્ય માટેનું એક ઉત્તમ સાધન બની ગયું છે, આનાથી ઘણા લોકોને તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી છે.


યોગ ઉપરાંત, ભારત સહિત દુનિયાના સંખ્યાબંધો દેશોમાં પરંપરાગત દવાઓની મૂલ્યવાન સંપત્તિ છે, જેનો ઉપયોગ સર્વગ્રાહી આરોગ્ય માટે કરી શકાય છે. તાજેતરમાં WHO દ્વારા ભારતમાં પરંપરાગત દવા માટે તેનું વૈશ્વિક કેન્દ્ર સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તે વાતની મને ઘણી ખુશી છે. આ કેન્દ્ર સમગ્ર દુનિયામાં વિવિધ પરંપરાગત દવાઓની પ્રણાલીઓનો ભંડાર બનવાની સાથે સાથે આ ક્ષેત્રમાં વધુ સંશોધનને પણ પ્રોત્સાહન આપશે. તેનાથી દુનિયાના સૌ નાગરિકોને લાભ મળશે.


આપનો આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature