યુકેના પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનના આમંત્રણને માન આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 અને 13મી જૂને વર્ચ્યુ્લ G7 શિખર મંત્રણામાં ભાગ લેશે. બ્રિટન હાલમાં જી-7નું પ્રમુખપદ સંભાળે છે અને તેમણે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા અને સાઉથ આફ્રિકાને જી-7ના આમંત્રિત દેશો તરીકે જી-7 શિખરમાં આમંત્રણ આપ્યું છે. આ બેઠક ઓનલાઇન માળખામાં યોજાશે.
આ વખતની મંત્રણાનો વિષય ‘બિલ્ડ બેક બેટર’ છે અને બ્રિટને તેના પ્રમુખપદ માટે ચાર પ્રાથમિક પાસાઓ નક્કી કર્યા છે. આ વિષયોમાં ભવિષ્યની મહામારીનો મજબૂતીથી સામનો કરવા માટે કોરોના વાયરસમાંથી વૈશ્વિક સ્વસ્થતા, મુક્ત અને વાજબી વેપારની ઝુંબેશ દ્વારા ભવિષ્યની સમૃદ્ધતાનો વિકાસને પ્રોત્સાહન આપવું, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને પૃથ્વીના જીવનમૂલ્યોનું રક્ષણ કરવું અને સમાજના સહિયારા મૂલ્યોનું રક્ષણ કરવા જેવા વિષયોનો સમાવેશ થાય છે. આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ શિખરમાં નેતાઓ કોરોનાની મહામારી સામે વૈશ્વિક સજ્જતા તરફ આગળ ધપવા અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરે તેવી સંભાવના છે.
આ એવો બીજો અવસર છે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી-7 શિખરમાં ભાગ લેશે. 2019માં જી-7 ફ્રેન્ચ પ્રેસિડેન્સી દ્વારા બાયરિટીઝ શિખરમાં ભારતને સદભાવના ભાગીદાર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીએ ‘આબોહવા, જૈવ વિવિધતા અને સમુદ્ર’ તથા ‘ડિજિટલ ક્રાંતિ’ અંગેના પરિસંવાદમાં ભાગ લીધો હતો.