સુપ્રભાત હ્યુસ્ટન,
સુપ્રભાત ટેક્સાસ,
સુપ્રભાત અમેરિકા,
ભારત અને સમગ્ર વિશ્વમાં મારા સાથી ભારતવાસીઓને મારા નમસ્કાર.
મિત્રો,
આજે સવારે આપણી સાથે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે. તેમને કોઇ પરિચયની જરૂર નથી. પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ તેમના નામથી સુપરિચિત છે.
વૈશ્વિક રાજનીતિ અંગે વિશ્વમાં લગભગ દરેક વાતચીતોમાં તેમનું નામ લેવામાં આવે છે. તેમના દરેક શબ્દને લાખો લોકો દ્વારા અનુસરવામાં આવે છે.
તે દરેક ઘરે-ઘરે ચર્ચાતું નામ છે અને આ મહાન દેશના સર્વોચ્ચ પદ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે તેમની જીત પહેલા પણ તે નામ ખૂબ જ લોકપ્રિય હતું.
સીઇઓથી કમાન્ડર-ઇન-ચીફ, ઓવલ ઓફિસના બોર્ડરૂમથી માંડીને, સ્ટુડિયોથી સમગ્ર વૈશ્વિક મંચ ઉપર, રાજનીતિથી અર્થતંત્રમાં અને સુરક્ષા સહિત દરેક ક્ષેત્ર ઉપર તેઓ ગાઢ અને મજબૂત પ્રભાવ ધરાવે છે.
આજે તેઓ અહીં આપણી સાથે છે. આ ભવ્ય સ્ટેડિયમ અને એકત્રિત થયેલા અદભૂત લોકો વચ્ચે અહીં હું તેમનું સ્વાગત કરતાં આદર અને ગૌરવ અનુભવું છું.
અને હું કહી શકું છું કે અવાર-નવાર જ્યારે મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ છે ત્યારે ત્યારે અને દરેક સમયે હું અમેરિકાના રાષ્ટ્રપતિ – શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા, ઉષ્મા અને ઉર્જા અનુભવુ છું.
આ અસામાન્ય છે, આ અભૂતપૂર્વ છે.
મિત્રો,
મે તમને જણાવ્યું તે મુજબ અમે જૂજ વખત મળ્યા છે અને દરેક સમયે તેઓ હંમેશની જેમ ઉષ્મા, મૈત્રીપૂર્ણ, સુલભતાથી ઉપલબ્ધ, ઉર્જાવાન અને ભરપૂર વિનોદવૃતિ ધરાવતા હતા.
તેમની નેતૃત્વની સમજશક્તિ, અમેરિકા માટે જૂસ્સો, દરેક અમેરિકન માટે ચિંતા, અમેરિકાના ભવિષ્યમાં વિશ્વાસ અને અમેરિકાને ફરી મહાન બનાવવાનો મજબૂત નિર્ધાર. અને તેઓ અમેરિકાના અર્થતંત્રને પહેલેથી ફરી વખત મજબૂત બનાવી ચૂક્યાં છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણી બધી સિદ્ધીઓ મેળવી છે.
મિત્રો,
અમે ભારતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારી રીતે જોડાયેલા છીએ. ઉમેદવાર ટ્રમ્પના શબ્દો – અબકી બાર ટ્રમ્પ સરકાર જોરશોરથી અને સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે અને વ્હાઇટ હાઉસમાં તેમની ઉજવણી લાખો ચહેરાઓને આનંદ અને પ્રસન્નતાથી ચમકાવી દે છે.
હું જ્યારે તેમને પ્રથમ વખત મળ્યો હતો ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે, ‘ભારત વ્હાઇટ હાઉસનું સાચું મિત્ર છે.’ આજે તમારી અહીં હાજરી તે વાતનો પુરાવો આપે છે.
તાજેતરના વર્ષોમાં આપણાં બે દેશો સંબંધોને નવી ઊંચાઇ પર લઇ ગયા છે. મિ. પ્રેસિડન્ટ હ્યુસ્ટનમાં આ સવારે તમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહીની આ ઉજવણીમાં આ મહાન ભાગીદારીના ધબકારા સાંભળી શકો છો.
તમે આપણાં બે મહાન રાષ્ટ્રો વચ્ચે માનવીય જોડાણની તાકાત અને ઊંડાણ અનુભવી શકો છો. હ્યુસ્ટનથી હૈદરાબાદ, બોસ્ટનથી બેંગલુરુ, શિકાગોથી શિમલા, લોસ એન્જલસથી લુધિયાણા, ન્યૂજર્સીથી નવી દિલ્હી દરેક સંબંધોમાં લોકો હૃદયસ્થાને બિરાજે છે.
ભારતમાં રવિવારની મોડી રાત હોવા છતાં અને સમગ્ર વિશ્વમાં અલગ-અલગ સમય ક્ષેત્રો હોવા છતાં લાખો લોકો તેમના ટીવી સામે બેઠેલા છે. તેઓ ઇતિહાસ સર્જાવાના સાક્ષી બની રહ્યાં છે.
મિ. પ્રેસિડન્ટ, 2017માં તમે મને તમારા પરિવારનો પરિચય કરાવ્યો હતો અને આજે હું અબજો ભારતીય અને સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકો સમક્ષ તમારો પરિચય કરાવતા આદર અનુભવું છું.
દેવીઓ અને સજ્જનો, હું તમારી સમક્ષ પરિચય આપું છું મારા મિત્ર, ભારતના મિત્ર, મહાન અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ.