નમસ્કાર,
માનનીય અધ્યક્ષ મહોદય,
સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના 74માં સત્રને 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું, મારા માટે ગૌરવનો અવસર છે.
આ અવસર, એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ વર્ષે સંપૂર્ણ વિશ્વ મહાત્મા ગાંધીની એકસો પચાસમી જન્મ જયંતી ઉજવી રહ્યું છે. સત્ય અને અહિંસાનો તેમનો સંદેશ, વિશ્વની શાંતિ, પ્રગતિ અને વિકાસ માટે એ વિચારો આજે પણ પ્રાસંગિક છે.
અધ્યક્ષ મહોદય,
આ વર્ષે દુનિયાની સૌથી મોટી ચૂંટણી થઇ. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં, દુનિયામાં સૌથી વધુ લોકોએ મત આપીને, મને અને મારી સરકારને પહેલા કરતા વધુ મજબૂત જનાદેશ આપ્યો અને આ જનાદેશના કારણે જ આજે ફરીથી હું અહિં છું. પરંતુ આ જનાદેશથી નીકળેલો સંદેશ તેના કરતા પણ વધુ મોટો છે, વધુ વ્યાપક છે, વધુ પ્રેરક છે.
અધ્યક્ષ મહોદય,
જ્યારે એક વિકાસશીલ દેશ, વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા અભિયાનને સફળતાપૂર્વક સંપન્ન કરે છે, માત્ર 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને પોતાના દેશવાસીઓને આપે છે, તેઓસાથે બનેલી વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને એક પ્રેરક સંદેશ આપે છે. જ્યારે એક વિકાસશીલ દેશ, દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના સફળતાપૂર્વક ચલાવે છે, 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સુવિધા આપે છે, તો તેની સાથે બનેલ સંવેદનશીલ વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને એક નવો માર્ગ પ્રદર્શિત કરે છે.
જ્યારે એક વિકાસશીલ દેશ, દુનિયાના સૌથી મોટા નાણાકીય સમાવેશીતા કાર્યક્રમને સફળતાપૂર્વક ચલાવે છે, માત્ર 5વર્ષમાં 37 કરોડથી વધુ ગરીબોના બેંક ખાતા ખોલે છે તો તેની સાથે બનેલી વ્યવસ્થાઓ, આખી દુનિયાના ગરીબોમાં એક વિશ્વાસ ઉત્પન્ન કરે છે.
જ્યારે એક વિકાસશીલ દેશ, પોતાના નાગરિકોની માટે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ ઓળખ કાર્યક્રમ ચલાવે છે, તેમને બાયોમેટ્રિક ઓળખ આપે છે, તેમનો હક પાક્કો કરે છે, ભ્રષ્ટાચારને રોકીને આશરે 20 બિલીયન ડોલરથી વધુ બચાવે છે તો તેની સાથે બનેલી આધુનિક વ્યવસ્થાઓ, સમગ્ર દુનિયાની માટે એક નવી આશા બનીને આવે છે.
અધ્યક્ષ મહોદય,
મેં અહિં આવતી વખતે સંયુક્ત રાષ્ટ્રના ભવનની દિવાલ પર વાંચ્યું– નો મોર સિંગલ યુઝ પ્લાસ્ટિક. મને સભાને એ જણાવતા ખુશી થઈ રહી છે કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે હાલ અત્યારે પણ અમે આખા ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
આવનારા 5 વર્ષોમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીના પુરવઠા સાથે જોડવાના છીએ.
આવનારા 5 વર્ષોમાં અમે અમારા દૂર–સુદૂરના ગામડાઓમાં સવા લાખ કિલોમીટરથી વધુ નવા માર્ગો બનાવવા જઈ રહ્યા છીએ.
વર્ષ 2022, જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવશે, ત્યાં સુધી અમે ગરીબોની માટે 2 કરોડ વધુ ઘરોનું નિર્માણ કરવાના છીએ. વિશ્વએ ભલે ટીબીથી મુક્તિ માટે વર્ષ 20૩૦ સુધીનો સમય રાખ્યો હોય પરંતુ અમે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરાવવા માટે કામ કરી રહ્યા છીએ. સવાલ એ છે કે આખરે આ બધું અમે કઈ રીતે કરી શકીએ છીએ, આખરે નવા ભારતમાં બદલાવ ઝડપથી કઈ રીતે આવી રહ્યો છે?
અધ્યક્ષ મહોદય,
ભારત, હજારો વર્ષ જૂની એક મહાન સંસ્કૃતિ છે, જેની પોતાનીજીવંત પરંપરાઓ છે, જે વૈશ્વિક સપનાઓને પોતાની અંદર સમેટેલી છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ, જીવમાં શિવને જુએ છે. એટલા માટે અમારું પ્રાણતત્વ છે કે જન ભાગીદારી વડે જન કલ્યાણ થાય અને આ જન કલ્યાણ પણ માત્ર ભારતની માટે જ નહી જગ કલ્યાણની માટે હોય.
અને એટલે જ તો અમારી પ્રેરણા છે – સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ.
અને આ માત્ર ભારતની સીમાઓમાં જ મર્યાદિત નથી. અમારો પરિશ્રમ, ના તો દયા ભાવ છે અને ના તો દેખાડો. તે માત્ર અને માત્ર કર્તવ્ય ભાવથી પ્રેરિત છે. અમારો પ્રયાસ, 130 કરોડ ભારતીયોને કેન્દ્રમાં રાખીને થઇરહ્યો છે પરંતુ આ પ્રયાસ જે સપનાઓની માટે થઇ રહ્યો છે તેસમગ્ર વિશ્વના છે, દરેક દેશના છે, દરેક સમાજના છે. પ્રયાસ અમારા છે, પરિણામ બધાની માટે છે, સંપૂર્ણ સંસારની માટે છે. મારો આ વિશ્વાસ દિવસે ને દિવસે ત્યારે વધારે દ્રઢ થઇ જાય છે જ્યારે હું તે દેશો વિષે વિચારું છું, જેઓ વિકાસની યાત્રામાં ભારતની જેમ જ પોત–પોતાના સ્તર પર પ્રયાસો કરી રહ્યા છે.
જ્યારે હું તે દેશોના સુખ–દુઃખ સાંભળું છું, તેમના સપનાઓથી પરિચિત થાઉં છું, ત્યારે મારો આ સંકલ્પ વધારે પાક્કો બની જાય છે કે હું મારા દેશનો વિકાસ હજુ વધારે ઝડપી ગતિએ કરું જેથી ભારતના અનુભવ તે દેશોના પણ કામમાં આવી શકે.
અધ્યક્ષ મહોદય,
આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વે, ભારતના મહાન કવિ, કણીયન પુંગુન્દ્રનારે વિશ્વની પ્રાચિનતમ ભાષા તમિલમાં કહ્યું હતું – “યાદુમ ઉરે, યાવરૂમ કેડીર”.
એટલે કે
“આપણે બધા સ્થાનોની માટે પોતાનાપણાનો ભાવ રાખીએ છીએ અને બધા જ લોકો આપણા પોતાના છે.”
દેશની સીમાઓથી પરે, પોતાનાપણાની આ જ ભાવના, ભારત ભૂમિની વિશેષતા છે. ભારતે વીતેલા પાંચ વર્ષોમાં, સદીઓથી ચાલતી આવેલી વિશ્વ બંધુત્વ અને વિશ્વ કલ્યાણની તે મહાન પરંપરાને મજબૂત કરવાનું કામ કર્યું છે, જે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાનું પણ ધ્યેય રહી છે. ભારત જે વિષયોને સંબોધી રહ્યો છે, જે નવા વૈશ્વિક મંચોના નિર્માણની માટે ભારત આગળ આવ્યું છે, તેનો આધાર વૈશ્વિક પડકારો છે, વૈશ્વિક વિષય છે અને ગંભીર સમસ્યાઓના સમાધાનનો સામુહિક પ્રયાસ છે.
અધ્યક્ષ મહોદય,
જો ઈતિહાસ અને માથાદીઠ ઉત્સર્જનની દષ્ટિએ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગમાં ભારતનું યોગદાન ઘણું ઓછું રહ્યું છે. પરંતુ તેના સમાધાનની માટે પગલા ભરનારાઓમાં ભારત એક અગ્રણી દેશ છે. એક બાજુ તો અમે ભારતમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્ય ઉપર કામ કરી રહ્યા છીએ ત્યાં જ બીજી બાજુ અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્થાપિત કરવાની પહેલ પણ કરી છે.
જળવાયુ પરિવર્તનનો એક પ્રભાવ એ પણ છે કે કુદરતી આફતોની સંખ્યા અને તેમની તીવ્રતા તો વધતી જ જઈ રહી છે, તેમની સીમા અને તેમના નવા નવા રસ્વરૂપો પણ સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા જ ભારતે કુદરતી આપત્તિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું સંગઠન (સીડીઆરઆઈ) બનાવવાની પહેલ કરી છે. તેનાથી આવા માળખાગત બાંધકામો તૈયાર કરવામાં મદદ મળશે જેની પર પ્રાકૃતિક આપત્તિઓનો પ્રભાવ ઓછામાં ઓછો થશે.
અધ્યક્ષ મહોદય,
યુએન પીસ કિપિંગ મિશન્સમાં સૌથી મોટું બલિદાન જો કોઈ દેશે આપ્યું છે તો તે ભારત છે. અમે તે દેશના વાસી છીએ જેણે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે, શાંતિનો સંદેશ આપ્યો છે. અને એટલા માટે અમારા અવાજમાં આતંકની વિરુદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા પણ છે અને આક્રોશ પણ. અમે માનીએ છીએ કે આ કોઈ એક દેશના નહીં પરંતુ સમગ્ર દુનિયાના અને માનવતાના સૌથી મોટા પડકારોમાંનો એક છે. આતંકના નામ પર વિભાજીત દુનિયા, તે સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે છે જેમના આધાર પર સંયુક્ત રાષ્ટ્રનો જન્મ થયો છે અને એટલા માટે માનવતા માટે, આતંકની વિરુદ્ધ આખા વિશ્વનું એકમત થવું, એકત્રિત થવું હું અનિવાર્ય સમજુ છું.
અધ્યક્ષ મહોદય,
આજે વિશ્વનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. 21મી સદીની આધુનિક ટેકનોલોજી, સમાજ જીવન, ખાનગી જીવન, અર્થવ્યવસ્થા, સુરક્ષા, જોડાણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામુહિક પરિવર્તન લાવી રહ્યા છે. આ પરિસ્થિતિઓમાં એક વિખેરાયેલી દુનિયા કોઈના હિતમાં નથી અને ન તો આપણા બધાની પાસે પોત પોતાની સીમાઓની અંદર સમેટાઈ જવાનો વિકલ્પ છે. આ નવા યુગમાં આપણે બહુપક્ષીયતા અને સંયુક્ત રાષ્ટ્રને નવી શક્તિ, નવી દિશા આપવી જ પડશે.
અધ્યક્ષ મહોદય,
સવા સો વર્ષ પહેલા ભારતના મહાન આધ્યાત્મિક ગુરુ, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ દરમિયાન વિશ્વને એક સંદેશ આપ્યો હતો.
તે સંદેશ હતો –
“સુસંવાદિતતા અને શાંતિ અને મતભેદ નહીં.”
વિશ્વના સૌથી મોટા લોકશાહીનો, આજે પણ આંતરરાષ્ટ્રીય સમુદાયની માટે આ જ સંદેશ છે–
સુસંવાદિતતા અને શાંતિ.
ખૂબ–ખૂબ આભાર!!!