મહાનુભાવો,
એડેપ્શનના મહત્વના મુદ્દા પર મને મારા વિચારો પ્રસ્તુત કરવાની તક આપવા માટે મારા મિત્ર બોરિસ, આભાર! વૈશ્વિક આબોહવા અંગેની ચર્ચામાં એડેપ્શનને એટલું મહત્વ મળ્યું નથી જેટલું મિટિગેશનને. આ એ વિકાસશીલ દેશો સાથે અન્યાય છે, જે ક્લાઈમેટ ચેન્જથી વધુ પ્રભાવિત છે.
ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે ક્લાઈમેટ મોટો પડકાર છે – ક્રોપિંગ પેટર્નમાં ફેરફાર આવી રહ્યો છે, કમોસમી વરસાદ અને પૂર કે સતત આવતા તોફાનોથી પાક નષ્ટ થઈ રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોતથી લઈને અફોર્ડેબલ હાઉસિંગ સુધી, તમામને ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધ રેસિલન્ટ બનાવવાની જરૂર છે.
મહાનુભાવો,
આ સંદર્ભમાં મારા ત્રણ વિચાર છે. પ્રથમ, એડેપ્શનને આપણે આપણી વિકાસ નીતિઓ અને પરિયોજનાઓનું મુખ્ય અંગ બનાવવાનું રહેશે. ભારતમાં નળથી જળ – ટેપ વોટર ફોર ઓલ, સ્વચ્છ ભારત-ક્લીન ઈન્ડિયા મિશન અને ઉજ્જવલા –ક્લીન કૂકિંગ ફ્યુલ ફોર ઓલ જેવી પરિયોજનાઓથી અમારા જરૂરિયાતમંદ નાગરિકોને એડેપ્શનના લાભો તો મળ્યા જ છે, તેમના જીવનની ગુણવત્તા પણ સુધરી છે. બીજું, અનેક ટ્રેડિશનલ કમ્યુનિટીઝમાં પ્રકૃતિ સાથે સામંજસ્યમાં રહેવાનું જ્ઞાન છે.
આપણી એડેપ્શન નીતિઓમાં આ પરંપરાગત પ્રેક્ટિસિસને યોગ્ય મહત્વ મળવું જોઈએ. જ્ઞાનનો આ પ્રવાહ, નવી પેઢી સુધી પણ જાય, તેના માટે સ્કૂલના અભ્યાસક્રમમાં પણ તેને સામેલ કરવું જોઈએ. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ, જીવનશૈલીનું સંરક્ષણ પણ એડેપ્શનનો એક મહત્વનો સ્તંભ હોઈ શકે છે. ત્રીજું, એડેપ્શનના ઉપાયો ભલે સ્થાનિક હોય પરંતુ પછાત દેશોને તેમના માટે વૈશ્વિક સહયોગ મળવો જોઈએ.
સ્થાનિક એડેપ્શન માટે ગ્લોબલ સપોર્ટની વિચારસરણી સાથે જ ભારતે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર CDRIની પહેલ કરી હતી. હું તમામ દેશોને આ ઈનિશિયેટિવ સાથે જોડાવા માટે અનુરોધ કરૂં છું.
ધન્યવાદ.