પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ19 સંબંધિત મુદ્દાઓ તથા વેક્સિનેશન (રસીકરણ) અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશના તબીબો સાથે ચર્ચા વિચારણા કરી હતી. કોરોના વાયરસની આ મહામારી દરમિયાન અમૂલ્ય સેવા આપનારા ફરજનિષ્ઠ તબીબો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ જ સમયે આપણા તબીબોના અથાગ પરિશ્રમને કારણે અને રાષ્ટ્રીય રણનીતિને કારણે આપણે કોરોના વાયરસને અંકુશમાં રાખી શક્યા હતા. હવે દેશ જ્યારે કોરોનાના બીજા તબક્કાનો સામનો કરી રહ્યો છે ત્યારે તમામ તબીબો અને ફરજ બજાવનારા આપણા કોરોના શુરવીરો સંપૂર્ણ તાકાત સાથે કોરોના સામે લડી રહ્યા છે અને લાખો નાગરિકોના જીવ બચાવવા મથી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જરૂરી મેડિસિન્સ, ઇન્જેક્શન અને પર્યાપ્ત ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા જેવા કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારોને આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોરોના વાયરસ સામેની લડત માટે રસીકરણ સૌથી મોટું શસ્ત્ર છે. વધુને વધુ દર્દીઓ રસીકરણ કરાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા તેમણે તબીબોને અનુરોધ કર્યો હતો.
કોરોના સામેની સારવાર અને તેના રક્ષણ અંગે ફેલાયેલી કેટલીક અફવાઓ સામે નાગરિકોને માહિતગાર કરવાની પણ પ્રધાનમંત્રીએ તબીબોને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ કપરા કાળમાં પ્રજા ગભરાટનો ભોગ બને નહીં તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. આ માટે તેમણે જણાવ્યું કે યોગ્ય સારવારની સાથે સાથે હોસ્પિટલમાં ભરતી કરાયેલા દર્દીને યોગ્ય સલાહ મળી રહેવી જોઇએ. પ્રધાનમંત્રી શ્રી મોદીએ અન્ય રોગો માટેની સારવાર માટે ઇમરજન્સી ન હોય તો ટેલિ–મેડિસિનનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એ બાબત પણ નોંધી હતી કે મહામારીના આ સમયમાં બીજા અને ત્રીજા દરજ્જાના શહેરમાં પણ કોરોના વાયુવેગે પ્રસરી રહ્યો છે. આવા શહેરોમાં સંસાધનો વિકસાવવાના પ્રયાસો વધુ ઝડપી બનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે તબીબોને આ મામલે બીજા અને ત્રીજા દરજ્જાના શહેરોમાં કાર્યરત તેમના સાથી તબીબો સાથે સંપર્કમાં રહેવાનો અને કોરોનાના તમામ પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપવાનો અનુરોધ કર્યો હતો.
તબીબોએ કોરોના મહામારીનો સામનો કરવા અંગેના પોતાના અનુભવો પણ પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા. આ મહામારી સામેની લડતમાં આગેવાની લેવા બદલ તેમણે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્યના સંસાધનો કેવી રીતે વિકસીત થયા તે અંગે પણ તબીબોએ પ્રધાનમંત્રી સાથે વાત કરીને પ્રશંસા કરી હતી. તેમણે નાગરિકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તબીબોએ કોરોના થયો ન હોય તેવા લોકોના આરોગ્ય માટે પણ સવલતો જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તબીબોએ દવાઓના અયોગ્ય ઉપયોગ સામે કેવી રીતે દર્દીઓને જાગૃત કરવા તે અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રી સાથેની આ બેઠકમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી હર્ષ વર્ધન, એમઓએસ (આરોગ્ય) શ્રી અશ્વિની કુમાર ચૌબે, કેમિકલ અને ફર્ટિલાઇઝરના કેન્દ્રિય મંત્રી શ્રી ડી, વી. સદાનંદ ગોવડા, એમઓએસ (કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર) શ્રી મનસુખ માંડવિયા, કેન્દ્રિય આરોગ્ય સચિવ, કેન્દ્રિય ફાર્માસ્યુટિકલ સચિવ ડૉ. બલરામ ભાર્ગવ, ડીજી આઇસીએમઆર તથા કેન્દ્ર સરકારના અન્ય વિભાગો અને મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા