પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું.
પ્રધાનમંત્રીને હાલમાં રસીની ઉપલબ્ધતા અને તેમાં વધારો કરવા માટેની ભાવિ રૂપરેખાની માહિતી આપવામાં આવી હતી. વિવિધ રસી ઉત્પાદકોને ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ તેમને માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર રસીના ઉત્પાદકો સાથે સક્રીય રીતે કામ કરી રહી છે અને તેમને ઉત્પાદન એકમો વધારવાની સુવિધા આપવા, નાણાકીય સહાય કરવા અને કાચા માલના પૂરવઠાના સંદર્ભમાં મદદ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ આરોગ્ય સંભાળ કર્મચારીઓ તેમજ અગ્ર હરોળના કર્મચારીઓના રસીકરણ કવરેજની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે 45 વર્ષથી વધારે ઉંમરના તેમજ 18 થી 45 વર્ષ સુધીના વયજૂથમાં લોકોના રસીકરણની સ્થિતિ પણ જાણી હતી. પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યોમાં રસીકરણ કવરેજની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, રસીના બગાડની સંખ્યા હજુ પણ વધારે છે અને તેને ઘટાડવા માટે પગલાં લેવાની જરૂર છે.
અધિકારીઓએ રસીકરણની પ્રક્રિયા લોકો માટે વધુ અનુકૂળ બનાવવા માટે ટેકનોલોજીના મોરચે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, રાજ્યોને રસીની ઉપલબ્ધતા અંગે આગોતરી માહિતી આપવામાં આવે છે. તેમણે પ્રધાનમંત્રીને એવી પણ માહિતી આપી હતી કે, આ માહિતી જિલ્લા સ્તરે સુધી પહોંચડવા માટે રાજ્યોને કહેવામાં આવ્યું છે જેથી લોકોને કોઇપણ પ્રકારે અગવડ પડે નહીં.
સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી, નાણાં મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.