પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, સરકાર સક્રિયપણે કોવિડ અને મ્યુકોર્માયકોસિસના નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના પુરવઠા પર દેખરેખ રાખી રહી છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, તેઓ દવાઓનું ઉત્પાદન વધારવા માટે અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટે નિયમિત ધોરણે ઉત્પાદકો સાથે સંપર્કમાં રહે છે. પ્રધાનમંત્રીને વર્તમાન ઉત્પાદન અને આવી દરેક દવાઓ માટેના APIના ઉપલબ્ધ જથ્થા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, રાજ્યોને દવાઓનો ઘણો સારો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, રેમડેસિવીર સહિત તમામ પ્રકારની દવાઓના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પાસે ખૂબ જ સક્રિય અને ગતિશીલ ફાર્મા ક્ષેત્ર છે અને તેમની સાથે સરકારના નીકટતાપૂર્વક અવિરત સંકલનથી તમામ દવાઓની યોગ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠાની પરિસ્થિતિની પણ માહિતી મેળવી હતી. દરમિયાન એવી ચર્ચા કરવામાં આવી હતી કે, હાલમાં ઓક્સિજનનો પુરવઠો કોવિડના પ્રથમ ચરણના સર્વોચ્ચ તબક્કાની સરખામણીએ ત્રણ ગણાથી પણ વધારે છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, ઓક્સિજન રેલ અને IAFના વિમાનો દ્વારા ઓક્સિજનની હેરફેરની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજનના સિલિન્ડરો અને સમગ્ર દેશમાં સ્થાપવામાં આવી રહેલા PSA પ્લાન્ટ્સની સ્થિતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, રાજ્યોને નિયત સમય મર્યાદામાં વેન્ટિલેટર્સ કાર્યાન્વિત કરવાનું અને ઉત્પાદકોની મદદ લઇને ટેકનિકલ તેમજ તાલીમ સંબંધિત સમસ્યાઓ ઉકેલવાનું કહેવું જોઇએ.