માલદિવનાં વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિનાં વિશેષ દૂત ડો. મોહમ્મદ આસિમ આજે (11-01-2018) બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
તેમણે ભારત અને માલદિવ વચ્ચે સહિયારા ઈતિહાસ, સંસ્કૃતિ અને હિંદ મહાસાગરમાં દરિયાઈ હિતો ધરાવતા પડોશી દેશો તરીકે સંબંધો અંગે ચર્ચા કરી હતી. વિશેષ દૂત આસિમે માલદિવની “ઈન્ડિયા ફર્સ્ટ (સર્વપ્રથમ ભારત)” નીતિ હેઠળ ભારત સાથે ગાઢ સંબંધ જાળવવા માલદિવની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હંમેશા માલદિવના વિશ્વસનિય અને ગાઢ સંબંધ ધરાવતા પડોશી દેશ તરીકે રહેશે તથા તેની પ્રગતિ અને સુરક્ષાને ટેકો આપશે.
વિશેષ દૂત આસિમે રાષ્ટ્રપતિ યામીન તરફથી પ્રધાનમંત્રીને માલદિવની મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અનુકૂળ સમયે મુલાકાત લેવા સંમતિ આપી હતી.
વિશેષ દૂતે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની શુભેચ્છા પાઠવી હતી, જેની સામે પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર શુભકામનાઓ પાઠવી હતી.