પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા જતાં અગાઉ આપેલાં નિવેદનનો મૂળ પાઠઃ
“હું 29 નવેમ્બરથી 01 ડિસેમ્બર, 2018 સુધી આર્જેન્ટિના દ્રારા આયોજિત 13માં જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા બ્યૂનસ આયર્સની મુલાકાત લઇશ.
જી-20 દુનિયાનાં 20 સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચે વિવિધ પાસાંઓમાં સહકારને પ્રોત્સાહન આપવાનો ઇરાદો ધરાવે છે. પોતાની સ્થાપનાનાં 10 વર્ષ દરમિયાન જી-20 સ્થિર અને સ્થાયી વૈશ્વિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા આતુર છે. આ ઉદ્દેશ વિકસિત દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશો માટે સવિશેષ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે દુનિયામાં ભારતની ગણના સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્ર તરીકે થાય છે.
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં ભારતનું પ્રદાન આપણી “વાજબી અને ટકાઉ વિકાસ માટે સર્વસંમતિ ઊભી કરવાની” કટિબદ્ધતાનું મહત્ત્વ સૂચવે છે, જે આ શિખર સંમેલનની થીમ છે.
હું જી-20ની સ્થાપનાનાં છેલ્લાં 10 વર્ષનાં કામની સમીક્ષા કરવા તથા આગામી દાયકાનાં નવા અને ભવિષ્યનાં પડકારોને પૂર્ણ કરવાનાં માર્ગો પ્રશસ્ત કરવા જી-20 દેશોનાં નેતાઓને મળવા આતુર છું. અમે વૈશ્વિક અર્થતંત્ર અને વેપારની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય નાણાકીય અને કરવેરા વ્યવસ્થા, કાર્યનું ભવિષ્ય, મહિલા સશક્તિકરણ, માળખાગત અને સ્થાયી વિકાસની સ્થિતિ પર ચર્ચા કરીશું.
ધિરાણ કટોકટીનાં સંબંધમાં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિમાં પુનઃસંચાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિકાસશીલ અર્થતંત્રો અત્યારે અનપેક્ષિત આર્થિક અને ટેકનોલોજી પડકારોનો સામનો કરી રહ્યાં છે. હું બહુપક્ષીય સુધારા માટેની જરૂરિયાત પર ભાર મૂકીશ, જે સમકાલિન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરશે અને આંતરરાષ્ટ્રીય ચીજવસ્તુઓ માટે સહિયારી કામગીરીને અસરકારક રીતે મજબૂત કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સાથસહકારને મજબૂત કરવાની તથા ભાગેડુ આર્થિક અપરાધીઓ અને આતંકવાદીઓને ધિરાણ કરતા લોકો સામે સંકલિત પ્રયાસો વધારવાની ગંભીર જરૂર છે.
અગાઉની જેમ હું શિખર સંમેલન દરમિયાન પારસ્પિક હિતની દ્વિપક્ષીય બાબતો પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવા નેતાઓને મળવા આતુર છું.”