પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુલ્તાનપુર લોધીમાં ગુરુદ્વારા બેર સાહિબમાં માથું ટેકવ્યું હતું. પ્રધાનમંત્રીની સાથે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલ, પંજાબનાં રાજ્યપાલ વી. પી. સિંહ બદનોર અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ઉપસ્થિત હતા.
ગુરુદ્વારાનાં મુખ્ય સંકુલમાં પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી હતી અને પૂજારીએ આપેલી ચાદર ચઢાવી હતી. પછી પ્રધાનમંત્રી મોદીએ સંકુલની મુલાકાત લીધી હતી અને તેમણે 14 વર્ષથી વધારે સમય શ્રી ગુરુ નાનક દેવજીએ જે બેરનાં વૃક્ષ નીચે ધ્યાન ધર્યું હતું એનાં દર્શન કર્યા હતા.
આ મુલાકાત પછી પ્રધાનમંત્રી ડેરા બાબા નાનક રવાના થયા હતાં, જ્યાં તેઓ પેસેન્જર ટર્મિનલ ભવનનું ઉદઘાટન કરશે અને કરતારપુરનાં શ્રદ્ધાળુઓનાં પ્રથમ જૂથને રવાના કરશે.