પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફન્સ દ્વારા ચેન્નાઈના તામિલ સામાયિક ‘તુગલક’ની 50મી વર્ષગાંઠના સમારંભને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ગત 50 વર્ષ દરમિયાન સામાયિકની શાનદાર સફરની પ્રશંસા કરી હતી. તેમણે સામાયિકનાં સ્થાપક ચો રામાસ્વામીનાં અવસાન પર શોક પણ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સામાયિક હકીકતો, બુદ્ધિલક્ષી તર્કો અને વ્યંગ્ય પર આધારિત છે.
તામિલનાડુની જીવંતતા
પ્રધાનમંત્રીએ તામિલનાડુની જીવંતતાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્યએ સદીઓથી દેશને દિશા આપી છે.
તેમણે કહ્યું હતું કે, “તામિલનાડુ અને તામિલ લોકોની જીવંતતાએ ચકિત કરી દીધો છે. તામિલનાડુ સદીઓથી આપણા દેશ માટે માર્ગદર્શક બન્યું છે. આ આર્થિક પ્રગતિની સાથે સામાજિક સુધારાઓનું સુંદર મિશ્રણ નજરે તરે છે. આ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાની ભૂમિ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મને સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં તામિલ ભાષાની કેટલીક પંક્તિઓ બોલવાનું સન્માન મળ્યું હતું.”
તામિલનાડુ માટે ડિફેન્સ કોરિડોર
રાજ્યના વિકાસનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બે ડિફેન્સ કોરિડોરમાંથી એક કોરિડોર તામિલનાડુમાં સ્થાપિત કરવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.
તેમણએ કહ્યું હતું કે, “છેલ્લાં થોડા વર્ષો દરમિયાન તામિલનાડુની પ્રગતિમાં અનેક અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યાં છે. આપણે જ્યારે બે ડિફેન્સ કોરિડોરની સ્થાપના કરવાનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધો હતો, ત્યારે એ સમયે તામિલનાડુ અમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવ્યું હતું. આ કોરિડર બની જવાથી રાજ્યમાં ઉદ્યોગોની સંખ્યા વધશે અને તામિલનાડુના યુવાનો માટે રોજગારીની તકોમાં વધારો થશે.”
કાપડ ઉદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રને પ્રોત્સાહન
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાપડઉદ્યોગ ક્ષેત્રનાં આધુનિકીકરણ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, “કાપડ ઉદ્યોગ ક્ષેત્ર તામિલનાડુની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તામિલનાડુનાં લોકોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રનું આધુનિકીકરણ કરી રહી છે. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત નાણાકીય સહાયતા પ્રદાન કરવામાં આવી છે. બે મોટા હેન્ડલૂમ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત મશીનોના આધુનિકીકરણ માટે સંસાધનોનું ફાળવણી કરવામાં આવી છે.”
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મત્સ્યપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ પગલાં લઈ રહી છે. આ ક્ષેત્ર અત્યારે ઝડપથી વિકસી રહ્યું છે. આપણે આ ક્ષેત્રને વધારે જીવંત બનાવવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, “અમારું ધ્યાન ટેકનોલોજી, નાણાકીય મદદ અને માનવ સંસાધનનાં વિકાસ પર કેન્દ્રિત છે. થોડા દિવસો અગાઉ તામિલનાડુના માછીમારોને દરિયામાં ઊંડે માછલી પકડવા માટે નૌકાઓ અને ટ્રાન્સપોન્ડર પ્રદાન કરવામાં આવ્યાં છે. આપણા માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યાં છે. માછીમારો માટે નવા મત્સ્યપાલન બંદર બનાવવામાં આવ્યાં છે. નૌકાઓના આધુનિકીકરણને પણ મદદ આપવામાં આવે છે.”
પર્યટનને પ્રોત્સાહન
પ્રધાનમંત્રીએ બધાને આગ્રહ કર્યો હતો કે, તેઓ આગામી બે વર્ષમાં ભારતનાં 15 સ્થળોની યાત્રા કરે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પર્યટન ક્ષેત્ર પર ધ્યાન આપી રહી છે અને ભારતને વિશ્વનાં આર્થિક મંચના પ્રવાસ અને પર્યટન પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં 34મું સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં જ્યારે એનડીએની સરકાર સત્તામાં આવી હતી, ત્યારે એ સમયે ભારતનું સ્થાન 65મું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને જણાવતા આનંદ થાય છે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતમાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં ઘણો વધારો થયો છે. આ રીતે પર્યટનમાંથી પ્રાપ્ત થનારી વિદેશી ચલણની આવકમાં પણ વધારો થયો છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “તમને એ જાણીને પણ આનંદ થશે કે કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓથી તામિલનાડુને ઘણો લાભ થયો છે. ચેન્નાઈથી કન્યાકુમારી, કાંચીપુરમ અને વેલ્લાનકલીની દરિયાઈ સર્કિટને પ્રવાસીઓને વધારે અનુકૂળ બનાવવામાં આવી રહી છે.”
નવું ભારત – નવો દાયકો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે ભારત એક નવા દાયકામાં પ્રવેશ કરી રહ્યો છે. ભારતવાસી દેશના વિકાસને દિશા આપશે અને એને નવી ઊંચાઈઓ પર લઈ જશે. મને વિશ્વાસ છે કે, બે મુખ્ય કારણોથી આપણી મહાન સભ્યતા સમૃદ્ધ રહી છે. એક, ભારતમાં સમરસતા, વિવિધતા અને ભાઈચારો જોવા મળે છે. બે, ભારતવાસીઓ ઉત્સાહી અને જીવંતતા ધરાવે છે. જ્યારે ભારતનાં લોકો કશું કરવાનો નિર્ણય લે છે, ત્યારે એને કોઈ તાકાત અટકાવી શકતી નથી.”
પ્રધાનમંત્રીએ મીડિયાને આગ્રહ કર્યો હતો કે, તેઓ આ ભાવનાની કદર કરે અને એની સાથે આગળ વધે.
તેમણે કહ્યું હતું કે, “સરકાર હોય કે મીડિયા હાઉસ હોય, આપણે બધાએ આ ભાવનાની કદર કરવી જોઈએ અને એની સાથે આગળ વધવું જોઈએ. અહીં હું મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરું છું. મીડિયાએ રાષ્ટ્રનિર્માણમાં શક્ય દરેક રીતે શ્રેષ્ઠ મિશનને આગળ ધપાવવાનું કામ કર્યું છે, પછી એ સ્વચ્છતા હોય, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો હોય કે પર્યાવરણનું સંરક્ષણ કરવાનું હોય. મને આશા છે કે, આ ભાવના સમયની સાથે વધારે મજબૂત થશે.”
Here is my message at the programme marking 50 years of Thuglak. Paid tributes to the versatile and indomitable Cho, highlighted how the spirit of 130 crore Indians is powering transformations and some of the Centre’s efforts for Tamil Nadu’s progress. https://t.co/6mnUz0wZsO
— Narendra Modi (@narendramodi) January 14, 2020